વલસાડ : એમએલએમ (Multi Level Network Marketing) માં અનેક લોકો છેતરાવાના (cheat) બનાવો રોજ બરોજ બનતા હતા .પહેલા આ સ્કીમ (scheme) લોકો દ્વારા ચલાવતી હતી, પરંતુ હવે એપ્લિકેશન થકી આ સ્કીમ ચલાવાઇ રહી છે. જેમાં અનેક લોકો જોડાઇને છેતરાઇ રહ્યા હોવાનું રોજ બરોજ બની રહ્યું છે. તાજેતરમાં જ વલસાડના 2 હજારથી વધુ લોકો ક્યુઓ જાપાન(Cuo Japan) નામની આવી જ એક એપ્લિકેશન થકી છેતરાયા હોવાનું બહાર આવ્યું છે.
ક્યુઓ જાપાન નામની આ એપ્લિકેશન
ક્યુઓ જાપાન નામની આ એપ્લિકેશન એશિયાની એપ્લિકેશન હોવાનું જણાવી ભેજાબાજે તેમાં મલ્ટીલેવલ નેટવર્કીંગની સ્કીમ મુકી હતી. જેમાં 100 ડોલર ભરી મેમ્બર બની અન્ય મેમ્બર બનાવવાના હતા. આ મેમ્બર બન્યા બાદ વર્ચ્યુઅલી વિવિધ ચીજવસ્તુની ખરીદી કરવાની રહેતી હોય છે. જેના થકી પોઇન્ટ મળે અને મહિને 90 ડોલર જેટલું વળતર મળે છે. આ એપ્લિકેશન થોડો સમય ચાલી. જેમાં વલસાડના 2 હજારથી વધુ લોકો મેમ્બર બન્યા અને તેમાં લાખ્ખો રૂપિયાનું રોકાણ કર્યું. જોકે, આ એપ્લિકેશન અચાનક જ ગત 25 જુલાઇથી 30 જુલાઇ દરમિયાન બંધ થઇ ગઇ હતી. 1 ઓગષ્ટથી એપ્લિકેશન સદંતર બંધ થઇ જતાં લોકોને પોતે છેતરાયા હોવાની અનુભૂતિ થઇ હતી. જેમાં વલસાડ શહેરના જ અંદાજીત રૂ. 1 કરોડ ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે, એપ્લિકેશન થકી જ બધું ઓપરેટ થતું હોય આ એપ્લિકેશન ચલાવનાર સુધી કઇ રીતે પહોંચવું એ અંગે ભારે મૂંઝવણ ઉભી થઇ છે. જોકે, એપ્લિકેશન બનાવનાર ભારતનો જ ભેજાબાજ હોવાનું પણ જાણવા મળ્યું છે.
કાંઠા વિસ્તારના મહત્તમ લોકો આ સ્કીમમાં ઠગાયા
કાંઠા વિસ્તારના કોસંબા, દાંડી, હીંગરાજ વગેરે ગામના અનેક યુવાનો શિપમાં જાય છે. તેઓ જ આ એપ્લિકેશન શોધી લાવ્યા હતા અને તેમના દ્વારા આ મલ્ટીલેવલ નેટવર્કીંગમાં મેમ્બર બનાવવાનું શરૂ કરાયું હતુ. જેમાં 2 હજારથી વધુ સભ્ય જોડાયા હતા. જેમણે 100 ડોલરથી વધુનું આ એપ્લિકેશનમાં રોકાણ કર્યું હતુ. જોકે, રાતોરાત આ એપ્લિકેશન બંધ થઇ જતાં લોકોએ રડવાનો વારો આવ્યો છે.
એપ્લિકેશનમાં રોકાણ માટે વર્ચ્યુઅલ ડોલરની ખરીદીમાં પણ ગોટાળો
ક્યુઓ જાપાન જેવી એપ્લિકેશનમાં રોકાણ માટે વર્ચ્યુઅલી ડોલરની ખરીદી કરવાની રહેતી હોય છે. આ ડોલરની ખરીદી વિવિધ બિટકોઇન કે ક્રિપ્ટો કોઇન એપ્લિકેશન થકી થતી હોય છે. જેમાં પણ ભારે ગોટાળો થતો હોય છે. અનેક સાઇબર ઠગો આવી એપ્લિકેશનમાં ડોલર આપવાનો ઝાંસો આપી લોકો પાસે પૈસા પડાવી લેતા હોય છે અને તેમને ડોલર આપતા નહીં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જેમાં પણ વલસાડના અનેક લોકો ઠગાયા હોવાનું જાણવા મળ્યું છે.
સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી શકાય છે
મોબાઇલ ફોન પર ઠગાઇના કેસમાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતી હોય છે, પરંતુ એપ્લિકેશન થકી થતી છેતરપિંડીમાં હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી. આવી છેતરપિંડીમાં પણ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થઇ શકે છે. એપ્લિકેશનના આઇપી એડ્રેસથી તે ક્યાંથી ઓપરેટ થતી હોય એ જાણી શકાય છે. ત્યારે આ અંગે ભોગ બનનારે આગળ આવવું જરૂરી બન્યું છે.