નવી દિલ્હી: કેન્દ્ર સરકારે(Central Government) 5G સ્પેક્ટ્રમ(Spectrum)ને મંજુરી આપી દીધી છે. જેથી હવે તમારા મોબાઈલ(Mobile)માં ઈન્ટરનેટની સ્પીડ(Internet Speed) 10 ગણી વધી જશે. ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પ્રસ્તાવ પ્રમાણે, 72 ગીગા હર્ટ્સના સ્પેક્ટ્રમની આગામી 20 વર્ષ માટે હરાજી કરવામાં આવશે. હરાજીમાં સફળ રહેનારી કંપની એના દ્વારા 5G સર્વિસ આપી શકશે. એની સ્પીડ હાલની 4G સર્વિસ કરતાં 10 ગણી વધારે હશે.
5G સર્વિસ દિવાળી સુધી શરુ થવાની શક્યતા
દેશમાં 5G સર્વિસ દિવાળી સુધી શરુ થવાની શક્યતાઓ છે. પરંતુ આ મામલે હજુ કોઈ ચોક્કસ તારીખ કે સમય નક્કી થયો નથી. સામાન્ય રીતે સરકારનાં નિયમો મુજબ જે કંપની સ્પેક્ટ્રમને ખરીદશે તેને આ સર્વિસ 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીમાં આપવાની રહેશે. દેશમાં 5G સર્વિસ શરુ થતા લોકોને મોટો ફાયદો થશે.
જુલાઈના અંતમાં હરાજીની પ્રક્રિયા શરૂ થશે
દેશની ટેલિકોમ કંપનીઓ લાંબા સમયથી 5G સ્પેક્ટ્રમની હરાજી માટે રાહ જોઈ રહી છે. જો કે તેની જાહેરાત થતા દેશમાં નવી ટેલિકોમ ક્રાંતિ શરૂ થઈ ગઈ છે. 20 વર્ષની વેલીડીટી સાથે કુલ 72097.85 MHz સ્પેક્ટ્રમની હરાજી કરી દેવાશે. જુલાઈના અંત સુધીમાં હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સ્પેક્ટ્રમની હરાજી નીચામાં (600 MHz, 700 MHz, 800 MHz), મીડિયમમાં (3300 MHz) અને હાઈમાં (26 MHz) ફ્રિકવન્સી બેન્ડ માટે કરાશે.
5G શરુ થતા લોકોને થશે આ ફાયદો
5G ઈન્ટરનેટ સેવાના શરૂ થતાં જ ભારતમાં સામાન્ય લોકોને મોટો ફાયદો થશે. 5G શરુ મોટા પરિવર્તનો આવશે. લોકોના કામમાં સરળતાની સાથે મનોરંજનક્ષેત્રે પણ ઘણાં પરિવર્તનો આવશે.
- 4G કરતા ઈન્ટનેટ સ્પીડમાં થશે 10 ગણો વધારો, યુઝર્સની ઈન્ટરનેટની સ્પીડ વધશે.
- મૂવી 20થી 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે
- વીડિયો તેમજ ગેમિંગક્ષેત્રે આવશે મોટા પરિવર્તન
- યુટ્યૂબ પર વીડિયો અટક્યા વગર જોઈ શકાશે
- વ્હોટ્સએપ કોલમાં કોઈપણ એરર વગર અવાજ સંભળાશે.
- મેટ્રો અને ડ્રાઈવર વગર ચાલતી ટ્રેનને ઓપરેટ કરવામાં સરળતા
- વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીમાં રોબોટનો યુઝ સરળ બનશે
- ખેતીક્ષેત્રે ખેતરોની દેખરેખમાં ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે.
- 5Gથી એકથી વધુ કોમ્પ્યુટર સિસ્ટમને કનેક્ટ કરવામાં સરળતા રહેશે.
20Gbps સુધી ડેટા ડાઉનલોડ સુધીની સ્પીડ મળી શકશે
5G નેટવર્કમાં 20 Gbps સુધી ડેટા ડાઉનલોડ સુધીની સ્પીડ મળી શકે છે. ભારતમાં 5જી નેટવર્કના ટેસ્ટિંગ દરમિયાન ડેટા ડાઉનલોડની મહત્તમ સ્પીડ 3.7 Gbps સુધી પહોંચી ગઈ છે. ત્રણેય કંપનીઓ એરટેલ, વોડાફોન આઈડિયા અને જીઓએ 5G નેટવર્ક ટ્રાયલમાં 3Gbps સુધીના ડેટા ડાઉનલોડનો સ્પીડ ટેસ્ટ કર્યો છે.
દેશના આ શહેરમાં સૌથી પહેલા લોન્ચ થશે 5G ઈન્ટરનેટ
દેશમાં 5G ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે ત્રણ મોટી પ્રાઈવેટ ટેલિકોમ કંપની ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયા કામ કરે છે. આ ત્રણેય કંપનીએ મોબાઈલ એસેસરીઝ બનાવતી કંપની એરિક્સન અને નોકિયા સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું છે. દેશના 13 શહેરો ચંદીગઢ, અમદાવાદ, જામનગર, ગાંધીનગર, મુંબઈ-પુણે, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, લખનઉ, કોલકાતા,હૈદરાબાદને સૌ પ્રથમ 5G સર્વિસ મળશે. ગુજરાતનાં ૩ શહેરનો પણ સમાવેશ કરાયો છે.