Editorial

મોદી-3 સરકારની પ્રથમ મોટી પીછેહટ: સીધી નિમણૂકોની યોજના પડતી મૂકવી પડી

મોદી-૩ સરકાર રચાઇ તેના પછી તેણે પ્રથમ મોટી પીછેહટ કરવી પડી છે અને તેણે કેન્દ્રીય મંત્રાલયોમાં કેટલાક ઉચ્ચ હોદ્દાઓ પર  ખાનગી ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાંથી નિષ્ણાતોની સીધી નિમણૂક કરવાની જે યોજના બનાવી હતી તે હાલ તો પડતી મૂકવી પડી છે  કારણ કે આ સીધી નિમણૂકોમાં અનામતની જોગવાઇનો ભંગ થતો હોવાના આક્ષેપો સાથે ભારે ઉહાપોહ મચ્યો હતો અને દેખીતી રીતે  મોદી સરકારને અનામતના લાભાર્થી વર્ગોમાં પોતાની છાપ બગડવાનો અને રાજકીય રીતે નુકસાન થવાનો ભય લાગ્યો હતો. ૉ

વિવિધ  કેન્દ્રીય મંત્રાલયોમાં સંયુક્ત સચિવ અને ડિરેકટર જેવા ૪૫ ઉચ્ચ હોદ્દાઓ પર સનદી અધિકારીઓને બદલે વિવિધ ક્ષેત્રોના  નિષ્ણાતોની સીધી નિમણૂકો કરવા માટેની જાહેરાત યુપીએસસીએ બહાર પાડી હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે. આ સીધી  નિમણૂકોમાં અનામતની જોગવાઇનો ભંગ થતો હોવાના આક્ષેપો સાથે ભારે રાજકીય વિવાદ થતા કેન્દ્ર સરકારે આ સીધી ભરતીનો  કાર્યક્રમ પડતો મૂક્યો છે. સામાન્ય રીતે આવા હોદ્દાઓ પર આઇએએસ, આઇએફએસ જેવા સનદી અધિકારીઓની નિમણૂકો થતી હોય  છે પરંતુ ખાનગી ક્ષેત્રની નિપૂણ વ્યક્તિઓને આ હોદ્દાઓ પર લાવવા માટે મોદી સરકારે આ સીધી ભરતીની યોજના અમલમાં મૂકી  હતી પણ તે હવે પાછી ખેંચી લેવી પડી છે.

ભારે રાજકીય વિવાદ ઉભો થતા કેન્દ્રીય પર્સોનેલ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી જિતેન્દ્ર સિંહે યુનિયન પબ્લિક સર્વિસ  કમિશન(યુપીએસસી)ને પત્ર લખીને આ જાહેરાત રદ કરવા સૂચના આપી હતી તેના પછી યુપીએસસીએ  સીધી નિમણૂકો માટેની આ જાહેરાત પાછી ખેંચી લીધી હતી. કેન્દ્ર સરકારના વિભાગોમાં ભરતી માટેનું કાર્ય સંભાળતા આ પંચે ૧૭મી  ઓગસ્ટના રોજ એક જાહેરાત બહાર પાડી હતી કે વિવિધ મંત્રાલયોમાં કુલ ૪૫ હોદ્દાઓ – જેમાંથી ૧૦ સંયુક્ત સચિવના છે અને  બાકીના ૩૫ ડિરેકટરો અથવા નાયબ સચિવોના છે – તેમના પર ખાનગી ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાંથી સ્પેશ્યાલિસ્ટોની સીધી નિમણૂકો  કોન્ટ્રાક્ટ બેઝ પર કરવાની છે. કોંગ્રેસ, સપા, બસપા જેવા અનેક પક્ષોએ દાવો  કર્યો હતો કે આનાથી એસસી, એસટી અને ઓબીસી વર્ગોના અનામતના અધિકાર પર તરાપ પડે છે. લોકસભાના વિપક્ષના નેતા  રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર દલિતો, આદિવાસીઓ, અન્ય પછાત વર્ગોનો અધિકાર ઝૂંટવી રહી છે.

આ ભારે ઉહાપોહને કારણે  દેખીતી રીતે સરકારને અનામતના લાભાર્થી વર્ગમાંના પોતાના ટેકેદારો ગુમાવવાનો ભય લાગ્યો હતો. ચુસ્ત દલીતવાદી એવા  એલજેપી પક્ષ દ્વારા સરકારને ટેકો પાછો ખેંચી લેવાય તેવો પણ ભય તેને લાગ્યો હશે. વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોતાના  વિચારધારાકીય સાથીદારોને ઉચ્ચ હોદ્દાઓ પર બેસાડવા માટે સરકાર સીધી ભરતીનું આ કાવતરું કર્યું છે. કેન્દ્રીય મંત્રી અને  ભાજપના સાથીપક્ષ એલજેપીના વડા ચિરાગ પાસવાને પણ વિરોધનો સૂર કાઢતા કહ્યું હતું કે અનામતનો અમલ કરવામાં ચૂક થવી  જોઇએ નહીં અને આ સીધી નિમણૂકોની બાબત એક મોટી ચિંતાનો વિષય છે.

ચિરાગ પાસવાનનો વિરોધનો સૂર ઘણો ઉગ્ર હતો અને  તેમણે કહ્યું હતું કે અનામતના અમલ બાબતમાં કોઇ પણ બહાનાબાજી ચલાવી લેવાય નહીં.  જો એલજેપી વધુ ઉગ્ર બનીને ટેકો પાછો  ખેંચી લે અને તેને પગલે નીતિશ કુમારનો જેડી(યુ) અને ચદ્રાબાબુ નાયડુનો ટીડીપી પક્ષ પણ જો ટેકો ખેંચી લે તો સરકારનું અસ્તિત્વ  જોખમમાં આવી જાય એ તત્કાળ ભય પણ હતો. આ ભારે રાજકીય વિરોધ બાદ કેન્દ્ર સરકારે આ યોજના પડતી મૂકી છે. સત્તાવાર  સૂત્રોએ જણાવ્યું હતું કે આ જાહેરાત રદ કરવાનો નિર્ણય વડાપ્રધાનના કાર્યાલય (પીએમઓ) દ્વારા લેવાયો છે અને હવે સીધી  ભરતીની આ યોજનાને અનામતની જોગવાઇ સાથે લાગુ પાડવા માટે સરકાર વિચારણા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એનડીએની સરકાર ત્રીજી વખત કેન્દ્રમાં રચાઇ છે. જો કે આ વખતે પરિસ્થિતિ જુદી છે.  અગાઉની બે સરકારોમાં ભાજપને એકલાને સ્પષ્ટ બહુમતિ હતી અને તેને એનડીએના સાથી પક્ષોના ટેકાનો બહુ ખપ ન હતો . પણ  આ વખતે ભાજપને ચોખ્ખી બહુમતિ મળી નથી અને તેથી તેણે એનડીએના સાથી પક્ષો પર સરકાર ટકાવવા માટે આધાર રાખવાનો  છે અને હજી તો માંડ સરકારની શરૂઆત થઇ છે ત્યારે આ ટેકો ગુમાવવાનો તેને પાલવે તેમ નથી.

જેડી(યુ), ટીડીપી જેવા મોટા પક્ષો   ઉપરાંત એલજેપી સહિતના અનેક નાના પક્ષોના ટેકે આ સરકાર ચાલી રહી છે. એલજેપીના ચિરાગ પાસવાનના ઉગ્ર સૂર પછી  સરકાર દેખીતી રીતે સાવધ થઇ ગઇ અને તેણે આ યોજના બાબતે બહુ આગ્રહ રાખવાનું યોગ્ય સમજ્યું નહીં. અગાઉ આ રીતે  કેટલાક હોદ્દાઓ પર સીધી ભરતી થઇ છે પણ આ વખતે સંજોગો જુદા હતા. આ પહેલા વકફ કાયદાના મુદ્દે સરકારે થોડી બાંધછોડ  કરવી પડી છે અને તે ખરડો જેપીસીને વિચારણા માટે સોંપવો પડ્યો છે પણ આ સીધી ભરતી યોજના હાલ તો આખેઆખી પડતી  મૂકવી પડી છે અને તે મોદી-૩ સરકારની પ્રથમ મોટી પીછેહટ છે.

Most Popular

To Top