National

કાનપુરના રસ્તાઓ ઉપર મળ્યા 4 ડઝનથી વધુ મૃતદેહો, પોસ્ટમોર્ટમ કરતા ડોક્ટરો બેભાન

ઉત્તર પ્રદેશ: યુપીના (UP) કાનપુર (Kanpur) અને તેની આસપાસના જિલ્લાઓ ગરમીથી ત્રસ્ત છે. ત્યારે કાળઝાળ ગરમીથી (Heat Stroke) સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પાછલા 48 કલાકમાં કાનપુરમાં અલગ-અલગ જગ્યાએ ચાર ડઝનથી વધુ અજાણ્યા મૃતદેહો (Dead Bodies) મળી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે મોડી રાત સુધી 43 જેટલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહોના ઢગલા વધતા રહ્યા. જેના કારણે પોસ્ટમોર્ટમ ઝડપથી કરવા માટે ત્રણ વધારાના ડોકટરોને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. પરંતુ કાળઝાળ ગરમીના કારણે પોસ્ટમોર્ટમ દરમિયાન બે ડોક્ટરોની તબિયત લથડી હતી. તેમને ઉલ્ટી થવા લાગી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા.

શું છે સમગ્ર મામલો?
પોસ્ટમોર્ટમ હાઉસમાં મૃતદેહોની વધતી સંખ્યા અહીંના કર્મચારીઓ માટે માથાનો દુ:ખાવો બની ગઈ હતી. અહીંના ફ્રીઝરમાં માત્ર 4 મૃતદેહો રાખવાની જગ્યા છે. પરંતુ મૃતદેહોની સંખ્યા 4 ડઝનથી વધુ હતી. આવી સ્થિતિમાં આખું પોસ્ટમોર્ટમ હાઉસ દુર્ગંધ અને શવોથી ભરાઇ ગયું હતું. બીજી બાજુ આકરી ગરમીના કારણે આ મૃતદેહો સડી રહ્યા હતા. તેમજ પોસ્ટમોર્ટમ હાઉસમાં પૂરતી વ્યવસ્થા ન હોવાના ખરાબ પરિણામ પોસ્ટમોર્ટમ કરાવતા તબીબોએ ભોગવવા પડ્યા હતા. શુક્રવારે પોસ્ટમોર્ટમ કરતી વખતે બે ડોક્ટરો બેભાન થઈ ગયા હતા. ત્યારે કાળઝાળ ગરમીના કારણે બંને તબીબોની તબિયત લથડી હોવાની માહિતી સાંપડી હતી.

છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીને કારણે અજાણી હાલતમાં કાનપુરના રસ્તાઓ ઉપર મૃતદેહો મળ્યા હતા. પરંતુ આ મૃતદેહોને રાખવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી, જેના કારણે તમામ અજાણ્યા મૃતદેહો સડી રહ્યા હતા. જો કે પાછલા 4 દિવસમાં 27 અજાણ્યા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આમ છતા, આજે શનિવારે પણ 40 અજાણ્યા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાનું બાકી છે.

શુક્રવારે સાત મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરંતુ રીપોર્ટમાં હીટ સ્ટ્રોકના કારણે કોઈના મૃત્યુનું કારણ દર્શાવવામાં આવ્યું ન હતું. રીપોર્ટ મુજબ કેટલાક મૃત્યુ હાર્ટ એટેક અથવા ફેફસાના રોગને કારણે થયા હતા. વાસ્તવમાં અજાણ્યા મૃતદેહોને 72 કલાક માટે શબઘરમાં રાખવાની જોગવાઈ છે. જેથી તેમની ઓળખ થઈ શકે. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં અજાણ્યા મૃતદેહો મળી આવતા મૃતદેહોને મોર્ચરીમાં રાખવા માટે જગ્યા નથી.

Most Popular

To Top