National

ઈન્ડિગોની 150થી વધુ ફ્લાઇટ્સ રદ, ક્રૂની અછત અને ખરાબ હવામાનથી મુસાફરો પરેશાન

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો આજે ફરી મોટી કામગીરી સમસ્યાનો સામનો કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ફ્લાઇટ્સ રદ થવાના કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આજે તા. 4 ડિસેમ્બર ગુરુવારે પણ ક્રૂની અછત, ખરાબ હવામાન અને ટેકનિકલ સમસ્યાઓને કારણે ઇન્ડિગોએ દેશભરમાં 150થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હોવાની માહિતી મળી રહી છે.

ગત મંગળવાર અને બુધવારે 200થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી. જ્યારે આજે પણ દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ સહિતના મોટા એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ રદ અથવા લેટ થઈ હતી. દિલ્હી એરપોર્ટ પર માત્ર આજે જ 30થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. હૈદરાબાદમાં 33 જેટલી ફ્લાઇટ્સ રદ થઈ. જ્યારે મુંબઈ એરપોર્ટ પર પણ અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ.

સૂત્રો જણાવે છે કે ઇન્ડિગોએ છેલ્લા ત્રણ દિવસમાં કુલ 170થી વધુ ફ્લાઇટ્સ બંધ કરી છે. જોકે એરલાઇન તરફથી સંખ્યાને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે ઇન્ડિગો દરરોજ આશરે 22,000 જેટલી ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તેથી એટલી મોટી સંખ્યામાં રદ થયેલી ફ્લાઇટ્સ મુસાફરો માટે ભારે મુશ્કેલીનું કારણ બની રહી છે.

એરપોર્ટ પર મુસાફરો કલાકો સુધી રોકાયા, કેટલીક જગ્યાએ ટિકિટ રિફન્ડ અને રીશેડ્યૂલ માટે લાંબી કતારો જોવા મળી. ઘણા મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાની તકલીફો વ્યક્ત કરી રહ્યા છે.

ઇન્ડિગોએ પોતાના નિવેદનમાં મુસાફરો પાસે માફી માંગી છે. કંપનીએ જણાવ્યું કે ટેકનિકલ ખામીઓ, શિયાળાના સમયપત્રકમાં ફેરફાર, ખરાબ હવામાન, એર ટ્રાફિક વધવાથી ઉભા થયેલા દબાણ અને ક્રૂના ફરજ સમયની મર્યાદા આ તમામ કારણોસર કામગીરી પર અસર પડી છે અને અનેક ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે.

કંપનીએ વધુમાં જણાવ્યું કે આગામી 48 કલાક દરમિયાન સમયપત્રકમાં કેટલાક નાના ફેરફારો કરવામાં આવશે જેથી પરિસ્થિતિ સામાન્ય બનાવી શકાય અને ધીમે ધીમે સમયસરતામાં સુધારો થાય.

ઈન્ડિગોની સતત રદ થતી ફ્લાઇટ્સથી મુસાફરોમાં હાલ ભારે નારાજગી જોવા મળે છે અને તેઓ એરલાઇન પાસેથી ઝડપી ઉકેલની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top