મુંબઈ: મંગળવારે સવારે મુંબઈમાં (Mumbai) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે એક લોકલ ટ્રેન (Local Train) પાટા પરથી ઊતરી ગઈ હતી. જેના કારણે હાર્બર લાઇન પર ઉપનગરીય સેવાઓને અસર થઈ હતી. એમ એક અધિકારીએ જણાવ્યું હતું. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે, સવારે 9.40 વાગ્યાની આસપાસ સીએસએમટીના પ્લેટફોર્મ (Platform) નં. 1 પર બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
- સવારે 9.40 વાગ્યાની આસપાસ સીએસએમટીના પ્લેટફોર્મ (Platform) નં. 1 પર બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી
- એક લોકલ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ
- પ્લેટફોર્મ પરથી સેવાઓ લગભગ અઢી કલાક પછી ફરી શરૂ થઈ
- આ ધટનાની કોરિડોર પર ઉપનગરીય સેવાઓને પણ અસર થઈ
મધ્ય રેલવે (સીઆર)ના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મ પરથી સેવાઓ લગભગ અઢી કલાક પછી ફરી શરૂ થઈ હતી.
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમે જણાવ્યું હતું કે, તેમણે મુસાફરો માટે 10 વધારાની બસ સેવાઓ શરૂ કરી છે. સુતારે કહ્યું હતું કે, ”સીએસએમટી-પનવેલ (પીએલ-61) લોકલ પ્લેટફોર્મ નંબર એક છોડવા માટે તૈયાર હતી, પરંતુ તે ઊલટી દિશામાં ચાલવા લાગી હતી અને તે જ પ્લેટફોર્મના ડેડ-એન્ડને સ્પર્શી ગઈ હતી. આના પરિણામે ચોથા કોચની એક ટ્રોલી પાછળના છેડેથી પાટા પરથી ઊતરી ગઈ હતી.
હાર્બર લાઇન સેવાઓ સીએસએમટી ખાતે સામાન્ય રીતે પ્લેટફોર્મ નં. 1 અને 2 ચાલુ હોય છે. પાટા પરથી ઊતરી ગયા બાદ લોકલ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 2 પરથી જ ચલાવવામાં આવી હતી. કોરિડોર પર ઉપનગરીય સેવાઓને અસર થઈ હતી.
સુતારે ઘટના પછી જણાવ્યું હતું કે, પ્લેટફોર્મની અનુપલબ્ધતાને કારણે કેટલીક ઉપનગરીય સેવાઓ રદ થવાની સંભાવના હતી. આ ઉપરાંત, કેટલીક ટ્રેનો વડાલા સ્ટેશન પર ટૂંકા ગાળા માટે મૂકવામાં આવશે અને ત્યાંથી ચલાવવામાં આવશે.