સુરત: વરાછા બરોડા પ્રિસ્ટેજ એન્ટરપ્રાઈઝ બેસ્ટ મોબાઈલ રિચાર્જ (Mobile Recharge) નામની એપ્લિકેશન (Application) બનાવી ગુગલ પ્લે સ્ટોરમાં મોબાઈલ રિચાર્જ કરાવી આપવાની વોટ્સએપ, ફેસબુક લોભામણી જાહેરાતો કરી સંખ્યાબંધ લોકો પાસેથી 10.19 લાખ વસૂલી છેતરપિંડી (Fraud) કરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સાયબર ક્રાઈમ (Cybercrime) પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પોતેજ અગાઉ આવી એપમાં છેતરાઇ ચૂકયો હતો ત્યારે આ એપમાં છેતરાતા તેને લોકોને છેતરવા માટેનો વિચાર આવ્યો હતો અને તેને અમલમાં મૂકયો હતો. દરમિયાન લોકોની છેતરપિંડીની આ નધણિયાત કમાણી મનીષ પટેલ નામનો આરોપી સાચવી શકયો ન હોવાની વિગત જાણવા મળી છે. તે મોટા ભાગની રકમ શેર બજારમાં હારી ગયો હોવાની વિગત આરોપીએ પોલીસને જણાવી હતી.
ફેસબુક અને ઈસ્ટાગ્રામ ઉપર લોભામણી જાહેરાત મુકી
સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે રહેતા 24 વર્ષીય કાર્તિક ગોરધન વરીયા રત્નકલાકાર છે. તેમને ગઈકાલે મનીષ શીરીષ પટેલ (રહે,ભરત નિવાસ બરોડા પ્રિસ્ટેજ વરાછા) સામે ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મનીષે પાખી એન્ટરપ્રાઈઝ બેસ્ટ મોબાઈલ રિચાર્જ નામની એપ્લિકેશન બનાવી હતી. અને એપ્લિકેશનને ગુગલ પ્લે સ્ટોરમાં હોસ્ટ કરાવી 12 મહિનાનું મોબાઈલ રીચાર્જ રૂપિયા 1249 અને 1499 માં કરી આપવાની વોટ્સએપ, ફેસબુક અને ઈસ્ટાગ્રામ ઉપર લોભામણી જાહેરાત મુકી હતી.
2.65 લાખનું રિચાર્જ નહી કરાવી છેતરપિંડી કરી હતી
જે જાહેરાત જોઈને કાર્તિક વરીયાએ તેના સગાસંબંધી તથા મિત્રો મળી કુલ 251 લોકોનું પોતાની આઈડીમાંથી રિચાર્જ કરાવ્યું હતું. જે પેટે રૂપિયા 3.36 લાખ ચુકવ્યા હતા. જેમાંથી આરોપી મનીષે રૂપિયા 71 હજારનું રિચાર્જ કરી આપ્યું હતું. બાકીના 2.65 લાખનું રિચાર્જ નહી કરાવી છેતરપિંડી કરી હતી. આ સિવાય આરોપીએ જતીનકુમાર શાંતીલાલ લાડ (રહે,જય અંબે રેસીડેન્સી લેખડીયા શેરી સૈયદપુરા) સાથે 7.53 લાખની અને હાર્દિક કિશોરકુમાર વાઘેલા સાથે 97 હજારની મળી કુલ 10.19 લાખની છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી આરોપી મનીષભાઇ શીરીષચંદ્ર પટેલની ધરપકડ કરી હતી.