મધ્ય પૂર્વમાં સંઘર્ષ ખુલ્લા મિસાઈલ યુદ્ધમાં બદલાયો છે. અમેરિકા અને ઈઝરાયલે શનિવારે (28 ફેબ્રુઆરી) ઈરાન સામે સંયુક્ત સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલો મુજબ આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર Ali Khamenei અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને નિશાન બનાવવાનો પ્રયાસ થયો છે, જોકે બંને સુરક્ષિત હોવાનું જણાવાયું છે. હુમલાઓમાં ઈરાનના ગુપ્તચર મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, પરમાણુ ઉર્જા સંગઠન અને પારચીન લશ્કરી સંકુલ સહિતના મહત્વના ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. શરૂઆતમાં ઈઝરાયલે આ હુમલાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અમેરિકાએ પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી.

જવાબમાં ઈરાને કતાર અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા હોવાના દાવા સામે આવ્યા છે. સાથે જ યુએઈ અને સાઉદી અરેબિયામાં છોડાયેલી કેટલીક ઈરાની મિસાઈલોને હવાઈ રક્ષણ પ્રણાલીએ નિષ્ક્રિય કરી દીધી હોવાનું જણાવાયું છે. ઈરાનની રાજધાની તેહરાન ઉપરાંત કરમાનશાહ, લોરેસ્તાન, તબ્રીઝ, ઈસ્ફહાન અને કારાજમાં વિસ્ફોટોના અહેવાલ મળ્યા છે. હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ઈઝરાયલે સંભવિત બદલો લેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોતાનું હવાઈ ક્ષેત્ર તાત્કાલિક બંધ કરી કટોકટી જાહેર કરી. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુદ્ધની શરૂઆત અમેરિકા અને ઈઝરાયલે કરી છે, પરંતુ તેનો અંત ઈરાન લાવશે. અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trump એ જણાવ્યું કે આ કાર્યવાહીનો હેતુ ઈરાનથી ઉભા થતા ખતરાને દૂર કરવાનો છે. તેમણે દાવો કર્યો કે ઈરાનની મિસાઈલ ક્ષમતા, નૌકાદળ અને મિસાઈલ ઉદ્યોગને નષ્ટ કરાશે અને ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા નહીં દેવામાં આવે. પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. જો આ અથડામણ વધુ વિકરાળ બને તો તેની અસર સમગ્ર ગલ્ફ ક્ષેત્ર અને વૈશ્વિક સુરક્ષા પર પડી શકે છે.