સુરત: શહેરમાં વરસાદના (Rain) વિરામ બાદ આજે તડકો ખીલી ઉઠ્યો હતો. બીજી બાજું ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની ધીમી ધારે આવક ચાલું રહેતા ડેમની સપાટીને રૂલ લેવલ કરતા દોઢ ફૂટ ઉપર લઈ જવાઈ છે. આગામી 15 સપ્ટેમ્બર (September) સુધી રૂલ લેવલ 335 ફૂટ રહેશે.
હવામાન વિભાગે આગામી અઠવાડિયા દશ દિવસ સુધી વરસાદની સંભાવના નહિવત હોવાની આગાહી કરી છે. દરમિયાન આજે તો સૂર્યનારાયણે તડકો પાથરતા જાણે શહેરીજનો ખીલી ઉઠ્યા હતા. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદના વિરામ બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ બીજી તરફ ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા હથનુર ડેમમાંથી 20 હજાર અને પ્રકાશામાંથી 35 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ઉકાઈમાં ધીમી ધારે 39 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમમાંથી 23 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી આજે 336.20 ફૂટે પહોંચી છે. ડેમનું રૂલ લેવલ હાલ 335 ફૂટ છે. અને આગામી 15 સપ્ટેમ્બર સુધી 335 ફૂટ રૂલ લેવલ રહેશે. એટલે કે ડેમને હાલ રૂલ લેવલથી વધારે ભરવામાં આવી રહ્યો છે. 16 સપ્ટેમ્બરથી રૂલ લેવલ વધારીને 340 ફૂટ કરાશે.
નર્મદામાં પાણી વધતાં ભરૂચમાં ૧૧૨૩નું સ્થળાંતર, ફૂરજામાં એકનું મોત
ભરૂચ: નર્મદા ડેમમાંથી છોડાતાં પાણીના પગલે ગુરુવારે ભરૂચમાં ગોલ્ડનબ્રિજ પાસે નદીની મહત્તમ સપાટી સવારે ૬ કલાકે ૨૭.૯૪ ફૂટ સુધી સ્પર્શી હતી. પૂરના પગલે ભરૂચ શહેરના કાંઠા વિસ્તારમાંથી ૪૧૮ અને અંકલેશ્વરના કાંઠાનાં ગામોમાંથી ૭૦૫નું મળી કુલ ૧૧૨૩ લોકોનાં સ્થળાંતર કરાવવાની તંત્રને ફરજ પડી હતી. જો કે, ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદનું જોર ઓછું થતાં અને પાણીનો પ્રવાહમાં મોટો ઘટાડો કરાતાં સરદાર સરોવર ડેમમાંથી નદીમાં હવે બે લાખ ક્યુસેક જેટલું પાણી ઓછું છોડાઈ રહ્યું છે. જેના કારણે ભરૂચ ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી બપોરે ૧૨ કલાકે ઘટીને ૨૭.૫૬ ફૂટ નોંધાઇ છે.
સવારે નર્મદાના પૂરના પાણી ભરૂચના દાંડિયા બજાર ખાતે સ્મશાનનાં પગથિયાં સુધી સ્પર્શી ગયાં હતાં. જ્યારે ફૂરજા બંદરે પૂરના પાણી શહેરમાં ૧૦૦થી ૨૦૦ મીટર સુધી આવી ગયા હતા. પૂરના પાણીમાં બાથ ભીડવા ફૂરજા બંદરે એક અજાણ્યા યુવાને તેમાં ઝંપલાવ્યું હતું કે પડ્યો હોવાની ઘટના બની હતી. ભરૂચ પાલિકાના ૪ ફાયર ફાઈટરોએ તેને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, તેનું મોત થયું હતું. હવે ધીમે ધીમે પૂરનાં પાણી ઓસરતાં કાંઠાની પ્રજા અને તંત્રને રાહત સાંપડી રહી છે.