અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને અમેરિકા સંબંધો અંગે નિવેદન આપ્યું હતું. ટ્રમ્પના નિવેદન બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ પોતાના નિવેદનમાં ટ્રમ્પની પ્રશંસા કરી અને જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ સકારાત્મક અને મજબૂત છે.
ટ્રમ્પનું નિવેદન
તાજેતરમાં ટ્રમ્પે કહ્યું હતું કે “અમે ભારત સામે ચીનમાં હારી ગયા છીએ.” જોકે તરત જ તેમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સારા મિત્ર છે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહેશે. ટ્રમ્પના અચાનક બદલાયેલા સૂરે ચર્ચા પકડી છે. એકાએક ભારત અને મોદી માટે ટ્રમ્પની પોઝિટિવ કોમેન્ટે દુનિયાને અચરજમાં મુકી દીધી છે, તો બીજી તરફ ટ્રમ્પની પોઝિટિવ કોમેન્ટનો ભારતે પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે.
PM મોદીની પ્રતિક્રિયા
ટ્રમ્પના આપેલા આ નિવેદન પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે, જેમાં તેમણે લખ્યું કે “હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓ અને અમારા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની ખૂબ પ્રશંસા કરું છું અને તેનું સંપૂર્ણ સમર્થન કરું છું.”

મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે. આ ભાગીદારી ફક્ત વેપાર અને આર્થિક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી પરંતુ સુરક્ષા, ટેકનોલોજી, સ્વચ્છ ઊર્જા અને વૈશ્વિક પડકારો સામે લડવા સુધી વિસ્તરે છે.
પીએમ મોદીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત અને અમેરિકાના સંબંધોમાં કોઈ તિરાડ નથી. બંને દેશો પરસ્પર સહકારથી આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. વિશેષ કરીને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ભારત માટે અમેરિકા એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને અમેરિકા માટે ભારત એક વિશ્વસનીય મિત્ર છે.
ટ્રમ્પ અને મોદીના આ નિવેદનોથી બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થવાની આશા છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે કોઈ મતભેદ નથી એ પણ સાબિત થયું છે.