નવી દિલ્હી: ઉત્તર પૂર્વી ભારતનું (North East India) એક મહત્વનું રાજ્ય આસામ (Assam) હાલ પૂરથી (Flood) પીડાઇ રહ્યું છે. ત્યારે આ પૂરથી આસામના 29 જીલ્લાઓ પ્રભાવિત થયા છે. જેમાં 21 લાખથી વધુ લોકો હાલ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દરમિયાન આજે ગુરુવારે પૂરમાં વધુ છ લોકોના મોત થયા હતા, તેમજ ઘણાં લોકો ઘાયલ અને બેઘર (Homeless) થયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મૃતકો પૈકી ચાર આસામના ગોલાઘાટના અને એક-એક દિબ્રુગઢ અને ચરાઈડિયોના હતા. આ સાથે જ વર્ષ 2024માં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાને કારણે આસામનો મૃત્યુઆંક 62 પર પહોંચી ગયો હતો. ત્યારે આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ પૂરગ્રસ્ત મોરીગાંવ જિલ્લાની મુલાકાત લીધી હતી અને ભુરાગાંવ ગામના અસરગ્રસ્ત લોકો સાથે વાત કરી હતી. જ્યારે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુવાહાટી મેટ્રોપોલિટન રિજનમાં માલીગાંવ, પાંડુ પોર્ટ, મંદિર ઘાટ અને માજુલીમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના જણાવ્યા અનુસાર આસામના 29 જિલ્લાઓમાં કુલ 21,13,204 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જ્યારે 57,018 હેક્ટર પાકવાળી જમીન ડૂબી ગઈ છે. જ્યારે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ધુબરીમાં 6,48,806 લોકો, દારંગમાં 1,90,261, કચરમાં 1,45,926, બારપેટામાં 1,31,041 અને ગોલાઘાટમાં 1,08,594 લોકો છે. હાલ 39,338 અસરગ્રસ્ત લોકો 698 રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. આ સાથે જ મેટ્રો જિલ્લાઓ કે જ્યાં બ્રહ્મપુત્રા, દિગારુ અને કોલોંગ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે ત્યાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મોરીગાંવમાં બ્રહ્મપુત્રા અને ઉપનદીઓએ તબાહી મચાવી
ASDMA અનુસાર બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓમાં ઘણું પાણી આવવાને કારણે મોરીગાંવ જિલ્લાનો મોટો હિસ્સો પૂરની ચપેટમાં આવી ગયો છે. જે ત્રણ વિસ્તારોમાં 55,000 થી વધુ લોકોને અસર કરે છે. ત્યારે આ વિસ્તારોની મુલાકાત દરમિયાન રાજ્યપાલ કટારિયાએ જિલ્લા કમિશનર દેવાશિષ સરમાને તબીબી સુવિધાઓ સહિતની રાહત સામગ્રી સાથે પૂર પીડિતો સુધી પહોંચવા નિર્દેશ આપ્યો હતો.
આ સાથે જ આસામના રાજ્યપાલે આરોગ્ય વિભાગના અધિકારીઓને અસરગ્રસ્ત લોકો કે જેમાં ખાસ કરીને વૃદ્ધો, સ્તનપાન કરાવતી માતાઓ અને શિશુઓને સહાય પૂરી પાડવા માટે સુચન આપ્યું હતું. આ દરમિયાન રાજ્યપાલે પૂરના કારણે થયેલા નુકસાનનો પણ હિસાબ લીધો હતો.
આ જીલ્લાઓનો સમાવેશ ગંભીર રીતે પ્રભાવિત જિલ્લાઓમાં કરવામાં આવ્યો છે
પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા જિલ્લાઓમાં બરપેટા, વિશ્વનાથ, કચર, ચરાઈડિયો, ચિરાંગ, દરરાંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, ગોલપારા, ગોલાઘાટ, હૈલાકાંડી, હોજાઈ, જોરહાટ, કામરૂપ, કામરૂપ મેટ્રોપોલિટન, પૂર્વ કાર્બી આંગલોંગ, પશ્ચિમ કાર્બી આંગલોંગ, કરીમ, લખીમપુર, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી, શિવસાગર, સોનિતપુર અને તિનસુકિયાનો સમાવેશ થાય છે.