Gujarat

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેકટનો મહત્વપૂર્ણ માઈલસ્ટોન

અમદાવાદ, સુરત : મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કલાપુર અને શાહપુર મેટ્રો સ્ટેશન વચ્ચે આવેલા અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ઉપરથી પસાર થતી બુલેટ ટ્રેન લાઇન માટે 100 મીટર લાંબું ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલનું પુલ સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આયોજન કરાયેલા કુલ 17 સ્ટીલના પુલોમાંથી આ ગુજરાતનું 13મો સ્ટીલ બ્રિજ બન્યો છે. અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેન વાયડક્ટનું નિર્માણ સામાન્ય રીતે 30થી 50 મીટરના સ્પાન ધરાવતા સ્પાન-બાય-સ્પાન સ્ટ્રક્ચરથી કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ વિશિષ્ટ સ્થળે બુલેટ ટ્રેન લાઇન મેટ્રોના અંડરગ્રાઉન્ડ ટનલ પરથી પસાર થતી હોવાથી વિશેષ ઈજનેરી આયોજન કરવામાં આવ્યું.

મેટ્રો ટનલ પર કોઈપણ પ્રકારનો ભાર ન આવે તે માટે ફાઉન્ડેશન્સને ટનલથી દૂર રાખવામાં આવ્યા અને સ્પાનને લગભગ 100 મીટર સુધી લંબાવવો પડ્યો. આ કારણે અહીં સુપરસ્ટ્રક્ચરને પરંપરાગત એસબીએસ વાયડક્ટના બદલે સ્ટીલ ટ્રસ બ્રિજ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે બુલેટ ટ્રેન અને મેટ્રો બંને માટે સંપૂર્ણ માળખાકીય સુરક્ષા આપે છે.

આ સ્ટીલ બ્રિજને સાઇટ પર જમીનથી 16.5 મીટર ઊંચાઈએ ટમ્પરરી ટ્રેસલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો. એસેમ્બલી પૂર્ણ થયા બાદ ટમ્પરરી સપોર્ટ્સને કાળજીપૂર્વક દૂર કરી બ્રિજને ચોક્કસ રીતે સ્થાયી સપોર્ટ સિસ્ટમ પર ઉતારવામાં આવ્યો, જેથી સલામતી અને માળખાકીય ચોકસાઈ જાળવી શકાય. કુલ 1098 મેટ્રિક ટન વજન ધરાવતો આ સ્ટીલ બ્રિજ અમદાવાદ–સબર્મતિ મેઇન લાઇન (વેસ્ટર્ન રેલવે)ના સમાનાંતર સ્થિત છે. તેની ઊંચાઈ 14 મીટર અને પહોળાઈ 15.5 મીટર છે. બ્રિજનું ફેબ્રિકેશન મહારાષ્ટ્રના વડસા ખાતે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ટ્રેલરો મારફતે અમદાવાદ સાઇટ પર લાવવામાં આવ્યો હતો.

મુખ્ય સ્ટ્રક્ચરની એસેમ્બલી સરળ બનાવવા માટે સાઇટ પર 11.5 x 100 મીટરનું ટમ્પરરી પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું. બ્રિજના નિર્માણમાં અંદાજે 45,186 ટોર્સ-શીયર પ્રકારની હાઈ-સ્ટ્રેન્થ બોલ્ટ્સનો ઉપયોગ થયો છે. લાંબા સમય સુધી ટકાઉપણું અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સી5 સિસ્ટમ પ્રોટેક્ટિવ પેઇન્ટિંગ અને એલાસ્ટોમેરિક બેરિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે.આ અદ્યતન ઈજનેરી કામગીરી સાથે મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો છે, જે ગુજરાતમાં આધુનિક રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં નવી દિશા આપશે.

Most Popular

To Top