Editorial

મોહન ભાગવતના વસ્તીના નિવેદન પર મનોમંથન તો થવુ જ જોઇએ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શુક્રવારે દશેરાના દિવસે તેના ૯૬મા સ્થાપના દિનની ઊજવણી કરી હતી. આ પ્રસંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે દેશમાં વધતી વસતીથી પેદા થઈ રહેલી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું કે, દેશમાં વસતી નિયંત્રણ કાયદો બનાવી બધા જ લોકો પર તે સમાનરૂપે લાગુ કરવો જોઈએ. વધુમાં સંઘ પ્રમુખે દેશમાં ક્રિપ્ટોકરન્સીના વધતા ચલણ તેમજ ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવાતા કાર્યક્રમો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને આ બંને પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સંઘ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે વસતી વૃદ્ધિદરમાં અસંતુલન દેશ માટે પડાકરજનક બન્યું છે.

તેમણે ઉમેર્યું કે, જે ગતિએ વિવિધ સંપ્રદાયોની વસતીની સરેરાશમાં પરિવર્તન આવી રહ્યું છે તેને જોતાં વસતી નિયંત્રણ કાયદા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. દેશની સમગ્ર વિસતી ખાસ કરીને સરહદીય વિસ્તારોમાં વસતીની સંખ્યાની સરેરાશમાં વધી રહેલું અસંતુલન દેશની એકતા, અખંડતા અને સાંસ્કૃતિક ઓળખ માટે ગંભીર સમસ્યા પેદા કરી શકે છે. આપણાં દેશની ઘણી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો છે જેમાં વસ્તી વધારો સૌથી મોટી ચેલેન્જ છે. વૈશ્વિક માનવ વસ્તી વધારો આશરે વર્ષે 7.5 કરોડ એટલે કે 101 ટકા છે. વિશ્વની વસ્તી 1800માં એક અબજથી વધીને 2012માં 7 અબજ થઇ ગઇ તો આ સદીનાં અંતમાં તે વધીને 10 અબજ થાશે તેવો એક અંદાજ છે.

જેટ ઝડપે દેશની વસ્તી વધી રહી છે. જેને કારણે દેશના વિકાસ ઉપર માઠી અસર પડી છે. બધા લોકો જાણે છે કે રાષ્ટ્રીય સંશાધનો પૈકી એક મોટો હિસ્સો દેશની વિશાળ વસ્તીના ભરણપોષણ પાછળ જ ખર્ચાય જાય છે. આ એક ગંભીર સમસ્યા છે. તેને સ્થિર કે નાથ્યા વગર ભારત પોતાની વિવિધ જટીલ સમસ્યામાંથી બહાર ન આવી શકે, ભારતમાં હાલમાં અનેક સમસ્યાઓમાં ગરીબી, ભ્રષ્ટાચાર, ભૂખમરો જેવી સમસ્યા છે. લોકોને તમામ પ્રકારની સુવિધા પહોચાડવામાં વસ્તી વધારો આડે આવે છે. બધાને રોટી – કપડા – મકાન સાથે શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષિત પાણી જેવી મૂળભૂત સમસ્યામાં પણ વસ્તી વિસ્ફોટ નડે છે.

1947માં 33 કરોડને 2018માં 13પ કરોડની વસ્તી આપણા દેશની થઇ છેલ્લા 70 વર્ષમાં વસ્તી ચાર ગણી વધી ગઇ છે. આજે દુનિયાની દર છઠ્ઠી વ્યકિત ભારતીય છે. ચીનની વસ્તી ભારત કરતાં માત્ર સાત કરોડ વધું છે. ભારતમાં વસ્તી વધારાનો દર ચીન કરતાં ડબલ છે. છેલ્લા 25 વર્ષમાં ચીનમાં ર0 કરોડ તો ભારતમાં 4ર કરોડ થયો છે. છેલ્લા દોઢ દાયકાથી ભારતની વસ્તીમાં ધીમી પણ મકકમ ગતિએ ઘટાડો થતો જોવા મળ્યો છે. ભારતમાં વસ્તી વૃદ્ધીનો દર 2000 માં 1.86 હતો જે આજે ઘટીને 1.2 ટકા થયો છે. તેવી જ રીતે સાક્ષરતાના દરમાં પણ વધારો જોવા મળ્યો છે.

દેશની પંચ વર્ષીય વિવિધ યોજનામાં પણ આપણને આ સમસ્યાને કારણે ધાર્યા પરિણામ મળતા નથી, આવડી મોટી વસ્તીને ગુણવત્તા યુકત જીવન જીવવા રહેવા  માટે અપાતી સુખ સગવડો પહોંચી ન શકે તે સ્વાભાવિક છે. તમામને આરોગ્ય સેવા, શિક્ષણ, રોજગારી, મકાન જેવી પ્રારંભિક સુવિધામાં તકલીફો પડી રહી છે. મોહન ભાગવતના નિવેદન પર કાયદો નહીં બને તો કંઇ નહીં પરંતુ તેમના નિવેદન પર મનોમંથન તો થવું જ જોઇએ. તો જ આપણા દેશની મોટાભાગની સમસ્યાનું નિવારણ થઇ શકે તેમ છે.

Most Popular

To Top