( પ્રતિનિધી )વડોદરા,તા.6
વિશ્વવિખ્યાત વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં તા.8 નવેમ્બરે રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિ વચ્ચે 74 મો પદવીદાન સમારોહ યોજાશે. જો કે, તે પૂર્વે વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલું સ્કાર્ફ હલકી ગુણવત્તાનું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી વિકાસ સંઘે વાંધો ઉઠાવી 560 લઈ વિશ્વવિદ્યાલયે કોઈ ગોટાળો કર્યો છે કે કેમ તેવા સવાલો ઉઠાવ્યા હતા.
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ફરી કોન્વોકેશન પૂર્વે વિવાદ સામે આવ્યો છે. આગામી તા.8 નવેમ્બરે યોજાનારા 74 મા કોન્વોકેશન માટે આપવામાં આવેલા સ્કાર્ફની વિદ્યાર્થી સંગઠન દ્વારા નિંદા કરવામાં આવી છે. વિદ્યાર્થી વિકાસ સંઘના આગેવાન પાર્થ પુરોહિતે જણાવ્યું હતું કે, વિશ્વવિદ્યાલયે દરેક વિદ્યાર્થી પાસેથી 560 રૂ. લઈને જે સ્કાર્ફ આપ્યો છે તે પોચા જેવો લાગે છે. આ ખૂબ જ શરમજનક અને નિરાશાજનક બાબત છે. જ્યારે વિદ્યાર્થીઓ પોતાના 3 થી 5 વર્ષના અભ્યાસ અને મહેનત પછી ડિગ્રી મેળવવા જઈ રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ જેવી સિદ્ધિ માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમને આવી નીચી ગુણવત્તાનો સ્કાર્ફ પહેરાવવો પડે છે. આ વિદ્યાર્થીઓના માન-સન્માનનું અપમાન છે. હું તેની કડક નિંદા કરું છું અને આ બાબતે વાઇસ ચાન્સેલર સુધી ફરિયાદ કરવામાં આવશે. જેથી સ્પષ્ટ થઈ શકે કે રૂ.560 લઈ વિશ્વવિદ્યાલયે કોઈ ગોટાળો કર્યો છે કે કેમ ? આવી હલકી ગુણવત્તાની વસ્તુ આપી વિશ્વવિદ્યાલયે વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે, જે અસ્વીકાર્ય છે.