ચૂંટણીના વર્ષમાં મોદી સરકારનું સાવચેતી સાથેના બજેટમાં મોંઘવારી ઘટાડવા માટેની યોજના નથી

ભવિષ્યમાં દેશને પ્રગતિના પંથે લઈ જવામાં આવશે તેવી હૈયાધારણ સાથે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં મંગળવારે ચોથી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં નોકરી, ઘર, ખેડૂતો, સંરક્ષણ, વ્યાપાર તેમજ ક્રિપ્ટો કરન્સી સહિતના અનેક મુદ્દે મોટા એલાન કરવામાં આવ્યા છે. બજેટ કેવું છે અને તેનાથી કોને કેટલો ફાયદો થશે તે મુદ્દે નિષ્ણાંતો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ સરવાળે મોટાભાગે એવું થયું છે કે બજેટમાં રજૂ થયેલા મુદ્દા અને બાદમાં આવેલા જાહેરનામાં અનેક વિસગંતતાઓ હોય. બજેટને સારૂં કહીને બિરદાવનારા પાછળથી પસ્તાયા છે, તો સામે બજેટને વખોડનારાએ તેને સારૂં કહેવું પડ્યું છે. આ વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટથી મધ્યમવર્ગને ભારે નિરાશા જ સાંપડી છે પરંતુ કેટલાક ઉદ્યોગોને ફાયદાકારક જાહેરાતો થઈ છે.

બજેટમાં ઈન્કમટેક્ષના મામલે કોઈ જ નવી છૂટછાટ આપવામાં આવી નથી. જેને કારણે મધ્યમવર્ગના મનમાં કચવાટ છે. બજેટમાં અનેક રાહતો આવશે તેવી મધ્યમવર્ગને આશાઓ હતી પરંતુ તે આશા ઠગારી નિવડી છે. ઉપરથી ક્રિપ્ટો કરન્સીમાં 30 ટકા ટેક્સની જાહેરાત કરીને ક્રિપ્ટો કરન્સીનો ધંધો કરવા માટે વિચારતા વ્યક્તિને અસમંજસમાં મુકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ચ્યુઅલ કરન્સી પર એક ટકો ટીડીએસ પણ લગાડવામાં આવ્યો છે. મધ્યમવર્ગને બજેટમાં કોઈ ખાસ ફાયદો થયો નથી ત્યાં કોર્પોરેટ સેકટરને નાણામંત્રીએ ફાયદો કરાવી આપ્યો છે. કોર્પોરેટ ટેક્સને 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. બીજી તરફ સરચાર્જને 12 ટકા ઘટાડીને 7 ટકાનો કરવાની દરખાસ્ત કરાઈ છે. નાણામંત્રીની જાહેરાતથી કપડા અને ચામડાનો સામાનની સાથે સાથે મોબાઈલ ચાર્જર, ખેતીનો સામાન, પોલીશ્ડ હીરા સસ્તા થશે. સરકાર આ વર્ષે જ 5જી સેવા શરૂ કરશે. ગામડાઓને મોબાઈલથી કનેક્ટ કરવામાં આવશે.

નાણામંત્રીએ એક ફાયદો એ કરી આપ્યો છે કે જે કરદાતાને એમ લાગશે કે મેં ભરેલું આઈટી રિટર્નમાં ભૂલ છે તો બે વર્ષ સુધીમાં તે ગમે ત્યારે ટેક્સ ચૂકવીને રિટર્ન સુધારી શકશે. જોકે, 80 સી ટેક્સ સ્લેબમાં નાણામંત્રીએ કોઈ જ રાહત આપી નથી. બજેટમાં મહત્વની એ જાહેરાત કરવામાં આવી છે કે સેઝની જગ્યાએ હવે તેના માટે નવો કાનૂન આવશે. બજેટમાં 5 વર્ષમાં 60 લાખ નોકરી, 1 વર્ષમાં 80 લાખ આવાસ, ખેડૂતો માટે એમએસપી મુદ્દે 2.37 લાખ કરોડની ફાળવણી કરવાની સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ એનપીએસમાં 14 ટકાનો ફાળો આપી શકશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. આમ જોવામાં આવે તો ઓવરઓલ બજેટ એક ચૂંટણીના વર્ષમાં સરકારે સાવચેતી રાખીને રજૂ કરેલું બજેટ છે. આ બજેટમાં સરકારે કોઈને મોટા ડોઝ આપ્યા નથી તો સામે કોઈને મોટો ફાયદો કરાવ્યો નથી. બજેટમાં રહેઠાણ, પાયાની સવલતો, નાના ઔદ્યોગિક એકમોને વિકસાવવા માટેની જોગવાઈ કરી લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરાયો છે. તો સાથે સાથે જૂના કેસ ફરી ખોલવાની નોટિસ રદ્દ કરીને કરદાતાઓને બચાવ્યા છે.

કોંગ્રેસ દ્વારા આ બજેટને ધનિકોના બજેટ તરીકે ગણાવવામાં આવ્યું છે. બજેટમાં ધનિકો વધુ ધનિક બને તેવી જોગવાઈઓ છે. જ્યારે ગરીબો માટે આયોજનો નથી. ખેડૂત આગેવાનો દ્વારા એવા આક્ષેપો કરાયા છે કે ખેડૂતો દ્વારા આંદોલનો કરવામાં આવ્યા હોવાથી ખેડૂતોને બજેટમાં ખાસ ફાળવણી કરવામાં આવી નથી. હાલમાં નાગરિકોની સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો તે મોંઘવારીની છે પરંતુ બજેટમાં મોંઘવારીને નાથવા માટે કોઈ એવા મજબુત અને આક્રમક પગલાઓ લેવામાં આવ્યા નથી. ઉપરથી 6.4 ટકાની નાણાકીય ખાદ્યને કારણે મોંઘવારી વકરે તો નવાઈ નહીં હોય.

Most Popular

To Top