નવી દિલ્હી: મિથુનના (Mithun Chakraborty) ફેન્સ માટે 10 ફેબ્રુઆરી 2024ના દિવસે એક દુ:ખદ સમાચાર આવ્યા હતા. આ દિવસે દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાં દાખલ (Hospitalized) કરવામાં આવ્યા હતા. ત્યારે પરિવારની સાથે અભિનેતાના ચાહકો પણ અચંબિત થઇ ગયા હતા. અભિનેતા છેલ્લે ફિલ્મ ‘કાબુલીવાલા’માં (Kabuliwala) જોવા મળ્યા હતા.
જ્યારે મિથુનને દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે શરૂઆતમાં પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મિથુનને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં જ્યારે હોસ્પિટલ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે મિથુનને બ્રેઈન સ્ટ્રોક (ઈસ્કેમિક સેરેબ્રોવેસ્ક્યુલર એક્સિડેન્ટ) થયો હતો. જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેમજ મિથુનને બે દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હવે મિથુન ધીમે ધીમે આ સમસ્યામાંથી રિકવર થઇ રહ્યા છે. તેમજ તેઓ પુત્ર મિમોહ ચક્રવર્તી અને પુત્રવધૂ મદાલસા શર્મા સાથે વેકેશન માણવા નીકળ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જે ફ્લાઈટની અંદર ક્લીક કરવામાં આવ્યો છે. જેમાં મિથુન માસ્ક પહેરીને બેઠેલા જોવા મળે છે. આ તસવીર તેમના પુત્ર મિમોહે ક્લિક કરી છે. પરંતુ મિથુન વેકેશન પર ક્યાં જઈ રહ્યા છે તેની માહિતી આપવામાં આવી નથી.
મદાલસાએ ફોટો શેર કર્યો
આ ફોટો ‘અનુપમા’ ફેમ મદાલસા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે તેણે ફ્લાઈટ ઈમોજી બનાવીને બે હેશટેગ આપ્યા છે.
મિથુનનું શું થયું?
મિથુન ચક્રવર્તીને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ છાતીમાં દુખાવો અને ગભરાટની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે કે- 73 વર્ષીય નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા મિથુન ચક્રવર્તીને ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. સવારે લગભગ 9:40 વાગ્યે મિથુને ફેફસાંની નીચે અને જમણી બાજુમાં દુખાવાની ફરિયાદ કરી હતી. રેડિયોલોજી અને લેબોરેટરી તપાસની સાથે તેમના મગજની એમઆરઆઈ કરવામાં આવી હતી. જેમાં બ્રેઈન સ્ટ્રોકનો ખુલાસો થયો હતો. મિથુનને ઈસ્કેમિક સેરેબ્રોવેસ્ક્યુલર એક્સિડેન્ટ (સ્ટ્રોક) થયો હતો.