National

મોહમ્મદ યુનુસે PM મોદી સાથે ફોન પર વાત કરી, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાનું આશ્વાસન આપ્યું

નવી દિલ્હી: બાંગ્લાદેશની (Bangladesh) વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં થયેલી હિંસા (Violence) બાદ પ્રથમવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે ફોન પર વાત કરી હતી. ત્યારે પીએમ મોદી સાથેની વાતચીત બાદ બાંગ્લાદેશે ભારતને હિંદુઓની સુરક્ષાની ખાતરી આપી છે. જેની માહિતી પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી હતી.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરીને તેમની અને બાંગ્લાદેશના હાલના કાર્યકારી વડાની વાતચીતની માહિતી આપી હતી. પીએમ મોદીના જણાવ્યા મુજબ “બાંગ્લાદેશના વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસનો ટેલિફોન કૉલ, બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું. ભારતે લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી છે.” જણાવી દઇયે કે 8 ઓગસ્ટના રોજ, બાંગ્લાદેશમાં શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા હતા.

ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ ગુરુવારે આશા વ્યક્ત કરી કે હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો પાડોશી દેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે અને ભારતની વિકાસ યાત્રામાં બાંગ્લાદેશનું શુભચિંતક રહેશે.

અગાઉ ‘બાંગ્લાદેશ નેશનલ હિન્દુ ગ્રાન્ડ એલાયન્સ’ નામના બિન-રાજકીય હિન્દુ સંગઠને દાવો કર્યો હતો કે 5 ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી લઘુમતી સમુદાયે 48 જિલ્લામાં 278 સ્થળોએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. સંગઠને તેને ‘હિંદુ ધર્મ પર હુમલો’ ગણાવ્યો હતો.

પીએમ મોદીએ હિન્દુઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી
બાંગ્લાદેશમાં ઘણા દિવસોની અશાંતિ અને રાજકીય ઉથલપાથલ બાદ વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. ત્યારે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે દેશમાં વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથગ્રહણ બાદ મુહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.

પીએમ મોદીએ અભિનંદન પાઠવતા તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, પ્રોફેસર મુહમ્મદ યુનુસને તેમની નવી જવાબદારીઓ સંભાળવા પર મારી શુભેચ્છાઓ. અમે હિંદુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરીને સામાન્ય સ્થિતિ પ્રસ્થાપીત કરવાની આશા રાખીએ છીએ. તેમજ શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે બંને દેશોના લોકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ભારત બાંગ્લાદેશ સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.

Most Popular

To Top