ઉત્તર ભારતમાં આ વખતે ચોમાસાએ ભારે તબાહી મચાવી છે. હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર સતત બે અઠવાડિયા સુધી આટલો વધુ વરસાદ પડ્યો છે.
તા.22 ઓગસ્ટથી તા.4 સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં ત્રણ ગણો વધારે વરસાદ થયો છે. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યા, પંજાબમાં પૂરની સ્થિતિ ઉભી થઈ, દિલ્હીમાં યમુનાનો જળસ્તર ઐતિહાસિક સ્તરે પહોંચ્યો અને હિમાચલ તથા ઉત્તરાખંડમાં મોટા પાયે ભૂસ્ખલન નોંધાયા છે.
આંકડા શું કહે છે?
આ 14 દિવસમાં ઉત્તર ભારતમાં સરેરાશ 205.3 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સામાન્ય રીતે તે માત્ર 73.1 મીમી હોય છે. એટલે કે માત્ર બે અઠવાડિયામાં જ આખા ચોમાસાના 35% વરસાદ પડી ગયો.
તા.1 જૂનથી તા.4 સપ્ટેમ્બર સુધી કુલ 691.7 મીમી વરસાદ પડ્યો છે. જે સામાન્ય કરતાં 37% વધારે છે. જો સપ્ટેમ્બર મહિના દરમિયાન સામાન્ય વરસાદ પડે તો આ આંકડો 750 મીમીથી વધુ પહોંચી શકે છે. આ રીતે 1988 પછીનું બીજું સૌથી ભીનું ચોમાસું બનશે.
અગાઉના રેકોર્ડ
1988માં સૌથી વધુ 813.5 મીમી અને 1994માં 737 મીમી વરસાદ પડ્યો હતો. હાલની સ્થિતિ જો આવી જ રહી તો આ વર્ષનું ચોમાસું આ આંકડાઓને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવી શકે છે.
વધુ વરસાદ પાડવાનું કારણ શું?
હવામાનશાસ્ત્રીઓ જણાવે છે કે આ ભારે વરસાદ બે હવામાન પ્રણાલીઓના અથડામણને કારણે પડ્યો છે. એક તરફ પશ્ચિમી વિક્ષેપ ભૂમધ્ય સમુદ્રથી ભેજવાળા પવનો લઈને આવ્યો હતો અને બીજી તરફ પૂર્વીય ચોમાસાના પવનો સક્રિય રહ્યા. આ બંને અથડાયા જેના કારણે ભારે વરસાદ પડ્યો છે.
પહેલી અથડામણ તા.23 થી 27 ઓગસ્ટ દરમિયાન થઈ હતી. જ્યારે બીજી અથડામણ તા.29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ચાલી. સામાન્ય રીતે આવી બેવડી અથડામણ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આ વખતે તે સતત બની ગઈ છે. જેથી ઉતર ભારતમાં વધુ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેટલાક રાજ્યમાં ભારે નુકશાન થતું જોવા મળી રહ્યું છે. જોકે હજી ચોમાસુ પૂરું થવાને કેટલાક દિવસો બાકી છે.
સૌથી વધુ અસર ક્યાં થઈ?
પંજાબ: સામાન્ય કરતાં 388%થી લઈને 454% વધારે વરસાદ
હરિયાણા-ચંદીગઢ-દિલ્હી: 325% વધારે વરસાદ
હિમાચલ પ્રદેશ: 314% વધારે વરસાદ
પશ્ચિમ રાજસ્થાન: 285% વધારે વરસાદ
જમ્મુ-કાશ્મીર: 240% વધારે વરસાદ
ઉત્તરાખંડ: 190% વધારે વરસાદ
આ આંકડાઓ દર્શાવે છે કે ઉત્તર ભારતના મોટા ભાગના પ્રદેશો અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. જેના પરિણામે પૂર, ભૂસ્ખલન અને નદીઓના વધેલા જળસ્તરે જનજીવનને ખલેલ પહોંચાડ્યો છે.