SURAT

‘ઉસકો પકડો, ઉસકો આજ ખતમ કર દેંગે’ કહીં બે મિત્રો ઉપર જીવલેણ હુમલો

સુરત : અઠવા પોલીસ સ્ટેશનથી (Police Station) માત્ર 200 મીટર દૂર કિલ્લાની પાસે ત્રણ જણાએ યુવક ઉપર જુના ઝઘડાની અદાવતમાં જીવલેણ હૂમલો કર્યો હતો. યુવકને બચાવવા પડેલા મિત્રને પણ પેટમાં ઘા મારતા અઠવા પોલીસે હત્યાના (Murder) પ્રયાસનો ગુનો (Complaint) નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

રાંદેર શીતલ ચાર રસ્તા બાપુનગર બોરડી વિસ્તારમાં રહેતા અઝરૂદીન ઉર્ફે સલમાન ઉસ્માન પટેલે અઠવા પોલીસ સ્ટેશનમાં ઝાકીર ઉર્ફે પપ્પુ ચાંદભાઇ હાસોટી, નાઝુ અને સાથે આવેલા એક અજાણ્યાની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે. ગઈકાલે રાત્રે કિલ્લાની સામે અઝરૂદ્દીન તથા તેનો મિત્ર નાજીમ કિલ્લાની પાળી પર બેઠા હતા. જ્યારે તેમનો એક મિત્ર ઇકબાલ શેખ પોતાની રીક્ષામાં બેઠો હતો. ત્યારે જાકીર ઉર્ફે પપ્પુ, નાઝુ તથા અન્ય એક અજાણ્યો ત્યાં આવ્યા હતા. જાકિર ઉર્ફે પપ્પુનો અગાઉ ઇકબાલ શેખ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી ઇકબાલ શેખ પાસે આવી બોલાચાલી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. અને નાઝુ તથા એક અજાણ્યાએ ઝપાઝપી કરી હતી. એટલી વારમાં જાકીર ઉર્ફે પપ્પુએ તેની પાસેના ચપ્પુ વડે ઇકબાલ શેખને પેટના ભાગે ચપ્પુ વડે ઘા માર્યા હતા. ઇકબાલ શેખને બચાવવા અઝરૂદ્દીન વચ્ચે પડતા આરોપી જાકિરે જોર જોરથી બુમો પાડી “ઉસકો પકડો, ઉસકો આજ ખતમ કર દેગે” તેમ કહી તેના પેટના ભાગે ચપ્પુ વડે એક ઘા મારી દીધો હતો. અને ત્યાંથી ત્રણેય નાસી ગયા હતા. અઠવા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

શહેરમાં હત્યાનો સિલસિલો અટકતો જ નથી: હવે વેપારીની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા
સુરત : લિંબાયતમાં તેલ આપવાના મુદ્દે વેપારીની સાથે માથાકૂટ થતાં જાહેરમાં જ ચપ્પુના ઘા ઝીંકી દેવાયા હતા. વેપારીને ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. વેપારીની હત્યા બાદ અન્ય વેપારીઓએ સ્મીમેર હોસ્પિટલમાં સૂત્રોચ્ચાર કરીને આરોપીની ધરપકડ કરવાની માંગણી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં ગોડાદરા આસપાસ દાદાના મંદિરની પાસે સંતકૃપા સોસાયટીમાં રહેતા ભરત કાનારાભાઇ ચૌધરી ઇલેક્ટ્રિકનો વેપાર કરે છે. તેમની સાથે ગોડાદરામાં જ રહેતા દેવારામ મીનારામ ચૌધરી પણ ભાગીદારીમાં વેપાર કરે છે. દેવારામની સાથે ગોડાદરામાં રહેતો પંકજ નામનો યુવક આવ્યો હતો. આ પંકજે દેવારામ સાથે તેલ આપવા બાબતે ઝઘડો કર્યો હતો. માથાકૂટ બાદ બીજા સાતથી આઠ ઇસમો આવી ગયા હતા. આ લોકોએ દેવારામની સાથે ઝઘડો કરીને ચપ્પુના ઘા મારી દઇને બે તોલાની સોનાની ચેઇન, એક મોબાઇલ મળી કુલ રૂા. 60 હજારની લૂંટ કરી હતી. દેવારામભાઇ ઇજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલીક સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. વેપારીની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા અનેક વેપારીઓ સ્મીમેર હોસ્પિટલમાં ભેગા થયા હતા. વેપારીઓએ દેવારામભાઇના હત્યારાઓને જલ્દીથી પકડી પાડવા માટે માંગણી કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે ઘટના અંગે શરૂઆતમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો અને હવે હત્યાની કલમો ઉમેરો કરીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top