મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં આવેલી જિલ્લા હોસ્પિટલમાં આજે રવિવારે સવારે આગ લાગી હતી. હોસ્પિટલ સ્ટાફની ઝડપી કામગીરીથી આગ કાબુમાં આવી ગઈ અને તમામ દર્દીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. કોઈ જાનહાની થઈ નથી. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી આજે તા. 23 નવેમ્બર રવિવાર સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બેતુલ જિલ્લા હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે થોડા સમય માટે હોસ્પિટલમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે હોસ્પિટલ સ્ટાફે તરત જ કાર્યવાહી શરૂ કરી અને મોટી દુર્ઘટનાને ટાળી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સવારે લગભગ 9:20 વાગ્યે હોસ્પિટલના કેટરિંગ વિસ્તાર પાસે આવેલા સ્ટોરરૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
આગની જાણ થતાં જ હોસ્પિટલના કર્મચારીઓએ તાત્કાલિક દર્દીઓને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી. ખાસ કરીને મહિલા અને બાળરોગ વોર્ડમાં રહેલા દર્દીઓને ઝડપી ગતિએ બહાર લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના ઇલેક્ટ્રિશિયન અને તેમના સહાયકે તરત જ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો જેથી આગ વધુ ન ફેલાય.
ઘટના બાદ હોસ્પિટલના સિવિલ સર્જન અને ઇન્ચાર્જ ડૉ. રૂપેશ પદ્મકર તેમજ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડૉ. રાનુ વર્મા સ્થળ પર હાજર થઈ સ્થિતિની સમીક્ષા કરી. અધિકારીઓએ જણાવ્યું કે હોસ્પિટલના સ્ટાફની કામગીરીને કારણે મોટી જાનહાનિ કે નુકસાન થતું અટકી ગયું. આગ કાબુમાં આવ્યા બાદ દર્દીઓને પાછા તેમના વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલની કામગીરી સામાન્ય રીતે શરૂ કરી દેવામાં આવી છે.