National

કોઈ ટ્વિસ્ટ નહીં, NDAની બનશે સરકાર: આ દિવસે નરેન્દ્ર મોદી લઈ શકે શપથ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ (NDA) ગઠબંધને લોકસભા ચૂંટણી 2024 જીતી લીધી છે. ભાજપ 240 સીટ જીત્યું છે, તે 272ના આંકડાને સ્પર્શી શક્યું નથી. બહુમતી ન મળી હોવાના લીધે ભાજપ એનડીએના સાથ વિના સરકાર બનાવી નહીં શકે. તેથી સાથી પક્ષો ટીડીપી અને જેડીયુનું મહત્ત્વ વધી ગયું છે. આથી ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ અને જેડીયુના નીતીશ કુમાર કયું સ્ટેન્ડ લે છે તેની પર સૌ કોઈની નજર હતી, પરંતુ આ બંને નેતાઓએ એનડીએ ગઠબંધન હેઠળ ભાજપને સપોર્ટ કરવાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેથી આજે બુધવારે તા. 5 જૂને જ એનડીએ રાષ્ટ્રપતિ સમક્ષ ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

ત્યાર બાદ તા. 7 જૂને એનડીએ ગઠબંધનની બેઠકમાં કોને કયું પદ સોંપવામાં આવશે તે નક્કી થશે. મોટા ભાગે તા. 8 જૂને નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લે તેવી સંભાવના છે. આજે બપોરે 2 વાગ્યે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ પીએમ આવાસ પર એનડીએની મિટિંગ મળી હતી, જેમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ ઉપરાંત જેડીયુના નીતિશ કુમાર, ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ સહિતના એનડીએ ગઠબંધનના મોટા નેતાઓ સામેલ થયા હતા.

મિટિંગ બાદ એનડીએ સરકાર બનાવશે તે સ્પષ્ટ થયું હતું. મોડી સાંજે એનડીએ રાષ્ટ્રપતિને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરે તેવી શક્યતા છે.

આજે શું-શું થયું?

  • બપોરે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું
  • પ્રધાનમંત્રીના સરકારી આવાસ પર એનડીએની બેઠક મળી
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 17મી લોકસભા ભંગ કરી.
  • એનડીએનો રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવાનો દાવો

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના NDAએ બહુમતી મેળવ્યા બાદ સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી હતી. ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવારોએ દેશમાં 240 લોકસભા બેઠકો જીતી હતી. પરંતુ પાર્ટી બહુમતીના 272 બેઠકના આંકડા સુધી પહોંચી શકી ન હતી. આમ છતા સાથી પાર્ટીઓના સમર્થનથી એનડીએ (NDA) સંયુક્ત રીતે 292 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયું હતું.

નરેન્દ્ર મોદી આજે બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. જ્યાં તેમણે મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું હતું. નરેન્દ્ર મોદીનું રાજીનામું સ્વીકારીને રાષ્ટ્રપતિએ તેમને અને મંત્રી પરિષદને વિનંતી કરી હતી કે જ્યાં સુધી નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી તેઓ આ પદે પોતાની સેવાઓ ચાલુ રાખે.

લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહ્યુ છે. ત્યારે નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. તેમજ આ અંગેની તૈયારીઓ પર મંથન તેજ થયું છે. આ સાથે જ નવી કેબિનેટમાં ચહેરાઓને લઈને સાથી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર પણ તેજ બન્યો છે. તેમજ બે-ત્રણ દિવસમાં નામો ફાઇનલ થાય તેવી શકયતા છે.

વડાપ્રધાન મોદી 8 જૂને ત્રીજી વાર વડાપ્રધાન પદની શપથ લઈ શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર 7 જૂને સંસદીય દળની બેઠક થશે અને નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ તેના બીજા દિવસે એટલે કે 8 જૂને થઈ શકે છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. કારણ કે વર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે.

NDAની બેઠક માટે દિલ્હી પહોંચ્યા નીતીશ, કહ્યું- હવે સરકાર તો બનશે જ
દિલ્હી પહોંચ્યા બાદ મીડિયાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવને સરકાર રચવા અંગે પૂછ્યું હતું ત્યારે મીડિયાને જવાબ આપતા નીતિશે કહ્યું હતું કે ‘સરકાર તો બનશે જ.’ બીજી બાજુ દિલ્હી પહોંચીને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે બધા I.N.D.I.A.ની બેઠકમાં ભાગ લેવા આવ્યા છીએ. તેમણે કહ્યું કે આ બેઠક સાંજે 6 વાગ્યે યોજાવાની છે. માટે ધૈર્ય રાખો.

Most Popular

To Top