Business

સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા

છેલ્લાં ચાર દિવસથી ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઈટ્સ કેન્સલ થવાના કારણે હજારો મુસાફરો અટવાયા છે. આજે સતત ચોથા દિવસે દેશના વિવિધ એરપોર્ટ પર પેસેન્જરો ઈન્ડિગોના ગેરવહીવટના લીધે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ ઈન્ડિગો હાય હાયના નારા પોકારી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

દેશભરના અનેક એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ્સ અચાનક રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ક્યાંક એક વર્ષનું બાળક લઈને માતાપિતા કલાકો સુધી અટવાઈ ગયા છે. તો ક્યાંક લોકો પોતાના પરિવારના લગ્નમાં ન જવાતા, મીટિંગ અને ટ્રીપ રદ થતાં ગુસ્સે ભરાયા છે.

આજે 5 ડિસેમ્બર શુક્રવારે ઓપરેશનલ ઈશ્યૂને કારણે દિલ્હીના IGI એરપોર્ટ પર મધ્યરાત્રી સુધીની તમામ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી. છેલ્લા ચાર દિવસમાં દેશમાં 1,000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે અને કેટલીક ફ્લાઇટ્સ તેના સમય કરતા મોડી પડી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર 10-12 કલાક સુધી લોકો ઊભા રહ્યા
અમદાવાદ એરપોર્ટ પર પણ મુસાફરો માટે કઠિન સ્થિતિ સર્જાઈ છે. અનેક ફ્લાઇટ્સ મોડી પડી છે અને કેટલાક મુસાફરો તો 10-12 કલાકથી એરપોર્ટ પર જ અટકાયેલા છે. જવાબદાર અધિકારીઓ તરફથી સમયસર માહિતી ન મળતાં મુસાફરોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

અહીંના એક મુસાફરે કહ્યું “જો ફ્લાઇટમાં પહેલેથી ઈશ્યૂ છે તો ટિકિટ વેચો છો કેમ? લોકોનો સમય બગાડવો યોગ્ય નથી.”

ચંદીગઢ એરપોર્ટ પર પણ મુસાફરો પરેશાન
અમદાવાદ અને દિલ્હીની જેમ ચંદીગઢ એરપોર્ટ પર પણ કેટલીક ફ્લાઇટ્સ રદ થઈ છે. જેને લઈ ત્યાંના મુસાફરોમાં પણ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

ચંદીગઢથી ગોવા જનાર એક મુસાફર દીપકની ફ્લાઇટ રદ થઈ ગઈ. તેઓ કહે છે: “આવતીકાલે મોકલીશું કહીને અમને અહીં રોકી રાખ્યા છે. રહેવાની વ્યવસ્થા પણ એરલાઇનને કરવી પડી છે. જોકે અમને આવી કોઈ સુવિધા આપી નથી”

એક મહિલા મુંબઈમાં લગ્નમાં હાજરી આપવા જતી હતી પરંતુ છેલ્લી ઘડીમાં ફ્લાઇટ રદ થતા તે રડવાની સ્થિતિમાં આવી ગઈ.

બીજા મુસાફર રાજીવએ જણાવ્યું કે “ગોવા માટે ચાર દિવસ પહેલાં બુકિંગ કર્યું હતું પરંતુ એરપોર્ટ પહોંચ્યા બાદ ખબર પડી કે ફ્લાઇટ રદ છે. કોઈ મદદ કરનાર નહોતું.”

એક દંપતી એક વર્ષના બાળક સાથે મુસાફરી કરી રહ્યું હતું. તેમણે જણાવ્યું “મેસેજમાં માત્ર એવું બતાવ્યુ હતું કે તમારી ફ્લાઇટ્સ મોડી છે પરંતુ અહીં આવીને ખબર પડી કે ફ્લાઇટ રદ છે. બાળકને લઈ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.”

Most Popular

To Top