National

મુંબઈમાં આયોજીત ફેબ એક્સ માં 14 દેશોના ગારમેન્ટ ઉત્પાદકોએ ભાગ લીધો

મુંબઈ: મુંબઈના (Mumbai) નેકસો ખાતે આજે બુધવારે તા. 26 એપ્રિલથી ત્રિદિવસીય ફેબ એક્સ શો (Fab X Show) શરૂ થયો છે. આ શોમાં ૧૪ દેશોના ગારમેન્ટ ઉત્પાદકોએ ભાગ લીધો છે.આ શોનું ઉદ્ઘાટન ઈન્ટરનેશનલ એપરલ ફેડરેશનનના પ્રમુખ કેમ એલ્ટને કર્યું હતું. તુર્કીના કેમ એલ્ટને કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોનાના લીધે વિશ્વ મંદી અને મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આ વિકટ સમયમાં ભારતના ઉત્પાદકો નવા પ્રયોગો કરી ઉદ્યોગને બળ પુરૂ પાડી રહ્યા છે. ભારતીય ઉત્પાદકો હવે વૈશ્વિક ફેશન અને ડિમાન્ડને અનુરૂપ ફેબ્રિક અને ગારમેન્ટ બનાવતા થયા છે, જે દર્શાવે છે કે ભારતીય ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ નું ભવિષ્ય ઉજ્જવળ છે.

સુરતમાં લગભગ તમામ પ્રકારના ફેબ્રિકસ બંને છે તે છતાય ગારમેન્ટ ક્ષેત્રમાં જોઇએ તેવી પ્રગતિ થઇ શકી નથી. સ્કીલ્ડ કામદારોના અભાવે સુરતના કાપડ ઉદ્યોગકારોને ગારમેન્ટ સેક્ટરમાં ઓછી સફળતા મળી છે. સુરતના કાપડ ઉદ્યોગને ગારમેન્ટ સેક્ટરમાં આગળ લઇ જવા માટે ક્લોથિંગ મેન્યુફેક્ચર એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સુરતમાં એપેરલ ટ્રેનિંગ સેન્ટર તૈયાર કરવામાં આવશે. જે ચાલુ વર્ષે જ શરૂ કરી દેવામાં આવશે.

મુંબઈમાં નેસ્કો ખાતે સીએમએઆઈ દ્વારા આયોજિત એક્ઝિબિશનના શુભારંભ દરમિયાન સીએમએઆઈના પ્રમુખ રાજેશ મસંદે જણાવ્યું હતું કે સુરત કાપડ મેન્યુફેક્ચરિંગ માટેનું મોટુ હબ છે. દેશભરમા ગારમેન્ટ ઉત્પાદકો 70 ટકા કાપડ સુરતથી કાપડ ખરીદી કરે છે. સુરતમાં ગારમેન્ટ સેકટરમાં આગળ વધવા માટેની અનેક તકો છે. જોકે સુરતમાં સ્કીલ્ડ કામદારોનો અભાવ હોવાથી ગારમેન્ટ સેક્ટરના વિકાસ પર અસર પડી રહી છે. જો અહીં કામદારોને ટ્રેનિંગ આપવામા આવે તો ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીનો વિકાસ ઝડપથી થાય તેમ છે. આ બાબતને સીએમએઆઇએ ગંભીરતાથી લીધી છે અને ચાલુ વર્ષે સુરતમાં એપેરલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. અહીં કામદારોને ડેનિમ અને ગારમેન્ટની ટ્રેનિંગ આપવામા આવશે. સીએમએઆઇના ગુજરાત રીજનલ ચેરમેન અજોય ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે એક્ઝિબિશનમા્ સુરતના 46 ઉદ્યોગકારોના સ્ટોલ છે. આગામી દિવસોમાં સુરતમાં ગારમેન્ટ સેક્ટરનો વિકાસ ખુબ ઝડપથી થવાની સંભાવના છે. સુરતમાં એટીસી શરૂ થયા પછી ટ્રેનિંગ શરૂ થયા પછી ઉદ્યોગકારોને રાહત થશે.

Most Popular

To Top