Sports

મુંબઇને મળશે ચોથું સ્ટેડિયમ, 1 લાખ લોકો સાથે બેસી માણી સકશે મેચનો આનંદ

મુંબઈ: મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) શહેરની નજીક એક નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે નવા સ્ટેડિયમમાં લગભગ 1 લાખ દર્શકોની બેઠક ક્ષમતા હશે. તેમજ આ સ્ટેડિયમ વાનખેડે સ્ટેડિયમની નજીક હોવાથી ક્રિકેટ ટુર્નામેન્ટ (Cricket Tournament) માટે સરળ વિકલ્પ રહેશે.

અહેવાલો મુજબ મુંબઈ ક્રિકેટ એસોસિએશન થાણે જિલ્લામાં એક નવું સ્ટેડિયમ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. જે વાનખેડે સ્ટેડિયમથી માત્ર 68 કિલોમીટર દૂર હશે. રિપોર્ટ અનુસાર નવા સ્ટેડિયમને 50 એકર જમીન પર બનાવવામાં આવશે. તેમજ આ સ્ટેડિયમ માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશને ટેન્ડર બહાર પાડ્યા છે. હવે માત્ર જમીનની ફાળવણી માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

એમસીએના દિવંગત પ્રમુખનો ડ્રીમ પ્રોજેક્ટ
નવું સ્ટેડિયમ એમસીએના પ્રમુખ અમોલ કાલેનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, જેમનું ગયા મહિને અવસાન થયું હતું. હાલમાં જ વર્લ્ડકપ જીત્યા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલનું સન્માન કર્યું હતું. આ દરમિયાન નવું સ્ટેડિયમ બનાવવા માટે પ્રસ્તુતિ આપવામાં આવી હતી અને બીજા જ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં નવા પ્રોજેક્ટનો રિપોર્ટ આવ્યો હતો.

મુંબઈને હવે મોટા સ્ટેડિયમની જરૂર છે: ફડણવીસ
આ સ્ટેડિયમ વિશે વાત કરતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમારી પાસે વાનખેડેના રૂપમાં ઐતિહાસિક સ્ટેડિયમ છે. મુંબઈને ભવિષ્યમાં વાનખેડે કરતાં પણ મોટા સ્ટેડિયમની જરૂર છે. અમારા મુખ્યમંત્રી એમસીએ અને બીસીસીઆઈને શક્ય તમામ મદદ કરશે.

વાનખેડે એક ઐતિહાસિક સ્ટેડિયમ છે અને તેની સરખામણી અન્ય કોઈ સ્ટેડિયમ સાથે થઈ શકે તેમ નથી, પરંતુ હવે સમય આવી ગયો છે કે મુંબઈને 1 લાખ લોકોની બેઠક ક્ષમતાવાળું નવું અને મોટું સ્ટેડિયમ આપવામાં આવે. હાલમાં મુંબઈમાં 3 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે. તેમાં વાનખેડે સ્ટેડિયમ (33000 દર્શકોની ક્ષમતા), બ્રેબોર્ન સ્ટેડિયમ (20000 દર્શકોની ક્ષમતા) અને DY પાટિલ સ્ટેડિયમ (45000 દર્શકોની ક્ષમતા)નો સમાવેશ થાય છે.

ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ
મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ઐતિહાસિક 2011 વર્લ્ડ કપ ફાઈનલનું સાક્ષી હતું. આ સાથે જ 2023 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ પણ અહીં જ રમાઈ હતી. તેમજ 1987ના વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ પણ અહીં જ થઈ હતી અને 2016માં ટી20 વર્લ્ડ કપની મેચો પણ અહીં રમાઈ હતી.

Most Popular

To Top