Columns

મિસિસ ટ્રસની સરકાર લીઝ પર: સવા મહિનામાં જ બધું ડામાડોળ કેમ થવા લાગ્યું?

મેરી ઇલિઝાબેથ ટ્રસ ઊર્ફ લીઝ ટ્રસ બ્રિટિશ વડાપ્રધાન બન્યો તે વાતને હજી માંડ દોઢ મહિનો થશે તે પહેલા જ એમને રવાના કરવાની નોબત આવી પડી છે. બ્રિટનનું અર્થતંત્ર બ્રેકિઝટ બાદ ધીમે ધીમે કથળવા માંડયું હતું. તેમાં યુક્રેન યુદ્ધ આવ્યું. ગઇ ક્રિસમસમાં કોરોના સંકટ દરમિયાન નિયમનો ભંગ કરી દસ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના સત્તાવાર નિવાસસ્થાને પાર્ટી યોજવાના તથાકથિત કૃત્યને મુદ્દો બનાવી બોરિસ જહોત્સનના પક્ષમાંના વિરોધીઓ અને વિપક્ષો સતત એમના પર પસ્તાળ પાડતાં રહ્યાં. એ ઘોંઘાટમાં મિડિયાનાં અમુક વાજીંત્રો પણ જોડાયા અને આખરે બોરિસે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડયું. એમની સરકાર ગઇ.

નવા વડાપ્રધાન માટે ઋષિ સુનક જેવા અમુક લાયક ઉમેદવારો પણ હતા. ડિબેટમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં ઋષિ સુનક આગળ હતા, પણ ગોરી પ્રજાને લાગ્યું કે ભારતીય વંશનો એક બ્રાઉન બ્રિટનનો વડાપ્રધાન બની જશે. સુનક પાસે અર્થતંત્રને મજબૂત બનાવવાની અસરકાર યોજનાઓ હતી અને અમુક સુજ્ઞ કોનર્ઝવટિવ પાર્ટ મેમ્બર્સ સુનકની તરફેણમાં હતા. લિઝ ટ્રસ તો પ્રથમ રાઉન્ડમાં ફેંકાઈ ગઇ હતી. નાણાં ખાતાનો એને કોઇ અનુભવ ન હતો. પણ કેજરીવાલની માફક એ આવી અને બ્રિટિશ પ્રજાને એણે લાલચ આપી કે તે કરવેરા ઘટાડશે.

કોરોના સંકટમાં સુનક નાણાંમંત્રી સુનકે સરસ રીતે અર્થતંત્ર ચલાવ્યું હતું અને તે પણ બ્રેકિઝટની માર વચ્ચે. પરંતુ સુનક બ્રિટનને ઊગારી લેવા માટે કરવેરા વધારવાની તરફેણ કરતા હતા. બોરિસ જહોન્સનના સમયમાં જ સુનકે ટ્રેઝરી ચાન્સેલર પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે અચાનક એક ગોરી (જે વિદેશમંત્રી હતી) તે આવીને કહે કે એ કરવેરા ઘટાડીને અર્થતંત્રને બચાવી લેશે તો ગોરી પ્રજાને બીજું જોઈએ શું? ઘરમાં માંડ માંડ ચાલે એટલા પૈસા હોય, કરજ વધી ગયું હોય અને વડીલ કહે કે એ બધા સભ્યોને 10-10 જોડી કપડાં અપાવશે તો ઘર પર જ બોજ વધવાનો.એ ઘરને પછી કરજ કોણ આપવાનું? એના પર કયો વેપારી ભરોસો કરે જે બાકીના ચૂકવી ન શકે. મફત રેવડીનું આવું જ છે. પ્રજાએ મફતમાં મેળવવા માટે થાય તેના કરતાં વધુ ખર્ચ કરવો પડતો હોય છે.

વધુ ભોગ આપવો પડે. લિઝ ટ્રસ કઇ પોતાના બાપના પૈસા, ટેકસની રકમ ઉણપ પડી તે માટે ભરવાની નથી. નથી આપ, કોંગ્રેસ કે ભાજપના નેતાઓ ભરવાના. ઘણી વખત આ પ્રકારે નેતાજીઓના ભ્રષ્ટાચારમાં પ્રજાને થોડી કટકી આપી ભાગીદાર બનાવાય અને આડકતરી રીતે ખુશ કરી સત્તા પ્રાપ્ત કરાય. એટલે મફતની રેવડી વહેંચવા ન માગતી સરકારો, પક્ષો પ્રમાણિક અને અભ્રષ્ટ હોય તે જરૂરી છે. જો સરકારો જ કરપ્શનમાં રત હોય તો પ્રજા પણ ભાગીદાર બનવા આગળ આવે જ. આથી સમાજના એક જ્ઞાની, દયાળુ, પ્રમાણિક સમાજે પોતાના સમાજની ખેવના પડતી મૂકવી ન જોઇએ. પ્રબુદ્ધ વેગે તે માટે સતત લડતા રહેવું પડે.

બ્રિટનનો સમાજ થોડાં વરસો અગાઉ એક આવો જ સમાજ હતો. પણ જે માત્ર 75 વર્ષ અગાઉ પૃથ્વીના ઇતિહાસનું સૌથી મોટું સામ્રાજય હતું. તે સંકોચાઈને એક ગુજરાત જેવા પ્રદેશ પૂરતું સીમિત બની ગયું છે. હવે તો ઉત્તર આયરલેન્ડ અને સ્કોટલેન્ડ યુકેમાંથી અલગ થવાની તૈયારીઓ કરી રહ્યા છે પણ એક કાંચીડાના જેમ રંગ બદલતી, ખૂન્નસ, સ્વભાવની સ્ત્રીએ રાહત આપવાના નામે માત્ર એક મહીનામાં બ્રિટનની જનતાને મોટી મુશ્કેલીમાં ફસાવી દીધી છે.

માત્ર એક જ મહિનામાં બસ્સો અબજ પાઉન્ડનું બ્રિટનને નુકશાન કરાવ્યું. માત્ર એક જ મહિનામાં બ્રિટનની પ્રજાને ટ્રેજેડી કોમેડીનો વાસ્તવિક અને ગમખ્વાર અનુભવ થયો. હાથણી હવે પછતાઈ રહી છે કે 5-5 મહિનાની ચકાસણી બાદ કેવી બુદ્ધુ સ્ત્રીને વડાપ્રધાન તરીકે પસંદ કરી. કેવાં કેવાં પરિણામો આવ્યા તે જૂઓ. તેમાં બ્રિટનના અન્ય નેતાઓની ખાડે ગયેલી બુદ્ધિમતા પણ જવાબદાર છે.

ગયા જુનમાં બોરિસે વિદાય લીધી ત્યારબાદ બ્રિટનમાં 4-4 નાણાં મંત્રી બદાલાયા, જેઓ ‘ચાન્સેલર ઓફ એક્સેચકર’ તરીકે ઓળખાયા. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) તરફથી બ્રિટનને બે વખત ખાસ ચેતવણીઓ આપવામાં આવી કે તમારી નાણાં વ્યવસ્થા દૂરસ્ત કરો. લિઝ ટ્રુસે બે મોટા અને મહત્વના નાણાં વિષયક નિર્ણયો લઇને બન્ને વખત યુ-ટર્ન ચાર પર્સન્ટેજ પોઇન્ટનો વધારો કરવો પડયો અને છેલ્લાં 3 સપ્તાહમાં બસ્સો, અબજ પાઉન્ડનું કર્જ લેવું પડયું. આજે ભારતીય રૂપિયામાં ગણો તો 18000 અબજ રૂપિયા થાય.

દુનિયાની પ્રમુખ ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ અને બોન્ડ રેટિંગ એજન્સીઓએ અને બોન્ડ રેટિંગ એજન્સીઓએ બ્રિટનની આર્થિક આબરૂ બે વખત ડાઉનગ્રેડ કરી. આ છે લિઝ ટ્રસની સિધ્ધિઓ. બ્રિટન જગતમાં અર્થતંત્રમાં પાચમા ક્રમે હતું તે ભારતે સર કર્યું પછી બ્રિટન છઠ્ઠો કે સાતમા ક્રમે પહોંચી ગયું છે. લિઝ ટ્રસના આગમન પહેલા જ સ્થિતિ એટલી ખરાબ હતી કે નવા વડાપ્રધાન પસંદ કરવામાં 4-5 મહિના જેટલો સમય બગાડવાને બદલે કોઇ વધુ સારા નિષ્ણાંતની નિમંણૂક કરી દેવી જોઈતી હતી. મોડે મોડે કરી તો પણ એવી વ્યક્તિની કરી જેણે નાનકડા ગુમડાનું મોટું ગેંગરીન બનાવી દીધું.

લીઝ ટ્રસને પસંદ કરાયા અને ખાસ જાણે કે એક પિકનિક હોય. એમણે હારેલા પ્રતિસ્પર્ધી ઋષી સુનકને માન આપીને સરકારમાં કોઇક મહત્વની ખાસ કરીને નાણામંત્રી તરીકેની પોઝિશનની ઓફર કરવી જોઈતી હતી. તેના બદલે છીછરું વર્તન કરી સુનક અને એમના ટેકેદારોને માટે બે સારા શબ્દો પણ ન બોલ્યા અને જૂની સરકારમાં જે ટેકેદારો પ્રધાન તરીકે હતા તેઓને નવી સરકારમાં જગ્યાઓ પણ ન આપી.આ મગરૂરી સત્તા સંભાળ્યાના માત્ર સવા મહિનામાં જ ઊતરી ગઈ.

મૂળ આફ્રિકન અશ્વેત કૂળના અને ઓકસફોર્ડમાં ભણેલા કવાસી કવારટેંગને લિઝ ટ્રસે નાણાંમંત્રી નીમ્યા હતા. સરકાર રચાયાના 38માં દિવસે કવાસી કારટેંગ અમેરિકાના વોશિંગ્ટન ખાતે IMF ના અધિકારીઓ સાથે રૂબરૂમાં મિટિંગ માટે ગયા હતા. લિઝ ટ્રસે અને કવાસીએ સાથે મળીને નવી સરકારનું વચગાળાનુ઼ બજેટ રજૂ કર્યું હતું. નેની બ્રિટનમાં અને વિદેશોમાં ખૂબ ટીકા થઇ. IMF પણ નારાજી બતાવી હતી. તે હળવી કરાવવા ક્વાસી તેઓને મળવા ગયા હતા અને એ વોશિંગ્ટનમાં મિટિંગમાં હતા ત્યારે જ લંડનથી ફોન ગયો અને ક્વાસીને જણાવી દેવામાં આવ્યું કે તમને નાણામંત્રીના પદ પરથી રૂખસદ આપવામાં આવે છે. યુ આર ફાયરડ્!

બ્રિટનમાં અગાઉ આટલી ટૂંકી મુદ્દતમાં કોઇ નાણામંત્રીને પડતા મૂકવામાં આવ્યા નથી. અગાઉ એક મંત્રી એક મહિના બાદ હૃદયરોગના હુમલાથી મરણ પામ્યા હતા. જ્યારે નિષ્ણાતો કહે છે ક્વાસી તો શેરબજારને હાર્ટ એટેક આપીને ગયા. 21 સપ્ટેમ્બરે બઝેટ રજૂ થયા બાદ બ્રિટિશ ટેક્સપેઅરોએ 200 (બસ્સો) અબજ પાઉન્ડ ગુમાવ્યા છે. તેઓના બજેટની ભાષા અને જોગવાઇઓ, અટપટી, વિરોધાભાસી હતી કે કોઇ સ્પષ્ટ રીતે સમજી શકતું નથી અને જે સમજાય તેમાં દુ:ખી થવા જેવું છે. નવાઇની વાત એ છે કે લિઝ ટ્રસે જે કામ કરવાનું નાણાંમંત્રીને જણાવ્યું હતું, અથવા કહો કે હુકમ આપ્યો હતો તે કામ કરવા બદલ જ ક્વાસીને પદ પરથી ઉઠાડી મૂકવામાં આવ્યા. તમે રસોઇયાને રોટલી બનાવવા જણાવો. રસોઇઓ રોટલી કરવા માંડે એટલે તમે એને કહો કે તુ રોટલી બનાવી રહ્યો છે. એટલે તને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. લીઝ ટ્રસનો પોતાની કોઇ રાજકીય ફિલોસોફી કે સિધ્ધાંતો નથી, ચાલતી ગાડીમાં ચડી બેસે, જેનુ કામ હોય તેના વખાણ કરે અને પોતાની ભૂલ બીજાના માથે થોપી દે એવી ચાલુ કિસ્મની જાત છે. તેમ બ્રિટિશરો અગાઉ પણ જાણતા હતા છતાં ટેક્સ-કટના મોહમાં રેવડીના મોહમા ફસાયા. કોઇ ચોકકસ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યા વગર કહી શકાય કે સ્વાર્થી, દગાબાજ લોકો સત્તા માટે કોઇને કોઇપણ વચન આપે. ગમે તેના સોગંદ ખાઇ લે. કહે કે ટોકિયો જઇ રહ્યો છું અને લંડનમાં નીકળે. કહે કે મંદિર જઇ રહ્યો છું અને ઇફતારમાં જઇને બેસે આવા દોરંગાઓને ભારતમાં છેતરપિંડી કરીને થોડી સફળતા મળી છે. તેઓ વેપાર વિસ્તારવા શરૂઆતમાં થોડુ આપી દે, જેમ ટુંકી સ્કીમવાળા થોડો  સમય અરધી કિંમતે કામ, ટીવી, ફ્રીજ આપે છે. આખરે તો લૂંટવા જ આવ્યા હોય છે. કોઇપણ વ્યક્તિ પક્ષ કે સરકાર બાબતમાં જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે ઘણી વખત સમજાય ત્યારે ખૂબ્ મોડું થઇ ગયું હોય.

બ્રિટનની પ્રજાને હવે પછડાટ ખાઇને સમજણ પડી છે. છેલ્લા સર્વે પ્રમાણે બ્રિટનના માત્ર 19 ટકા લોકો જ કોન્ઝવેંટિવ (રૂઢીચુસ્ત) પક્ષને મત આપવા તૈયાર છે. વધારે નહીં ગોરી સ્ત્રીને પસંદ કરવામાં પક્ષ સત્તા ગુમાવશે અને આ સર્વે પછી પણ લીઝે મોટાં મોટાં છબરડાં વાળ્યા છે. લીઝનું ભાવિ અધ્ધરતાલ છે જે રીતે UK નું છે. UK ના ઇતિહાસમાં કોઇ સરકારે, કારણ વગર, ભૂંસડિયો વાળીને આટલી આબરુ ગુમાવી નથી. યાદ છે, બરાબર ચૂંટણીના ટાંકણે, રાહુલ ગાંધીએ ‘બોમ્બ ફોડ્યો’ હતો કે દરેક કુટુંબને વરસના 72 હજાર રૂપિયા આપશે. એને ખબર હતી કે પ્રજા પાસે ચૂંટણી અગાઉ બરાબર હિસાબ માંડવાનો અને શંકા કરવાનો સમય નથી. રાહુલે દાવો કર્યો હતો કે આ રકમ આપવાનું શક્ય છે. જો ત્યારે શક્ય હતુ તો આજે કેમ શક્ય નથી! હમણા ફુરસ અને નિરાંતના સમયમાં ગણતરી માંડીને ચૂંટણીના બે વરસ અગાઉ દાવો કેમ કરતા નથી કે 2024માં અમે ઘર દીઠ વરસના 72 હજાર આપીશું. પણ તેમ કરે તો અનેક સવાલો થાય. શંકાઓ થાય અને ખોટા ઇરાદાઓ જગજાહેર થઇ જાય. માટે માત્ર ચૂંટણી ટાણે જ લોકોને, સમાજને વિચારવાનો પુરો સમય આપ્યા વગર આકાશ કુસુમવત વચનો આપવા ને પણ છેતરિંપડી અને ધૂર્તતા છે જે જાણી જોઇને અજમાવવામાં આવી હતી. ભગવાનનો પાડ કે લોકોને તે છેતરપિંડી તરીકે જ સમજાઇ. બ્રિટિશરોની કઠણાઇ કે તેઓ સમજી ન શક્યા….

Most Popular

To Top