મોરબી નગરપાલિકા વોર્ડ એકના ઉમેદવારો (CANDIDATES) વચ્ચે પ્રચાર કરવા બાબતે થયેલી માથાકૂટ પોલીસ મથકે (POLICE STATION) પહોંચી હતી. ઉમેદવારો વચ્ચે છુટ્ટા હાથની મારામારીની ઘટના થઈ પ્રકાશમાં આવી છે, જેમાં મોરબી તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ચકાસણી (FORM CHECKING) સમયે ભરવા આવેલ કાર્યકરો સામસામે આવી ગયા હતા અને મારામારી થઈ હતી. જેમાં ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી, ત્યારે મોરબી તાલુકા સેવા સદન ખાતે થયેલી આ મારામારીમાં ફરજ પરની પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. ત્યારે પોતાની સત્તા માટે આ રીતે થયેલી માથાકૂટ કેટલી હદે યોગ્ય એ પણ મોટો સવાલ (QUESTION) છે.
ઘટનાને પગલે ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. બાદમાં બન્ને પક્ષને પોલીસ મથકે લઈ જઈ તપાસ આદરી હતી, જેમાં મોરબીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે માથાકૂટનો મામલે હોય મીડિયા કર્મીઓ દ્વારા પૂછવા જતા મોરબી પ્રાંત અધિકારીએ પણ મીડિયા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જો કે હાલ તો પોલીસે મારામારીના મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી છે.
આ ઘટનાના પગલે ભાજપ કોંગ્રેસના મોટા ગજાના નેતાઓના ફોન પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર રણકયા હતાં જેથી પોલીસ કાફલો ખડકી દેવાયો હતો જો કે પોલીસ હાજર ન હોત તો મામલો ગંભીર રૂપ ધારણ કરી લેત તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલ આ મામલે મોરબી પોલીસે નિવેદન કર્યું છે કે જો ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે તો કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે આચાર સંહિતા અમલમાં છે, છતાં ચૂંટણી અધિકારી મૌન સેવી અને બધું પોલીસ પર ઢોળી દીધું છે. જો કે આવા બનાવોમાં ચૂંટણી અધિકારી જાતેજ ફરિયાદી બને છે અને અંકુશ મૂકે છે. પરંતુ આ મામલે સામાન્ય માણસ સાથે થાય તેવી જ કાર્યવાહી થશે કે કેમ એ આગામી સમય જ બતાવશે. મળતી માહિતી અનુસાર બંન્ને આગેવાનો એક જ સમાજના હોય સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરી છે. અને હાલ બન્ને પક્ષ તરફથી મધ્યસ્થી બાદ સમાધાન કરાયું અને પોલીસ ફરિયાદ ન નોંધાવતા મામલો થાળે પડી ગયો છે.