Editorial

બજેટમાં રોજગારી સર્જન પર વધુ ભાર: સરકારે દેખીતી રીતે દેશમાં બેકારી વધુ હોવાનું સ્વીકાર્યુ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણેે લોકસભામાં મંગળવારે બજેટ રજૂ કર્યુ. 2024ની લોકસભાની ચૂંટણીઓને કારણે અગાઉ વચગાળાના બજેટ પછી, જેમાં કોઈ નોંધપાત્ર જાહેરાતો થઈ ન હતી, તે પછી આ તેમની સતત સાતમી બજેટ રજૂઆત છે. ભારતમાં નોકરિયાત વર્ગ આતુરતાથી પીએમ મોદીની આગેવાનીવાળી સરકાર દ્વારા ટેક્સમાં ઘટાડો અથવા આવકવેરાના સ્લેબમાં વધારો કરીને રાહતની જાહેરાત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. અપેક્ષાઓ પ્રમાણભૂત કપાતની મર્યાદા વધારવાથી માંડીને કરદાતાઓના નાણાકીય બોજને હળવા કરવા માટે આવકવેરા સ્લેબને સમાયોજિત કરવા સુધીની હતી. 

બજેટ 2024-25માં ₹48.21 લાખ કરોડના કુલ ખર્ચ અને ₹32.07 લાખ કરોડની આવકની રૂપરેખા આપવામાં આવી છે, જેમાં ₹25.83 લાખ કરોડના અંદાજિત ચોખ્ખી કરની આવક છે. રાજકોષીય ખાધ જીડીપીના 4.9% રહેવાનો અંદાજ છે. “વિકસીત ભારત” થીમ હેઠળની મુખ્ય પહેલોમાં બાર ઔદ્યોગિક ઉદ્યાનો વિકસાવવા, ટોચની કંપનીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ પૂરી પાડવી, ઔદ્યોગિક કામદારો માટે શયનગૃહ-પ્રકારના આવાસ સાથે ભાડાના આવાસને પ્રોત્સાહન આપવું અને ઊર્જા સુરક્ષા માટે ભારત સ્મોલ રિએક્ટર્સની સ્થાપનાનો સમાવેશ થાય છે.

આ પ્રયાસોનો હેતુ આર્થિક તકોને વેગ આપવા, યુવા રોજગારને ટેકો આપવા, આવાસ વધારવા અને સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોને સુરક્ષિત કરવાનો છે. પરંતુ આ વખતે ઉડીને આંખે વળગે  તેવી બાબત રોજગારીના સર્જનને વેગ આપવા માટે કરવામાં આવેલી કેટલીક ધ્યાનાકર્ષક યોજનાઓ હતી. બજેટ પહેલાના સરકારના આર્થિક સર્વેક્ષણમાં વર્તમાન નાણાકીય વર્ષમાં ૬.પ થી ૭ ટકાના દરે જીડીપી વિકાસનો રૂઢિચુસ્ત અંદાજ મૂકવામાં આવ્યો હતો અને અર્થતંત્રમાં વધુ રોજગારી સર્જન પર ભાર મૂકવાની સાથે નિકાસોને વેગ આપવા માટે વધુ ચીની સીધા રોકાણોને ટેકો આપવામાં આવ્યો હતો. 

ભારતના અર્થતંત્રમાં વધતા શ્રમબળને કામ આપવા માટે બિન-ખેતી ક્ષેત્રમાં ૨૦૩૦ સુધીમાં વાર્ષિક સરેરાશ ૭૮.૫ લાખ રોજગારીઓનું સર્જન કરવાની જરૂર છે એમ આર્થિક સર્વેક્ષણમાં કહેવાયું છે. સંસદના મેજ પર મૂકવામાં આવેલ આર્થિક સર્વેમાં રોજગારી સર્જનમાં ખાનગી સેકટરની ભૂમિકા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સર્વેમાં જણાવાયું હતું કે નોકરીઓ કરતા જીવાદોરીના સર્જનમાં આર્થિક વિકાસ છે અને સરકાર તથા ખાનગી ક્ષેત્ર બંનેએ તે માટે પ્રયાસો કરવાના છે.

સર્વેમાં રોજગારી સર્જન પર મૂકવામાં આવેલા ભાર અનુસાર જ બજેટમાં રોજગારલક્ષી ખાસ પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ પ્રથમ વખત નોકરીમાં જોડાઇ રહેલા યુવાનોને પ્રોત્સાહન માટે પ્રથમ મહિને તેમના ખાતામાં રૂ. ૧૫૦૦૦ની રકમ સીધી જમા કરવાની યોજના, નોકરીદાતાઓને મદદ માટે નવા વધારાના કર્મચારીઓની ભરતી પર કર્મચારીદીઠ બે વર્ષ સુધી પીએફમાં રૂ. ૩૦૦૦ની રકમ સરકાર ભરશે. સરકાર આ વખતે જેડી(યુ) અને ટીડીપી પક્ષોના ટેકા પર ટકેલી છે અને પોતાના આ ગઠબંધનના સાથીપક્ષોને ખુશ કરવા માટે મોદી-૩ સરકારે બિહાર અને આંધ્રપ્રદેશ માટે મોટી જાહેરાતો કરી છે. બિહાર માટે રૂ. ૪૭૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. બિહારને ભલે ખાસ દરજ્જો આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હોય પણ બજેટમાં મસમોટું પેકેજ જાહેર કરીને નીતિશકુમારને રાજી કરવાનો દેખીતો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ યોજનાને પૂર્વોદય નામ આપવામાં આવ્યું છે જેનાથી બિહાર ઉપરાંત ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશના વિકાસકાર્યોને પણ વેગ મળશે. ચંદ્રાબાબુને ખુશ કરવા તેમની માગને અનુરૂપ આંધ્રપ્રદેશની નવી રાજધાની તરીકે અમરાવતીને વિકસીત કરવા માટે રૂ. ૧૫૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પર્યટન ઉદ્યોગને વેગ આપવા માટેની જાહેરાતોની સાથે બે મંદિરો માટે કોરિડોરની યોજના જાહેર કરીને શ્રદ્ધાળુઓના એક મોટા વર્ગને રાજી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આર્થિક સર્વેમાં  સિવાયના ફુગાવાને લક્ષ્ય બનાવવાની વિચારણાની તરફેણ કરવામાં આવી હતી, કેમ કે ખોરાકની કિંમતો પર માગ કરતા પુરવઠાની અસર વધુ થાય છે.

બજેટ પહેલા સંસદના મેજ પર આર્થિક સર્વેક્ષણનો જે અહેવાલ મૂકવામાં આવ્યો હતો તેમાં એપ્રિલથી શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષ માટે ૬.પ ટકાથી લઇને ૭ ટકા સુધીના વિકાસ દરનો અંદાજ મૂકવામાં આવ્યો હતો , જે ગયા નાણાકીય વર્ષમાં જોવા મળેલ ૮.૨ ટકાના વિકાસ દર કરતા નીચો છે અને ચાલુ નાણાકીય વર્ષ માટે આરબીઆઇએ મૂકેલા ૭.૨ ટકાના અંદાજ કરતા પણ ઓછો છે. દેખીતી રીતે વિકાસની ગતિ જાળવી રાખવાનો મોટો પડકાર સરકાર સમક્ષ વર્ષ દરમ્યાન રહેશે.  બજેટને સ્વાભાવિક રીતે જ શાસકોએ વખાણ્યું છે તો વિપક્ષોએ ટીકા કરી છે. વડાપ્રધાન મોદીએ બજેટને યુવાઓને પ્રોત્સાહન આપનાર, મધ્યમ અને ગરીબ વર્ગને લાભ કરનાર તથા સર્વસમાવેશી વિકાસને વેગ આપે તેવુૂ  બજેટ ગણાવ્યું છે. તો મમતા બેનરજીએ આ બજેટને ખુરશી બચાવો બજેટ તરીકે ગણાવીને તેની ટીકા કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું છે કે બજેટમાં ઠાલા વચનો છે. અન્ય વિપક્ષી નેતાઓએ પણ બજેટની ટીકાઓ કરી છે. શેરબજારને પણ બજેટ બહુ પસંદ નથી આવ્યું. બજેટ રજૂ થયા પછી સેન્સેક્સ ૭૩ પોઇન્ટ નીચો જઇને બંધ થયો છે તો નિફટી પણ ૨૪૫૦૦ની નીચે બંધ થયો છે. બજેટના વખાણ થાય  કે ટીકા થાય પણ સરકારે જે રીતે રોજગારી સર્જનને પ્રોત્સાહન પર ખાસ ધ્યાન આપ્યું છે તેનાથી એટલું તો ફલિત થાય છે કે દેશમાં બેકારી વધુ હોવાનું અત્યાર સુધી સ્પષ્ટ રીતે નકારતી આવેલી સરકારે દેખીતી રીતે જ બેકારી વધુ હોવાનો સ્વીકાર કર્યો છે અને રોજગારી સર્જન પર વધુ ભાર મૂક્યો છે. આશા રાખીએ કે સરકારના પ્રયાસો ફળે અને દેશમાં બેરોજગારી ઓછી થાય.

Most Popular

To Top