રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાક દરમિયાન ભૂકંપના પાંચથી વધુ ભૂકંપના આંચકા અનુભવાતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આજે 9 જાન્યુઆરી શુક્રવારે વહેલી સવારે 3.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે લોકો ઊંઘમાંથી જાગી ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ઉપલેટાથી અંદાજે 28 કિલોમીટર દૂર નોંધાયું હતું. વહેલી સવારે આવેલા આ આંચકાની અસર માત્ર ઉપલેટા અને ધોરાજી સુધી સીમિત ન રહી પરંતુ જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર તેમજ નાની-મોટી પરબડી જેવા આસપાસના ગામોમાં પણ સ્પષ્ટ કંપન અનુભવાયું હતું.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાત્રે 8:44 વાગ્યે ઉપલેટામાં પ્રથમ વખત 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્યારબાદ રાત્રે વધુ એક આંચકો અનુભવાયો. શુક્રવારે વહેલી સવારે 6:19 અને 6:58 વાગ્યે ફરી બે વાર 3.8ની તીવ્રતાના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઉપરાંત ધોરાજી વિસ્તારમાં પણ સવારે 7:01 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
વારંવાર આવતા ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભય ફેલાયો છે. સુરક્ષાના પગલા રૂપે કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા તેમજ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.