ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલી સરકારના વડા તરીકે સતત 8,931 દિવસ પૂર્ણ કરીને એક નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે. આ માત્ર સમયનો આંકડો નથી પરંતુ દેશની જનતાના અખંડ વિશ્વાસનો રેકોર્ડ છે. વિશ્વકર્માએ માહિતી આપી હતી કે, નરેન્દ્ર મોદીએ સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગના 8,930 દિવસના શાસનકાળને પાછળ છોડી દીધો છે. આ સાથે જ વડાપ્રધાન તરીકે તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના 4,077 દિવસના કાર્યકાળના રેકોર્ડને પણ વટાવ્યો છે. તેઓ ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી તરીકે પણ ઇતિહાસમાં સ્થાન પામ્યા છે, તેમ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગરમાં જણાવ્યું હતું.
પ્રદેશ ભાજપના અધ્યક્ષે જણાવ્યું હતું કે, છેલ્લા 24 વર્ષના જાહેર જીવનમાં નરેન્દ્ર મોદીએ ક્યારેય પોતાને માત્ર સત્તાધીશ તરીકે નહીં, પણ ‘રાષ્ટ્રના સેવક’ તરીકે જોયા છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ કચ્છને ફરી બેઠું કરવાથી લઈને, નર્મદા યોજના પૂર્ણ કરવાના સંકલ્પ અને ‘વાયબ્રન્ટ ગુજરાત’ મોડલ સુધીની તેમની યાત્રા અજોડ રહી છે. કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે તેમણે આયુષ્માન ભારત, ઉજ્જવલા અને આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યું છે.
સુરક્ષા અને વારસાનું જતન
‘આ નવું ભારત છે, જે કોઈને છેડતું નથી અને જો કોઈ તેને છેડે તો તેને છોડતું પણ નથી,’ તેમ કહેતા વિશ્વકર્માએ સર્જિકલ સ્ટ્રાઈક અને આર્ટિકલ 370ની નાબૂદીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કાશી વિશ્વનાથ કોરિડોર અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ દ્વારા મોદીજીએ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને વિશ્વ મંચ પર ગૌરવ અપાવ્યું છે.
વિપક્ષ દ્વારા પીએમ મોદી અને તેમના પરિવાર માટે વપરાયેલા અપશબ્દોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, પ્રજાએ હંમેશા તેનો જવાબ વધુ વિશ્વાસ અને વધુ મત આપીને આપ્યો છે. મોદી આજે માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ એક વિચાર અને ભાજપના લાખો કાર્યકર્તાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. ‘આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા, કરુણા અને સાતત્ય સાથેનું તેમનું નેતૃત્વ દેશને ચોક્કસપણે ‘વિકસિત ભારત ૨૦૪૭’ તરફ લઈ જશે.’