ગાંધીનગર: ગુજરાત બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે આ પરીક્ષામાં 3,37,540 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 3,35,145 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 2,91,287 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 86.91% ટકા આવ્યું છે.
રેકોર્ડ બ્રેક રીઝલ્ટ
ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. જે 86.91 ટકા પરિણામ નોંધાયું છે. આ વર્ષનાં પરિણામે પાછલા 12 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2010થી 2022 સુધીનાં 12 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પરિણામ નોંધાયું છે. આ અગાઉ વર્ષ 2010માં 85.91 ટકા પરિણામ નોંધાયું હતું ત્યારબાદ ક્રમશઃ પરિણામ ઘટતું ગયું હતું. જો કે આ આ વર્ષનાં પરિણામે રેકોર્ડ બ્રેક કર્યો છે .
વર્ષ | પરિણામ (ટકામાં) |
2010 | 85.91. |
2011 | 76.94 |
2012 | 69.29 |
2013 | 66.43 |
2014 | 66.27 |
2015 | 54.80 |
2016 | 54.62 |
2017 | 56.82 |
2018 | 55.55 |
2019 | 73.27 |
2020 | 76.27 |
2021 | 100%(માસપ્રમોશન) |
2022 | 86.91 |
વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીનીઓ પરિણામમાં આગળ
આ વર્ષના પરિણામમાં છોકરીઓએ પણ રેકોર્ડ બ્રેક કર્યો છે. ધો. 12 કોમર્સનાં પરિણામમાં સૌથી વધુ પરિણામ છોકરીઓનું આવ્યું છેધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે. આ વર્ષે છોકરાઓનું 84.67 ટકા જ્યારે છોકરીઓનું 89.23 ટકા પરિણામ નોંધાયું છે. એટલે કે આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓની પરિણામ 5 ટકા વધારે છે.
સૌથી વધુ કોમ્પ્યુટરમાં ફેલ અને હિન્દીમાં પાસ
આ વર્ષનાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પરિણામ ભાષાના વિષયમાં વિદ્યાર્થીઓએ 100 ટકાની નજીક પરિણામ મેળવ્યું છે કોમ્પ્યુટર વિષયમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જયારે હિન્દી વિષયનું પરિણામ સૌથી વધારે આવ્યું છે. બોર્ડના પરિણામ પર નજર કરીએ તો આ વર્ષે કોમ્પ્યુટર વિષયનું પરિણામ 85.72% આવ્યું છે. જ્યારે હિન્દી વિષયનું સૌથી વધારે 99.28 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતી હિન્દી, સમાજશાસ્ત્ર અને ભૂગોળમાં 99 ટકાથી વધુ પરિણામ આવ્યું છે. અંગ્રેજી સંસ્કૃત અને મનોવિજ્ઞાનમાં 98 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે રાજ્યમાં 1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે માત્ર એક સ્કલ એવી છે જેનું માત્ર 10 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે.સૌથી વધુ 95.41 ટકા પરિણામ મેળવનાર ડાંગ જિલ્લામાં A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો.