સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (The Sadharn Gujarat Chamber of Commerce and Industry) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના (Sadharn Gujarat Chamber Trade and Industries Development Centre) સંયુક્ત ઉપક્રમે આગામી તા. 6,7 અને 8 જાન્યુઆરી 2024 દરમ્યાન ટેક્સટાઇલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર (International Exhibition and Convention Centre) ખાતે યોજાશે. આ ત્રિદિવસીય ટેક્સટાઇલ એક્સ્પો ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પો- 2024’ નામ આપવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ નવમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ- 2024’ એ ખરેખર વિકસિત ભારત @2047ની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે, જે ઉત્પાદક્તામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.
આ સાથે જ ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ટેક્સટાઇલ મશીનરી, ટેક્સટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્સટાઇલ એન્જીનિયરીંગ, ટેકનિકલ ટેક્સટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિક્સ જેવા તમામ સેક્ટર્સને આવરી લેવામાં આવ્યા છે. જેમાં અમને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેક્ટર્સના એક્ઝીબિટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
તેમજ ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ 2024’નો ઉદ્ઘાટન સમારોહ તા. 6 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 10:00 કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. જેમાં ઉદ્ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના એડિશનલ ટેક્સટાઇલ સેક્રેટરી એસ.પી.વર્મા પધારશે અને તેમના વરદ હસ્તે સીટેક્ષ એક્ઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.