Sports

“મારી રન બનાવવાની ભૂખ હજુ પણ એવી જ છે”: મિતાલી રાજ

વાર્સેસ્ટર : ત્રીજી અને અંતિમ વન ડે (One day match)માં ઇંગ્લેન્ડ (England) સામે ચાર વિકેટે મળેલી જીત (Victory)માં 89 બોલમાં 75 રનની નોટઆઉટ ઇનિંગ રમનારી મિતાલી (Mithali Raj)એ આ ઇનિંગ દરમિયાન મહિલા ક્રિકેટ (women cricket)ના તમામ ફોર્મેટમાં સર્વાધિક રન (Highest run) કરનારી ખેલાડી બની હતી. મિતાલીએ કહ્યું હતું કે મારી રન બનાવવાની ભૂખ હજુ પણ એવી જ છે જેવી 22 વર્ષ પહેલા હતી અને હું ન્યુઝીલેન્ડમાં રમાનારા આગામી વન ડે વર્લ્ડ કપ માટે મારી બેટિંગને એક નવા મુકામ પર લઇ જવાનો પ્રયાસ કરી રહી છું.

26 જૂન 1999ના દિવસે મિલ્ટન કેયેન્સમાં આયરલેન્ડ સામે પોતાની ઇન્ટરનેશનલ કેરિયર શરૂ કરનારી મિતાલીએ કહ્યું હતું કે બાબતો જે રીતે આગળ વધી છે ત્યારે આ પ્રવાસ એટલો સરળ રહ્યો નથી. તેની કેટલીક પરીક્ષાઓ અને પડકારો હતા. મારૂં માનવું છે કે પરીક્ષાઓનો કોઇ ઉદ્દેશ હોય છે. તેણે કહ્યું હતું કે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે વિવિધ કારણોસર મને લાગ્યું કે હવે બહું થયું, પણ કોઇ એવી બાબત હતી કે જેના કારણે હું રમતી રહી. હવે મને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 22 વર્ષ થઇ ગયા છે, પણ રનોની ભૂખ આજે પણ ઓછી નથી થઇ. મારી અંદર હજુ પણ એ ઝનૂન છે કે મેદાનમાં ઉતરીને ભારત માટે મેચ જીતવી છે. જ્યાં સુધી વાત મારી બેટિંગની છે તો મને લાગે છે કે તેમાં હજુ સુધારાની જરૂર છે અને તેના પર હું કામ કરી રહી છું.

મિતાલીનો રેકોર્ડ જ તેનું લેવલ દર્શાવે છે : લિસા સ્ટાલેકર
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની માજી કેપ્ટન લિસા સ્ટાલેકરે બેટિંગમાં સતત સારું પ્રદર્શન કરીને ઘણાં રેકોર્ડ પોતાના નામે કરનારી ભારતની અનુભવી ખેલાડી મિતાલી રાજની ખુલીને પ્રશંસા કરી હતી. ઇંગલેન્ડ સામેની અંતિમ વન ડેમાં ભારતીય ટીમની જીત પછી સ્ટાલેકરે કહ્યું હતું કે ખરેખર આજની સ્ટાર મિતાલી હતી, તેણે દર્શાવી દીધું કે આખરે તે કયા લેવલની ખેલાડી છે. તે લક્ષ્યાંકનો પીછો ઘણી સારી રીતે કરે છે.

મિતાલી રાજે આપબળે ઇંગ્લેન્ડ સામેની મેચ જીતાડી : રમેશ પવાર
ઇંગ્લેન્ડ સામેની અંતિમ વન ડેમાં ટીમ ઇન્ડિયાની જીત પછી ભારતીય મહિલા ટીમના હેડ કોચ રમેશ પવારે કહ્યું હતું કે બોલરોએ મેચમાં ટીમની વાપસી કરાવી પણ જીતની નાયિકા મિતાલી હતી. તેણે કહ્યું હતું કે મિતાલીએ આપબળે આ મેચ જીતાડી છે. પવારે કહ્યું હતું કે આ સીરિઝે અમને ઘણું શીખવ્યું છે. ફિલ્ડીંગ અને બોલિંગમાં સુધારો દેખાયો પણ બેટિંગમાં સુધારાની જરૂર છે. મિતાલી પ્રશંસાની હકદાર છે અને મને લાગે છે કે આ મેચ તેણે આપબળે જીતાડી છે.

Most Popular

To Top