National

PM મોદીને મેલોની સહિત 50થી વધુ દેશોએ પાઠવ્યા અભિનંદન, શપથગ્રહણ માટે આ દેશોને આમંત્રણ

નવી દિલ્હી: સતત ત્રીજી વખત સામાન્ય ચૂંટણીમાં જીત મેળવવા બદલ PM નરેન્દ્ર મોદીને બુધવારે 50 થી વધુ દેશોના નેતાઓએ અભિનંદન (Congratulated) સંદેશ મોકલ્યા હતા. જેમાં ઇટલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીથી લઇ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નામ શામેલ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના અભિનંદન ઝીલી પોતાના શપથગ્રહણ કાર્યક્રમ (Oath-taking programme) માટે આમંત્રણ મોકલ્યા હતા.

ભારતની લોકસભા ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વની નજર રહે છે. જેનું ઉત્તમ ઉદાહરણ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં આવેલ મંદીને ગણાવી શકાય. જો કે, ફરી એક વાર મોદી સરકાર બનવાની ખબરો બાદ શેર બજારે કમબેક કર્યું હતું. ત્યારે મોદી સરકાર બનવાની ખુશીમાં વડાપ્રધાન મોદીના સહકારી વિદેશી નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. જેમાં ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી અને મલેશિયા, બાંગ્લાદેશ, સ્પેન, સિંગાપોર, તાઇવાન, નોર્વે, મોરેશિયસ, ઓમાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા જેવા 50થી વધુ દેશોના વડાઓના નામ સામેલ છે. આ સાથે જ વડાપ્રધાને પણ પોતાના શપથ ગ્રહણ સમારોહ માટે વિદેશી નેતાઓને આમંત્રણ મોકલ્યા હતા.

કયા દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું?
રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. તેમજ મોદીએ હસીનાને તેમના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું અને તેમણે આ આમંત્રણ સ્વીકાર્યું હતું. આ સાથે જ પીએમ મોદીએ નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે પણ ફોન પર વાત કરી આમંત્રણ આપ્યું હતું.

આ મામલે સૂત્રોના જણાવ્યા મુજબ ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથને પણ આમંત્રિત કરવાની ખાતરી છે. ત્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયના મીડિયા વિભાગે જણાવ્યું હતું કે વિક્રમસિંઘે ફોન કરીને નરેન્દ્ર મોદીને જીત પર અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને તેમના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું, જેને વિક્રમસિંઘેએ સ્વીકાર્યું હતું.

જણાવી દઈએ કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC)ના સાત દેશોના નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમજ જ્યારે તેઓ 2019 માં બીજી વખત વડા પ્રધાન બન્યા ત્યારે તેમના શપથ ગ્રહણ સમારોહમાં BIMSTEC દેશોના નેતાઓએ ભાગ લીધો હતો.

ફરી એક વાર મોદી સરકાર!
લોકસભા ચૂંટણીના પરિણામો મંગળવારે 4 જૂનના રોજ આવ્યા હતા. જેમાં એનડીએ સરકારને 292 બેઠકો મળી હતી, જ્યારે બીજી તરફ I.N.D.I.A ગઠબંધનને 234 બેઠકો મળી હતી. ત્યાર બાદ બુધવારે વડાપ્રધાન મોદીએ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ મુર્મુને સોંપ્યું હતું. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી 8મી જૂને 8 PM એ શપથ લઈ શકે છે.

Most Popular

To Top