Editorial

બાબા ચૈતન્યાનંદના વધુ કારનામા ઉઘાડા પડ્યા, સરકાર આવા બાબાઓ પર અંકુશ રાખે તે જરૂરી

પ્રાચીન પરંપરાઓના દેશ ગણાતાં ભારતમાં સંત અને સાધુઓને ભારે આદર સન્માન આપવામાં આવે છે. લોકો ગુરૂઓની પૂજા કરે છે અને તેમની વાણીઓ સાંભળે છે. તેને અનુકરણ કરે છે. ભારતીય સંસ્કૃતિની આ પરંપરા રહી છે પરંતુ દેશમાં દાયકાઓથી સંતના નામે ગઠીયાઓ મેદાનમાં આવી ગયા છે. આ ગઠીયાઓ એવા છે કે જેઓ પ્રભાવશાળી વાણી ધરાવે છે. પચાવી પાડેલી જમીનો પર પોતાના મોટા આશ્રમો બનાવે છે.

લાખો અનુયાયીઓ ઊભા કરે છે અને તેને પગલે રાજકીય પક્ષો અને નેતાઓને દબાવે છે. નેતાઓ પણ મતબેંકની લ્હાયમાં આવા ગઠીયાઓને સંતના નામે પ્રોજેક્ટ કરે છે અને તેમને લોકોની નજરમાં મહાન બનાવે છે. બીજી તરફ આવા ગઠીયા સંતોના નામે બાળકીઓથી માંડી યુવતીઓનું જાતીય શોષણ કરે છે અને જ્યારે તેમનો પાપનો ઘડો છલકાય છે ત્યારે તેમના અનુયાયીઓની આંખો ઉઘડે છે. ભૂતકાળમાં આશારામ, નારાયણ સાંઈથી માંડીને નિત્યાનંદ સુધીના ગઠીયાઓના કુકર્મો ખુલ્લા પડ્યા છે અને હાલમાં પણ તેમની ઉપર કેસ ચાલી જ રહ્યા છે.

આજ ગઠીયાઓની શ્રેણીમાં હવે દિલ્હી આશ્રમના બાબા ચૈતન્યાનંદનો ગંદો ખેલ ઉઘાડો પડ્યો છે. બાબાની સામે 17 વિદ્યાર્થિનીઓના યૌન શોષણના આરોપ મુકવામાં આવ્યા છે. જેની પર આરોપો મુકવામાં આવ્યા છે તે બાબા ચૈતન્યાનંદ ઓડિશાનો રહેવાસી છે. છેલ્લાં 12 વર્ષથી તે દિલ્હીના આશ્રમમાં જ રહેતો હતો. ઓડિશામાં પણ આ બાબા વિરુદ્ધ છેડતીના બે કેસ પણ નોંધાયેલા છે.

પહેલો કેસ 2009માં નોંધવામાં આવ્યો હતો, જ્યારે બીજો કેસ 2016માં નોંધવામાં આવ્યો હતો. દિલ્હીના આશ્રમનો કેરટેકર આજ બાબા હતો અને તે આશ્રમમાં જ રહેતો હતો. બાબા દ્વારા છોકરીઓને સતત બ્લેકમેઈલ કરવામાં આવતી હતી અને યૌનશોષણ કરવામાં આવતું હતું. બાબા ચૈતન્યાનંદ છોકરીઓને કહેતો હતો કે જો તેઓ કોઈને પણ આ વિશે વાત કરશે તો ગંભીર પરિણામ આવશે. બાબા ચૈતન્યાનંદ સામે મઠ અને તેની મિલકતોના એડમિનિસ્ટ્રેટર પી.એ. મુરલીએ 4 ઓગસ્ટના રોજ ફરિયાદ કરી હતી.

આ ફરિયાદને પગલે તપાસમાં 32 વિદ્યાર્થિનીનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં, જેમાંથી 17 વિદ્યાર્થિનીએ ચૈતન્યાનંદ પર યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થિનીઓ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખૂબ જ ગંભીર છે. બાબા ચૈતન્યાનંદ વિદ્યાર્થિનીઓને અભદ્ર મેસેજ કરતો હતો. અડપલાં કરતો હતો અને પોતાની ઈચ્છા પુરી કરવા માટે કહેતો હતો. પિડીત વિદ્યાર્થિનીઓ દિલ્હીના વસંતકુંજ ખાતે શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ કોલેજમાં ભણતી હતી અને કોલેજની ફેકલ્ટીથી માંડીને અન્ય સ્ટાફ પણ બાબાની ઈચ્છા પુરી કરવા માટે વિદ્યાર્થિનીઓને કહેતા હતા.

પોલીસમાં ફરિયાદ નોંધાતા જ બાબા ચૈતન્યાનંદ એટલે કે પાર્થ સારથી ફરાર થઈ ગયો છે. પોલીસે શારદા ઈન્સ્ટિટ્યુટના ભોંયરામાંથી તેની વોલ્વો કાર જપ્ત કરી છે. બાબાએ પોતાની કાર પર ખોટી ડિપ્લોમેટિક નંબર પ્લેટ લગાડી હતી. કર્ણાટકના શ્રૃંગેરી સ્થિત દક્ષિણમાં આવેલી શ્રી શારદા પીઠ, જે સંસ્થાનું સંચાલન કરે છે, તેણે જણાવ્યું છે કે, સ્વામી ચૈતન્યાનંદનું આચરણ અને પ્રવૃત્તિઓ ગેરકાયદે અને પીઠનાં હિતોના વિરુદ્ધ હતાં અને તેથી પીઠનો તેમની સાથે કોઈ સંબંધ રહેશે નહીં. જોકે, આ સંસ્થાના નાક નીચે જ બાબા ચૈતન્યાનંદે પોતાની કામવાસના ફેલાવી હતી.

થોડા વર્ષો થાય અને ભારતમાં કોઈને કોઈ બાબાના કારનામા ઉઘાડા પડે છે. આવા બાબાઓ દ્વારા દેશમાં ખોટા કામો કરવાથી માંડીને હિન્દુ સંસ્કૃતિને પણ બદનામ કરવામાં આવી રહી છે. ખરેખર સરકારે આ મામલે વિચારવાની જરૂરીયાત છે. કોઈ બાબા આશ્રમ ખોલવા માંગે તો તેની કોઈ માર્ગદર્શિકાથી માંડીને તેનું ઈન્સ્પેકશન કરવાની સિસ્ટમ પણ સરકારે વિકસાવવી જોઈએ. આવા બાબાઓ નિર્દોષોને પોતાનો ભોગ બનાવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તેમને અંકુશમાં રાખવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. નહીં તો સમયાંતરે આવા લંપટ બાબાઓના કારનામાં બહાર આવતા જ રહેશે તે નક્કી છે.

Most Popular

To Top