વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમા ભારે ફફડાટ ફેલાયો :
વડીવાડી ફાયર સ્ટેશનના જવાનો દ્વારા બે ફાયર ફાયટરો સાથે આગ બુઝાવવાની કામગીરી :
( પ્રતિનિધિ ) વડોદરા તા.8
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માં સુરક્ષા વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ ખાડે ગઈ છે. જેમાં યુનિવર્સિટીના ડીએન હોલ ગ્રાઉન્ડ પાસે એકત્ર થયેલા કચરામાં ભીષણ આગ લાગતા વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં વડીવાડી ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથધરી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડીએન હોલ ગ્રાઉન્ડ પાસે હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ આવેલું છે. અને તેની બાજુમાં મોટા પ્રમાણમાં કચરો એકત્ર થયો હતો. આ કચરાને હટાવવા યુનિવર્સિટીના હિસ્ટ્રી વિભાગ દ્વારા વારંવાર રજૂઆત પણ કરાઈ હતી. તેમ છતાં પણ કચરો નહીં હટતા આજે આ કચરામાં કોઈ કારણોસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા કેમ્પસમાં ફરી વળ્યા હતા.
યુનિવર્સિટી કેમ્પસમાં કચરામાં લાગેલી ભીષણ આગને કારણે ઘટના સ્થળે વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો ઉમટી પડ્યા હતા અને બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.