નવી દિલ્હી: ભારત (INDIA)માં મોડર્ના રસી (MODERNA VACCINE)ને આવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. સિપ્લાને મોડર્ના રસીની આયાત કરવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી મળી છે. મંગળવારે સરકારે આ અંગે જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત પ્રથમ રસી મોડેર્નાને ‘ન્યુ ડ્રગ પરમિશન’ આપવામાં આવી છે. આ મંજૂરી મર્યાદિત ઉપયોગ માટે છે.
આ સાથે દેશમાં હવે ચાર રસી છે. જેમાં કોવાક્સિન, કોવિશિલ્ડ, સ્પુટનિક-વી અને મોડર્ના શામેલ છે. નીતી આયોગના સભ્ય વી કે પૌલે આ માહિતી આપી હતી. અગાઉ એક સ્ત્રોતે કહ્યું હતું કે, ‘ડીસીજીઆઈએ ડ્રગ્સ અને કોસ્મેટિક્સ અધિનિયમ, 1940 હેઠળ નવી ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ રૂલ્સ, 2019ની જોગવાઈ મુજબ, દેશમાં મર્યાદિત ઇમરજન્સી ઉપયોગ માટે મોડર્નાની કોરોના રસીને આયાત કરવાની સિપ્લાને મંજૂરી આપી છે. આ સાથે તેમણે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન (CDSKO)ની મંજૂરી માંગી છે. ત્યારે ભારતીય મલ્ટિનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ અમેરિકન ફાર્મા કંપની વતી આ રસીના આયાત અને માર્કેટિંગ માટેની પરવાનગી માંગી છે.
સીડીએસસીઓ સિપ્લાને ભારતમાં મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા કટોકટી ઉપયોગ માટે મોડર્નાની રસી આયાત કરવાની મંજૂરી આપવાની તરફેણમાં હતી. સિપ્લાએ સોમવારે મોડર્ના રસીની આયાત કરવાની મંજૂરી માંગતી અરજી રજૂ કરી હતી. તેમણે 15 એપ્રિલ અને 1 જૂનની ડીસીજીઆઈ નોટિસનો સંદર્ભ આપ્યો હતો. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જો યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા ઇમરજન્સી યુઝ રાઇટ્સ (EUA) માટે રસીને મંજૂરી આપવામાં આવે તો ‘બ્રિજિંગ ટ્રાયલ’ વિના રસીનું માર્કેટિંગ કરી શકાય છે. આ ઉપરાંત, દરેક માલને કસૈલીની સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી (CDL) દ્વારા પરીક્ષણ કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ આપી શકાય છે.
પૌલે એમ પણ જણાવ્યું હતું કે, આ ચાર રસી (કોવાક્સિન, કોવિશિલ્ડ, સ્પુટનિક-વી અને મોડર્ના) સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે પણ સંપૂર્ણપણે સલામત છે. તેમજ રસીનો વંધ્યત્વ સાથે કોઈ સંબંધ નથી.