Editorial

રવિવારથી મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની જશે પરંતુ આ વખતે ‘સમાધાનની સરકાર’ હશે

લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા. એનડીએને બહુમતિ મળી, ઈન્ડિયા ગઠબંધન બહુમતિમાં પાછળ રહ્યું. ભાજપની સીટ ઘટી છતાં પણ તે એ વાતે ખુશ છે કે ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવશે. કોંગ્રેસ એ વાતે ખુશ છે કે તેની બેઠકની સંખ્યા લગભગ ડબલ થઈ ગઈ. એનડીએ દ્વારા સરકાર રચવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી. જ્યારે ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિપક્ષમાં બેસવાનું પસંદ કરવામાં આવ્યું. એનડીએ દ્વારા શુક્રવારે સંસદીય પક્ષની બેઠક બોલાવવામાં આવી. નરેન્દ્ર મોદીને એડીએના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા અને હવે મોદીએ કરેલી જાહેરાત પ્રમાણે આગામી રવિવારે 9મી તારીખે વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી શપથ લેશે. તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે.

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન જરૂરથી બની જશે પરંતુ આ વખતે તેમનો રાહ આસાન નહીં હોય. ભાજપની આ વખતે કેન્દ્રમાં બહુમતિ નથી. નરેન્દ્ર મોદીએ નાછૂટકે ચંદ્રાબાબુ નાયડુ તેમજ નિતીશકુમારની મહેરબાની પર ચાલવું પડશે. જો આ બંને પક્ષ એનડીએ છોડી દે તો એનડીએને બહુમતિના ફાંફાં પડી જાય તેમ છે. મોદી આમ તો સ્થિતિ સમજીને નિર્ણય લે તેવા છે પરંતુ તેમના સાથીપક્ષો છે તેમની વિચારધારા ભાજપથી તદ્દન ઉલ્ટી છે. આ સંજોગોમાં મોદી માટે આ વખતનું શાસન તલવારની ધાર પર રહેવાનું છે. એનડીએના નેતા તરીકે ચૂંટાયા બાદ ભલે નરેન્દ્ર મોદીએ નવી સરકારમાં પણ કડક નિર્ણયો ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હોય પરંતુ સત્ય હકીકત એ છે કે નરેન્દ્ર મોદીએ ગઠબંધનના નેતાઓ નારાજ નહીં થાય તેનું સતત ધ્યાન રાખવું પડશે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહની કાર્યશૈલી જોતાં એ પણ એટલું ચોક્કસ છે કે અપક્ષો અને અન્ય પક્ષોના સાંસદોને તોડીને તેઓ ભાજપ માટે બહુમતિ ભેગી કરી લે પરંતુ આવું થાય ત્યાં સુધી ભાજપે પોતાના જ અનેક એજન્ડામાં સમાધાન કરવું જ પડશે. એનડીએના ભાજપના સાથીપક્ષોની વાત કરવામાં આવે તો ચંદ્રાબાબુ નાયડુની કામ કરવાની પદ્ધતિમાં લઘુમતિઓને ખુશ કરવાની પદ્ધતિ પણ સામેલ છે. ચંદ્રાબાબુ નાયડુ દ્વારા આંધ્રપ્રદેશમાં લઘુમતિઓને અનામત આપવામાં આવ્યું હતું. બીજી તરફ નરેન્દ્ર મોદી લઘુમતિઓને અનામતની સદંતર વિરૂદ્ધમાં છે. કેટલાકે ચંદ્રાબાબુ નાયડુ નમાજ પઢતા હોય તેવા વિડીયો પણ વાઈરલ કર્યા હતા. ચંદ્રાબાબુ નાયડુને સાથે રાખવામાં ભાજપે પોતાના હિન્દુત્વના મુદ્દાને કોરાણે મુકવો જ પડશે.

ભાજપના જ બીજા સાથીપક્ષ જેડીયુની તો વાત જ અલગ છે. જેડીયુના નિતીશકુમાર પલ્ટી મારવા માટે જાણીતા છે. નિતીશકુમાર એમને એમ પલ્ટી મારતા નથી. તેઓ ગણતરી કરીને પલ્ટી મારે છે. ઈન્ડિયા ગઠબંધન ઊભું કરવામાં નિતીશકુમારની મુખ્ય ભૂમિકા રહી હતી. બાદમાં નિતીશકુમાર ભાજપ સાથે જતાં રહ્યા. હાલની સ્થિતિ જોતાં બિહારની આગામી ચૂંટણી નિતીશકુમાર માટે અઘરી રહે તેવી સંભાવના છે. નિતીશકુમારનું જાતિવાદનું રાજકારણ છે.  નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં નિતીશકુમારના રાજકારણને સમજીને વહિવટ કરવો પડશે. મોદી પર નિતીશકુમારની લગામ જરૂરથી રહેશે.

ભાજપના બીજા સાથીપક્ષ ચિરાગ પાસવાનની પાર્ટી પણ 5 બેઠકો જીતી લાવી છે. ચિરાગ પાસવાનની પાર્ટીનું પછાત વર્ગનું રાજકારણ છે. સામાન્ય રીતે ભાજપ દ્વારા પછાતવર્ગનું રાજકારણ કરવામાં આવતું નથી પરંતુ ચિરાગ પાસવાનના આ રાજકારણને સમજીને નરેન્દ્ર મોદીએ નિર્ણયો લેવા પડશે. એનડીએ સંસદીય દળની બેઠકમાં ભાજપના સાથીપક્ષના આગેવાનો દ્વારા નરેન્દ્ર મોદીની પ્રસંશા કરવાની સાથે તેમની સાથે જ રહેશે તેવી જાહેરાતો કરી છે. જોકે, જેવી કેન્દ્રમાં સરકાર બનશે કે તુરંત સાથીપક્ષો પોતાનું રાજકારણ રમવા માંડશે. કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ કોંગ્રેસના સાથીપક્ષો દ્વારા જ મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને 2014માં તેને કારણે જ યુપીએની સરકાર પડી ભાંગી હતી.

નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ એ રહી છે કે તેમના મંત્રીઓ ભલે હોય પરંતુ મોટાભાગના નિર્ણયો તેઓ જ લેતા હતા. હવે જ્યારે સાથીપક્ષોના સાંસદો મંત્રી બનશે ત્યારે તેમની પર કેવી રીતે કાબુ કરવો તે મોદી માટે સૌથી મોટી સમસ્યા બની રહેશે. ‘ભૂવો ધૂણે તો નાળિયેર ઘર ભણી ફેંકે’ની જેમ સાથીપક્ષોના મંત્રીઓ તેમના પક્ષ અને જે તે રાજ્યને ફાયદો થાય તેવા જ નિર્ણયો લેશે અને તેને અટકાવવું મોદી માટે ખૂબ અઘરૂં બની રહેશે. એનડીએની ભલે હાલમાં સરકાર બની જાય અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કાર્યભાર સંભાળે પરંતુ સ્થિતિ અને સંજોગો જોતાં આ વખતની કેન્દ્ર સરકાર પાંચ વર્ષ પૂરા કરે તો તે મોટી ઉપલબ્ધિ ગણાશે. નહીં તો લોકોએ મધ્યાવર્તિ ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે તે નક્કી છે.

Most Popular

To Top