Columns

મોબાઈલ મહિલાઓ માટે સૌથી મોટું હથિયાર

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને DTC બસો અને ક્લસ્ટર બસોમાં વહેલી તકે પેનિક બટનો અને ટ્રેકિંગ ઉપકરણો લગાડવા નિર્દેશ આપ્યો છે. સમાચાર વાંચીને અમને લાગ્યું કે સરકાર દિલ્હીમાં આ સુવિધાઓ આપશે પરંતુ અન્ય સ્થળોનું શું? ખાસ કરીને મહિલાઓ માટે ઘણી વખત પરિવારના સભ્યો સાથે પોતે હાલ ક્યા સ્થળે છે એ શેર કરવું જરૂરી બની જાય છે. ઉપરાંત મુશ્કેલી આવે તો બીજાને કેવી રીતે જણાવવું? આ માટે તમારો સ્માર્ટફોન કામમાં આવશે. લોકેશન પણ શેર થશે, સાથે સાયરન પણ વાગશે.

સૌથી પહેલા ગૂગલ મેપ્સ : જો તમે ભારતમાં હોવ તો તમારે ગૂગલ મેપનો ઉપયોગ કરવો જ જોઈએ. તમને રસ્તા પરના ટ્રાફિક વિશેની માહિતી મળે છે. એપનું લોકેશન શેરિંગ ફીચર પણ અદભુત છે. તમારે મેપ ખોલવો પડશે અને તમારી પ્રોફાઇલ પર ક્લિક કરવું પડશે. લોકેશન શેરિંગનો વિકલ્પ દેખાશે. તમારું સ્થાન રીઅલ ટાઇમમાં શેર કરવામાં આવશે. કેટલા સમય સુધી શેર કરવું, એ પણ અહીંથી નક્કી કરી શકો છો. ભલે થોડા કલાકો માટે પણ કરી શકાશે. જો તેમનું Gmail ID તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં ઉમેરાયેલ હોય, તો તેને અહીંથી સીધું શેર કરો. નહિતર, તમે સંદેશ અથવા ટેલિગ્રામ, વોટ્સએપ જેવા અન્ય માધ્યમ દ્વારા કોપી કરીને શેર કરી શકો છો. તમારા લોકેશનની સાથે તમારા મોબાઈલમાં કેટલી બેટરી છે, તે પણ સામેની વ્યક્તિ સાથે શેર કરવામાં આવશે.

બીજું હાથવગું છે વોટ્સએપ લોકેશન શેર : વોટ્સએપનો કેટલો ઉપયોગ થઈ રહ્યો છે તે કહેવાની કદાચ જરૂર નથી.
તે લોકેશન શેરિંગ માટે પણ એક સરસ એપ છે. લાઇવ લોકેશન શેર કરવા માટે, તમારે ફક્ત ચેટ સ્ક્રીન પર પ્લસ સાઇન પર ટેપ કરવાનું છે. લાઇવ લોકેશનનો વિકલ્પ દેખાશે. તમે ટેલિગ્રામ જેવી અન્ય સોશ્યલ મીડિયા એપ્સ સાથે પણ આવું કરી શકો છો.

આ ઉપરાંત કેબ અથવા ટેક્સી એપ્લિકેશન : જો તમે ગૂગલ મેપ કે વોટ્સએપ બંનેનો ઉપયોગ કરતા નથી પરંતુ કેબ અથવા શેર કરેલી ટેક્સીઓની એપનો ઉપયોગ કરો છો. તમે જે એપમાંથી કેબ બુક કરો છો તેમાં હંમેશાં રાઈડ શેરિંગનો વિકલ્પ હોય છે. ઓફિસના મિત્રોથી લઈને પરિવારના સભ્યો સુધી, તમે તમારા રીઅલ ટાઇમ લોકેશન અને રૂટની માહિતી દરેક સાથે શેર કરી શકો છો. આ એપ્સની અંદર એક પેનિક બટન પણ છે. કોઈ પણ મુશ્કેલીના કિસ્સામાં તમારા પરિવારને કે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી શકાય છે.

Truecaller વાપરતાં હોવ તો તેમાં પણ આ ફીચર્સ છે : Truecallerની એપ તેના નામથી જ ઘણું બધું કહી જાય છે. આ એપમાં તમને બાળકોથી લઈને મહિલાઓ માટે જરૂરી ઘણી સુવિધાઓ મળશે. લોકેશન શેરિંગથી લઈને ઈમરજન્સી એલર્ટ સુધી. આ એપની મદદથી લોકેશન ટ્રેકિંગ અને હેલ્પ મેસેજ પણ મોકલી શકાય છે. આ સિવાય સરકાર દ્વારા ઘણી એપ્સ અને ઈમરજન્સી નંબર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આપણે ત્યાં 112 ઈમરજન્સી નંબર છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારોએ પણ તેમના સ્તરે સ્થાનિક હેલ્પલાઇન નંબર અને એપ્સ બનાવી છે. તમે તમારા વિસ્તારના મહિલા પોલીસ સ્ટેશનનો નંબર પણ સ્પીડ ડાયલમાં સેવ કરી શકો છો. ઈમરજન્સી સાયરન કે SOS : આ બંને દરેક મોબાઈલના નેટીવ ફીચર છે. જો તમે iPhone વાપરો છે, તો તમે સાઇડ બટન અથવા વોલ્યુમ બટન દબાવીને આ કરી શકો છો. એન્ડ્રોઇડ ફોનમાં ત્રણ કે પાંચ વખત પાવર બટન દબાવીને આ કરી શકાય છે. એટલું જ નહીં, તમે મોબાઈલ સેટિંગ્સમાં જઈને ઈમરજન્સી ફીચર કેવી રીતે કામ કરવું જોઈએ તે પણ નક્કી કરી શકો છો.

Most Popular

To Top