National

પહેલા જ વરસાદમાં મુંબઇ ડૂબ્યું, રેલવેના પાટા પાણીમાં ગરકાવ

મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) હાલના દિવસોમાં ભારે વરસાદનો (Rainfall) સામનો કરી રહ્યું છે. તેમજ મુંબઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે આ ભારે વરસાદને કારણે મુંબઈ તરફ જતી ટ્રેનો (Trains) અને પરિવહનને પણ માઠી અસર થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ શહેરના વિવિધ વિસ્તારોમાં ટીમો તૈનાત કરી હતી. ત્યારે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસી રહેલા વરસાદને કારણે NDRFની ટીમો થાણે, વસઈ (પાલઘર), મહાડ (રાયગઢ), ચિપલુન (રત્નાગિરી), કોલ્હાપુર, સાંગલી, સતારા ઘાટકોપર, કુર્લા અને સિંધુદુર્ગમાં તૈનાત છે. આ સાથે જ કોઈપણ ન બનવાજોગ ઘટનાને રોકવા અને પૂર જેવી કોઈ પણ પરિસ્થિતિ સર્જાતા યોગ્ય પગલા લેવા માટે 3 ટીમો અંધેરીમાં અને 01 ટીમને નાગપુરમાં તૈનાત કરવામાં આવી છે.

આ ટ્રેનો રદ કરવામાં આવી
ભારે વરસાદને કારણે મધ્ય રેલવેએ મુંબઇ જતી ઘણી ટ્રેનો રદ કરી છે. ત્યારે સેન્ટ્રલ રેલવેએ રદ્દ કરાયેલી ટ્રેનોની માહિતી પણ શેર કરી હતી. જેમાં 12110 (MMR-CSMT), 11010 (પુણે-CSMT), 12124 (પુણે CSMT ડેક્કન ક્વીન), 11007 (CSMT-પુણે ડેક્કન), 12127 (CSMT-પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ)નો સમાવેશ થાય છે. જ્યારે મુંબઈ એરપોર્ટ પર પણ વરસાદની અસર જણાઇ છે. વરસાદના કારણે મુંબઇની 27 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમજ એરપોર્ટ પર ગઇકાલે રાત્રે 2.20 થી 3.40 સુધી કામગીરી બંધ કરવી પડી હતી. ત્યારે ફ્લાઇટને અમદાવાદ, હૈદરાબાદ, ઇન્દોર જેવા શહેરોમાં ડાયવર્ટ કરવામાં આવી હતી.

BMCએ શાળાઓ બંધ કરી
BMC એ આપેલી માહિતી મુજબ આજે સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં વિવિધ સ્થળોએ 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારે ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઉપનગરીય ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આજે સોમવારે પણ ભારે વરસાદની સંભાવના જણાતા વિદ્યાર્થીઓને કોઇ અસુવિધા ન થાય તે માટે, મુંબઈ (BMC વિસ્તાર)ની તમામ BMC સરકારી અને ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગામી સત્ર માટે નિર્ણય જાહેર કરવામાં આવશે.

મુંબઈ યુનિવર્સિટીએ પરીક્ષાઓ સ્થગિત કરી
મુંબઈ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે 8 જુલાઈ, 2024 ના રોજ સવારે 11:00 થી બપોરે 2:00 વાગ્યા સુધીની તમામ CDOE (અગાઉની IDOL) પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. હવે આ પરીક્ષાઓની નવી તારીખ 13 જુલાઈ 2024 રહેશે. જેનો સમય અને સ્થળ એ જ રહેશે.

મુંબઈમાં સોમવારે 2 વાગ્યે હાઈટાઈડ
આજે સોમવારે બપોરે 2 વાગ્યે મુંબઈના દરિયામાં હાઈ ટાઈડ જાહેર કરાયું છે. આ સમય દરમિયાન દરિયામાં 15 ફૂટ ઊંચા એટલે કે લગભગ 4.4 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. જો આ સમયગાળા દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ ચાલુ રહેશે, તો શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ શકે છે.

Most Popular

To Top