વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે અને તેમની આ મુલાકાતને ભારે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મોદીને ટ્રમ્પે તેમની શપથવિધિમાં બોલાવ્યા નહીં એવો ગોકીરો ઘણો મચ્યો , પરંતુ ભારતનું મહત્વ અમેરિકા માટે કેટલું છે તે મોદીની આ મુલાકાતથી સ્પષ્ટ થઈ રહ્યું છે. કેમકે ટ્રમ્પના પ્રમુખ તરીકે બીજા કાર્યકાળમાં તેમની મુલાકાતે પહોંચનારા મોદી વિશ્વના ચોથા દેશના વડા છે. આ પહેલાં ઈઝરાયેલ અને જાપાનના વડાપ્રધાન અને જોર્ડનના રાજા અબ્દુલ્લા ટ્રમ્પને મળી આવ્યા છે. મોદીની આ મુલાકાતથી આશાઓ તો જાગી છે, પણ ભારત અને અમેરિકા વચ્ચેના બધા જ પ્રશ્નો હલ થઈ જશે એવું પણ નથી.
અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો કઈક અલગ જ પ્રકારના છે. યુકે, જાપાન જે નાટોના સભ્ય દેશોની જેમ ભારત અમેરિકાનું ગાઢ મિત્ર નથી કે ચીન અને ઇરાનની જેમ દુશ્મન પણ નથી. તેથી ચીનની જેમ અમેરિકા ભારતને હરીફ માનતું નથી તો બીજી તરફ ભારતને ચીંટીઓ ભરી લેવાની તક મળે તો એ પણ છોડતું નથી. જોકે, ટ્રમ્પ ભારતને સાથે રાખવાનો જરૂર પ્રયત્ન કરશે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબીઓએ ચાર્જ સંભાળ્યો કે તરત ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ સાથે બેઠક કરી. આ સંગઠનમાં અમેરિકા ઉપરાંત ભારત, ઑસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે. ભારત હવે પછીના ક્વાડ સમિટની અધ્યક્ષતા પણ કરવાનું છે.
મોદી અને ટ્રમ્પ ચીન અને ઇસ્લામી આતંકવાદ મુદ્દે સમાન વિચારો ધરાવે છે. બંને આર્થિક રાષ્ટ્રવાદમાં પણ માને છે. પોતાના દેશના હિતમાં હોય તેવી વિદેશ નીતિના હિમાયતી છે. બંનેની કેમેસ્ટ્રી આ બાબતોમાં મેચ થયા છે અને બંને એક બીજાને મિત્ર ગણાવતા રહ્યા છે. આ વખતે અમેરિકન ભારતીયોએ પણ ટ્રમ્પને જીતાડવામાં સારી મદદ કરી. ટ્રમ્પે ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને હાથકડી પહેરાવી પરત કરી દીધા તો પણ મોદી સરકારે તેની સામે સ્ટ્રોંગ રીએકશન આપ્યું નથી. જે કોઈ વિવાદના મુદ્દા છે તે વેપાર અને ઇમિગ્રેશનને લગતા છે. ટ્રમ્પ એવું માને છે ભારત અમેરિકાને વધારે માલ વેચે છે અને ખરીદે છે ઓછો. તેની સામે મોદી એનર્જી અને ડિફેન્સ પ્રોડક્ટ્સ વધારે ખરીદવાનું વચન આપી શકે છે.
ઇમિગ્રેશન મામલે ભલે અમેરિકા ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને બહાર કાઢે , પણ એચ1બી વિઝા ઘટાડી શકે એવી સ્થિતિમાં નથી કેમકે ત્યાંની આઇટી કંપનીઓને ભારતીય નિષ્ણાતોની જરૂર છે. ભારતનો આઇટી એજ્યુકેટ વર્કફોર્સ અને ડિજિટલ ઇકોસિસ્ટમ અમેરિકાને પણ ચિપ ડિઝાઈન અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરી રહ્યા છે. એઆઈ મોરચે ચીન જે પડકારો ઊભા કરી રહ્યું છે, તેમાં ભારત જ અમેરિકાને કામ લાગી શકે તેમ છે.
ભારત અને અમેરિકાના સંબંધોમાં પાછલા ઘણા વર્ષોમાં ચડાવ ઉતાર આવતા રહ્યા છે. જોકે, ભારતની વધી રહેલી શક્તિ અને માર્કેટને કારણે હવે અમેરિકા ભારતને અવગણી શકે તેમ નથી. ચીન સામે અમેરિકાના ચાલતા પ્રભુત્વના સંઘર્ષમાં ભારત ખૂબ મહત્વપૂર્ણ સાથી છે. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથ વચ્ચે 10 વર્ષના ડિફેન્સ ટેક્નોલોજીના સહકાર માટે પણ ચર્ચા થઈ છે. બંને દેશો એકબીજાની સેનાના સંપર્કો વધારવા પણ સંમત થયા છે. આ બધું થવા પાછળ ચીન ફેક્ટર કેન્દ્રમાં છે.
અમેરિકા ભારતને ચીનના વિકલ્પ તરીકે જુએ તો છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે ભારત પાસે ચીન જેવી વિશાળ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી નથી. ભારત પોતે જ વિવિધ સાધનો અને રો મટીરિયલ સપ્લાય ચેન માટે ચીન પર અવલંબિત છે. ભારત અને ચીનના સંબંધો ભલે ગમે તેટલા વણસેલા હોય તો પણ બંને દેશોએ પરસ્પર વેપાર બંધ કર્યો નથી. ભારત ફાર્માથી લઈને સોલાર સુધી સુધી અનેક બાબતોમાં ચીન પર આધાર રાખે છે.
આ ઉપરાંત ભારતના રશિયા અને ઈરાન સાથે પણ મિત્રતાપૂર્ણ સંબંધો છે. ટ્રમ્પને કારણે આ દેશો સાથે ભારત સંબંધો નહીં જ બગાડે. મોદીની મુલાકાત એવા સમયે થઈ થઈ રહી છે કે ટ્રમ્પે હજુ બધા મહત્વના સ્થાનો પર નિયુક્તિ કરી નથી. ભારત ખાતેના અમેરિકી રાજદૂતની નિયુક્તિ પણ હજુ બાકી છે. તેથી કોઈ મોટા નિર્ણયો આ મુલાકાતમાં ના લેવાય અને ઉપરછલ્લી ચર્ચાઓ જ થાય તો નવાઈ નહીં.
