વહાલા દવલાની નીતિ અપનાવતા સત્તાધીશોને જવાબદારીનું ભાન કરાવવા NSUI મેદાનમાં
તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.7
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સત્તાધિશો દ્વારા માનીતા 80 વિદ્યાર્થીઓને ઓફર લેટર અને ફી ભરવાની લીંક મોકલવામાં આવી તેમજ 1020 વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ને રજૂઆત કરવામાં આવી હતી.

એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, એડમિશનની પ્રક્રિયામાં ભયંકર ભૂલો અને ગફલા જે કોમર્સ ફેકલ્ટીમાં થયા છે એને લઈને રજૂઆત કરી છે. મેરીટ લીસ્ટમાં વિદ્યાર્થીઓને ઓફર લેટર જતા રહે છે, પણ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવતું નથી 1100 વિદ્યાર્થીઓ ફી ભરવાથી વંચિત હતા. એમાંથી 80 વિદ્યાર્થીઓને જ ફક્ત ઓફર લેટર અને ફી ભરવાની લીંક મોકલવામાં આવી. તો બાકીના 1020 વિદ્યાર્થીઓની શું ભૂલ હતી કે, તેમને ફીની લીંક મોકલવામાં આવી નથી. એનએસયુઆઈની માંગ છે કે, પારદર્શક રીતે કામ થવું જોઈએ. યુનિવર્સિટીમાં જે એડમિશન લેવા માટે વિદ્યાર્થી આવતું હોય તો સૌ વિદ્યાર્થી તમારી માટે એક સમાન હોવો જોઈએ. ના કે વ્હાલા દવલાની નીતિ અપનાવી જોઈએ. 80 વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલ્યા અને 1020 વિદ્યાર્થીઓ બાકી રહ્યા એ ક્યાંનો ન્યાય છે. એનએસયુઆઈની લડત એ છે કે બાકી રહેલા વિદ્યાર્થીઓ જે છે એ તમામને પણ ઓફર લેટર મોકલવામાં આવે. એ પણ એડમિશનના હકદાર છે અને જો વહેલીતકે આ વસ્તુ પર નિરાકરણ ન થાય તો આવતીકાલે એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરશે.