ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) દ્વારા પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મહંમદ રિઝવાનને 2021નો શ્રેષ્ઠ મેન્સ ટી-20 ક્રિકેટર જ્યારે ઇંગ્લેન્ડની મહિલા ટીનની ઓપનર ટેમી બ્યુમોન્ટને 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ટી-20 ખેલાડી જાહેર કરી હતી. મેન્સ ટી-20 ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડમાં રિઝવાને ઇંગ્લેન્ડના જોસ બટલર, શ્રીલંકાના વનિન્દુ હસરંગા અને ઓસ્ટ્રેલિયાના મિચેલ માર્શને પછાડ્યા હતા. રિઝવાને 2021માં કુલ 29 ટી-20 મેચમાં એક સદી અને 12 અર્ધસદી સાથે 73.66ની એવરેજ અને 134.89ની સ્ટ્રાઇક રેટથી 1326 રન બનાવ્યા હતા. બેટ સાથે ઉમદા પ્રદર્શન કરનારા રિઝવાને વિકેટ પાછળ પણ સારું પ્રદર્શન કર્યુ હતું. આ તરફ બ્યુમોન્ટે ગત વર્ષે 9
ટી-20 મેચમાં 33.66ની એવરેજથી 303 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ અર્ધસદી ફટકારી હતી. બ્યુમોન્ટ ગત વર્ષે ટી-20માં ઇંગ્લેન્ડ વતી સર્વાધિક રન કરનારી ખેલાડી પણ બની હતી. આ ઉપરાંત આઇસીસી દ્વારા દક્ષિણ આફ્રિકન ઓપનર યાનેમન મલાન અને પાકિસ્તાની મહિલા ટીમની ઝડપી બોલર ફાતિમા સનાને અનુક્રમે પુરૂષ અને મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કર્યા હતા. મલાને ગત વર્ષે કુલ 8 વન ડે અને 9 ટી-20 મેચ રમી હતી, જેમાં વન ડેમાં તેણે ઉમદા પ્રદર્શન કર્યું હતું. જ્યારે ફાતિમા પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ઝળકી હતી. તેણે મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં કુલ 24 વિકેટ લેવા સાથે નીચલા ક્રમે ઘણી ઉપયોગી ઇનિંગ રમી હતી.