સુરત : નવી સિવિલ હોસ્પિ. (surat new civil hospital)માં દિવસે દિવસે મ્યુકર માઇકોસિસ (mucormycosis)ના દર્દીઓમાં સતત થઈ રહેલા વધારાને કારણે વધુ એક નવો વોર્ડ શરૂ (starting new ward) કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મહિલા અને પુરુષો માટે બે અલગ અલગ વોર્ડ રખાયા હતા પરંતુ હવે જી-3 નામનો નવો જ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સુરતની સિવિલમાં હાલમાં 61, જ્યારે સ્મીમેરમાં 30 દર્દીઓ મળી કુલ્લે 91 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હોવાની વિગતો મળી છે.
કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસને લઇને ડોક્ટરી આલમમાં ચિંતા જોવા મળી રહી છે. આ રોગને લઇને લોકોમાં પણ ડર ફેલાઇ રહ્યો છે. પહેલા જડબું, ત્યારબાદ આંખ અને બાદમાં સીધા જ મગજના ભાગમાં મ્યુકરમાઇકોસિસ રોગ ફેલાતો હોવાને કારણે લોકોના જીવની સામે જોખમ જોવા મળી રહ્યું છે. કોરોનાની જેમ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ પણ દિવસે દિવસે વધતા જાય છે. માત્ર સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મળીને કુલ્લે 90થી વધુ દર્દીઓ મ્યુકરમાઇકોસિસની સારવાર લઇ રહ્યા છે. બંને સરકારી હોસ્પિટલમાં દરરોજ ચારથી પાંચ જેટલી સર્જરીઓ પણ કરવામાં આવે છે.
હાલમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં 61 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 43 જેટલા પુરુષ છે અને 19 જેટલી મહિલાઓ છે, આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં 30 જેટલા દર્દીઓ દાખલ છે. સિવિલ હોસ્પિટલમાં વધતા જતા કેસોને લઇને હવે અલગથી એક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક મેડિકલ ચેકઅપ બાદ મ્યુકરમાઇકોસિસના લક્ષણો દેખાય તો તાત્કાલીક જ દર્દીને વોર્ડમાં દાખલ કરવામાં આવે છે.
રેમડેસિવિર અને વધારે સ્ટીરોઇડથી મ્યુકરમાઇકોસિસ થયું, હવે એમ્ફોટેરિસિન-બીથી કિડનીની બીમારીઓ વધી
ડોક્ટરોના કહેવા પ્રમાણે કોરોનાના જીવલેણ રોગમાં રેમડેસિવિર અને બીજી અન્ય સ્ટીરોઇડ આપવામાં આવતા મ્યુકરમાઇકોસિસનો રોગ બહાર આવ્યો છે. આ રોગમાં પહેલા જડબું, ત્યારબાદ આંખ અને આખરે મગજમાં ફૂગ પસરી જવાથી માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. મ્યુકરમાઇકોસિસથી બચવા માટે ડોક્ટરો એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન આપી રહ્યા છે. પરંતુ આ ઇન્જેકશનના કારણે સીધી જ અસર કિડની ઉપર થતી હોવાથી હવે આગામી દિવસોમાં કિડનીની બિમારીના કેસોમાં પણ વધારો થાય તો નવાઇ નહીં.
રોજના 427 ઈન્જેકશનની જરૂરીયાત સામે સરકાર માત્ર 50 ઈન્જેકશન જ આપી રહી છે
જ્યારે સુરતમાં કોરોનાની મહામારીનો બીજો વેવ શરૂ થયો ત્યારથી સંજીવની સમાન રેમડેસિવિર ઇન્જેકશનની અછત જોવા મળી હતી. કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ લોકોને ઇન્જેકશન મળતા ન હતાં. ત્યાં હવે મ્યુકરમાઇકોસિસના રોગે માથું ઉચક્યું છે, અને આ રોગમાં પણ સંજીવની સમાન ગણાતા એમ્ફોટેરિસિન-બી ઇન્જેકશનની અછત જોવા મળી રહી છે. રેમડેસિવિર બાદ હવે એમ્ફોટેરિસિન-બી ઇન્જેકશન માટે દર્દીઓના સગાઓ વલખા મારી રહ્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા 2000 ઇન્જેકશનની માંગણી કરાઇ હતી તેની સામે માત્ર 275 ઇન્જેકશન જ આવ્યાં હતાં. ત્યારબાદ બીજા દિવસથી દરરોજ 50 ઇન્જેકશન આવી રહ્યાની વિગતો છે. મ્યુકરમાઇકોસિસના એક દર્દીને દિવસ દરમિયાન 7 ઇન્જેકશન આપવાના હોય છે.
હાલમાં સુરતની નવી સિવિલમાં 61 દર્દીઓ છે, જો તેઓની ગણતરી કરીએ તો 427 ઇન્જેકશનની જરૂર પડે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા માત્ર 50 ઇન્જેકશન આપીને લોકોના જીવ સાથે જાણે કે રમત રમાતી હોય તેમ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ છે તેઓને પણ કેટલા ઇન્જેકશન આપવા તે અંગે સ્થાનિક ડોક્ટરો પણ મુંઝવણમાં મુકાયા છે.