નવસારી, બીલીમોરા : નવસારી જિલ્લા (NAVSARI DISTRICT)માં એક તરફ કોરોના (CORONA) હજુ સદી ફટકારી રહ્યો છે, ત્યારે બીજી તરફ મ્યૂકરમાઇકોસિસ (MUCORMYCOSIS) નામના રોગે પણ ભરડો લેવા માંડતાં લોકોમાં ફફડાટ મચી ગયો છે. ચીખલી તાલુકાના એક અને વાંસદા તાલુકામાં બે દર્દીઓને મ્યૂકરમાઇકોસિસ રોગ થતાં તેમને વલસાડના ડોક્ટર્સ હાઉસ (DOCTOR HOUSE)માં સારવાર અપાઇ રહી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બિનસત્તાવાર હેવાલ મુજબ ગણદેવી (GANDEVI) અને બીલીમોરા (BILIMORA)ના એક એક દર્દીને પણ મ્યૂકરમાઇકોસિસ થતાં તેમને સુરત (SURAT) ખાતે સારવાર અપાઇ રહી છે. કોરોનાના દર્દીઓને સારવાર બાદ મ્યૂકરમાઇકોસિસ રોગ થઇ રહ્યાનું જાણવા મળે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીને કોરોના થાય તો તેમાંથી સાજા થઇ ગયા બાદ આ રોગ થતો હોવાનું કહેવાય છે. જો કે આ બ્લેક ફંગસનું સંક્રમણ કેમ થાય છે, એ અંગે હજુ કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ કોરોના અને સુગરનું કોમ્બિનેશન અત્યારે તો મ્યૂકરમાઇકોસિસ રોગ માટે જવાબદાર લેખાઇ રહ્યું છે.
મ્યૂકરમાઇકોસિસ રોગનું પણ વહેલું નિદાન નહીં થાય તો તે જીવલેણ નીવડી શકે છે. અત્યાર સુધીમાં સુરતમાં બુધવાર સુધીમાં મ્યૂકરમાઇકોસિસના 185 કેસ નોંધાયા હતા. ઉપરાંત 16 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. જો કે નવસારી જિલ્લામાં હવે આ રોગે દેખા દીધી છે.
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના હેવાલ મુજબ જિલ્લામાં મ્યૂકરમાઇકોસિસના ત્રણ દર્દીઓ હાલમાં વલસાડના ડોક્ટર્સ હાઉસમાં સારવાર લઇ રહ્યા છે. આ ત્રણ દર્દીઓમાં ચીખલી તાલુકાના રૂમલા નજીકના થોરાટપાડા ખાતે રહેતા એક આધેડ, ઉપરાંત વાસંદા તાલુકાના ઘોડમાળના ઉપલા ફળિયાના એક 45 વર્ષના પુરૂષ તથા લછકડીના નીચલા ફળિયા ખાતે રહેતી એક 35 વર્ષની મહિલાને પણ આ રોગ થયો છે. આ ત્રણે દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે.
ગણદેવીના આધેડને મ્યૂકરમાઇકોસિસ થતા આંખ કાઢી નાંખી બચાવી લેવા ઉઠાવાતી જહેમત
એક બિનસત્તાવાર હેવાલ મુજબ ગણદેવીમાં પણ એક આધેડને કોરોનામાંથી સાજા થઇ ગયા બાદ મ્યૂકરમાઇકોસિસ થયો છે અને તેની આંખ કાઢી નાંખી તેને બચાવી લેવા માટે જહેમત ઉઠાવાઇ રહી છે. સુરત એક હોસ્પિટલમાં તેને સારવાર અપાઇ રહી છે. એ જ રીતે બીલીમોરામાં પણ એક દર્દીને મ્યૂકરમાઇકોસિસ થયાનું જાણવા મળે છે.
મ્યૂકરમાઇકોસિસની સારવારની વ્યવસ્થા માટે ધારાસભ્ય પિયૂષ દેસાઇએ કલેક્ટરને લખ્યો પત્ર
નવસારી જિલ્લામાં કોરોનાના કેરની સાથે સાથે હવે મ્યૂકરમાઇકોસિસ રોગ પણ નોંધાવા માંડ્યો છે. અત્યાર સત્તાવાર રીતે ત્રણ અને બિનસત્તાવાર રીતે પાંચ દર્દીઓને સારવાર અપાઇ રહી છે. આ રોગની સારવાર પણ ખાનગી હોસ્પિટલમાં ખૂબ જ ખર્ચાળ છે. આ સંજોગોમાં નવસારી સિવિલમાં મ્યૂકરમાઇકોસિસના દર્દીને સારવાર મળે એ માટે અલાયદો વોર્ડ બનાવવા સાથે તે માટેની દવા તથા ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવા માટે નવસારીના ધારાસભ્ય પિયૂષ દેસાઇએ કલેક્ટરને પત્ર લખી જાણ કરી છે. ધારાસભ્ય પિયૂષ દેસાઇએ કલેક્ટરને એપેડેમિક એક્ટ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને તત્કાળ અલાયદો વોર્ડ તથા દવા ઉપલબ્ધ કરાવાવ પગલાં ભરવા જણાવ્યું છે..