Editorial

મિસ. કંગના, ભારતને આઝાદી નહીં તમને પદ્મશ્રી ભીખમાં મળ્યો છે

અભિનયમાં તો કંઇ ખાસ ઉકાળ્યું નથી પરંતુ વિવાદ માટે સતત વિવાદમાં રહેતી ફિલ્મ અભિનેત્રી કંગના રણોતે ભારતની આઝાદી માટે જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ દુખદ બાબત છે. દેશનો કોઇ પણ નાગરિક આ નિવેદન સાંખી લે તેવું નથી. તેણે કહ્યું છે કે, ભારતને આઝાદી ભીખમાં મળી છે. આવું નિવેદન કરીને તેણે આઝાદીના લડવૈયા જ નહીં પરંતુ સમગ્ર દેશનું અપમાન કર્યું છે. આવા નિવેદન પછી તેના માટે તેમના જેવો માનવાચક શબ્દ પણ વાપરી શકાય તેમ નથી. તેના માટે ફક્ત એટલું જ કહેવું યોગ્ય છે કે, ભારતને આઝાદી નહીં તમને પદ્મશ્રી ભીખમાં મળ્યો છે.

તેના નિવેદન બાદ શિવસેનાએ શનિવારે અભિનેત્રી કંગના રનૌતને તેની ટિપ્પણી માટે તેના તમામ રાષ્ટ્રીય પુરસ્કારો છીનવી લેવાની માંગ કરી હતી. રનૌતે ટિપ્પણી કરી હતી કે, ભારતે 1947માં જે મળ્યું તે ‘ભીખ’ (ભિક્ષા) હતી અને વાસ્તવિક સ્વતંત્રતા 2014માં મળી હતી, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. શિવસેનાએ આ ટિપ્પણીને ‘દેશદ્રોહ’ લગાવ્યું હતું. સેનાના એડિટોરિયલ ‘સામના’ના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, દેશ આઝાદીના આવા અપમાનને ક્યારેય સહન કરવામાં આવશે નહીં. જેને લોહી, પરસેવો, આંસુ અને અસંખ્ય ભારતીયોના બલિદાન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી.

સેનાએ કહ્યું કે, મોદી સરકારે કંગનાને તેના તમામ રાષ્ટ્રીય પુરસ્કારો છીનવી લેવા જોઈએ. ભાજપ પર નિશાન સાધતા સેનાએ કહ્યું કે, રનૌતની ટિપ્પણીએ તેનો ‘બનાવટી રાષ્ટ્રવાદ’ જાહેર કર્યો છે. કંગના પહેલા કોઈએ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનું આ રીતે અપમાન કર્યું ન હતું. તાજેતરમાં જ તેને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. અગાઉ સ્વતંત્રતા સેનાનીઓને પણ આ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, કંગનાને સમાન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તો બીજી તરફ ઇન્દોરમાં લોકાના એક ટોળાએ શુ્ક્રવારે અભિનેત્રી કંગના રનૌતનું પૂતળુ બાળ્યું હતું, આ જૂથમાં સ્વતંત્રતા સેનાનીઓના પરિવારના સભ્યો પણ સામેલ હતાં. ઇન્દોરમાં એક પ્રદર્શનકારીએ કહ્યું હતું, સ્વતંત્રતા સેનાનીઓના સાહસ અને બલિદાનનું અપમાન કરવા બદલ કંગનાએ દેશની માફી માગવી જોઈએ. 

બીજી બાજુ રાજસ્થાન મહિલા કોંગ્રેસે ચુરુમાં કંગના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. મહિલા કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ રેહના રિયાજે કહ્યું હતું કે ઈતિહાસ મુજબ હજારો લોકોના બલિદાનના કારણે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું હતુ્ં. આખો દેશ સ્વતંત્રતા અને તેના શહીદોને સન્માનની નજરોથી જુએ છે, પણ કંગનાના આ નિવેદનથી સ્વતંત્રતા સેનાનિઓનું અપમાન થયું છે. કંગનાના આ નિવેદન પર મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર પાટીલે કહ્યું હતું, ‘સ્વતંત્રતા માટે દેશની લડાઈ પર કંગનાની ટીપ્પણી પૂર્ણ રીતે ખોટી છે. કોઈએ પણ સ્વતંત્રતાની ચળવળ વિરૂદ્ધ નકારાત્મક નિવેદન કરવું જોઈએ નહીં.’

 કંગનાના નિવેદનનો સૌથી પહેલો વિરોધ વરુણ ગાંધીએ કર્યો હતો. વરુણ ગાંધીએ કટાક્ષમાં લખ્યું છે કે, ક્યારેક મહાત્મા ગાંધીના બલિદાન અને તપસ્યાનું અપમાન, ક્યારેક તેમના હત્યારાનું સન્માન અને હવે શહીદ મંગલ પાંડેથી લઈને રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને લાખો સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનનું અપમાન. શું આ વિચારને હું ગાંડપણ કહું કે રાજદ્રોહ? કંગનાના આ નિવેદન પર વરુણ ગાંધી ઉપરાંત વિરોધ પક્ષો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ કંગનાના નિવેદનને તેનું માનસિક દેવાળું ગણાવ્યું હતું. પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આક્રમક વલણ અપનાવતા સિરસાએ કહ્યું કે, મણિકર્ણિકાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી આઝાદીને ભીખ કેવી રીતે કહી શકે!!! લાખો બલિદાન પછી મળેલી આઝાદીને ભીખ માનવી એ કંગના રનૌતનું માનસિક દેવાળું છે.

 આ નિવેદન અંગે આપ પાર્ટીએ ગુરુવારે મુંબઈ પોલીસને એક અરજી આપી હતી. આપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પ્રીતિ શર્મા મેનને આ નિવેદનને ‘દેશદ્રોહી અને ભડકાઉ’ ગણાવ્યું હતું. કંગનાને તાજેતરમાં જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે. હવે આ સન્માન તેને કયા અભિનય માટે આપવામાં આવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કયા યોગદામ માટે આપવામાં આવ્યું તેનો જવાબ તો કદાચ સન્માન આપવાવાળા પણ આપી શકે તેમ નથી. હા કદાચ મહારાષ્ટ્રમાં શિવસેનાનો ખુલ્લેઆમ વિરોધ કરવા માટે આ સન્માન મળ્યું હોય તેવું કદાચ શક્ય બની શકે.  જો આવું જ હોય તો તો આ સન્માન છગન ભૂજબળ, નારણ રાણે, રાજ ઠાકરે અને સંજય નિરૂપમને સૌથી પહેલા મળવું જોઇએ કારણ કે, તેમણે શિવસેનાનો વિરોધ નથી કર્યો પરંતુ તેની સામે સીધો જ બળવો કર્યો છે. કંગનાને પદ્મશ્રી મળ્યો તેના માટે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પરંતુ સમગ્ર દેશ અચંબામાં પડી ગયો છે.

તેને અને અદનાન શામી જેવા લોકોને પદ્મશ્રી મળ્યો તે તેમનું સન્માન નહીં પરંતુ અત્યાર સુધી જેમને આ સન્માન મળ્યું છે તેમનું અપમાન છે. અત્યાર સુધી પદ્મશ્રી સન્માન મેળવનાર તમામ અદનાન શામી અને કંગના રણોતની હરોળમાં આવી ગયા છે. દેશભરમાંથી કંગનાનો પદ્મશ્રી પરત ખેંચવાની માગ ઉઠી રહી છે. પરંતુ સરકારે આ સન્માન પરત ખેંચવાની નહીં પરંતુ અત્યાર સુધી જેમણે આ સન્માન મેળવ્યું છે તેમણે તે પરત કરી દેવાની જરૂર છે. કંગના માટે હાલમાં તો એટલું જ કહી શકાય તેમ છે કે ભારતને આઝાદી નહીં તમને પદ્મશ્રી ચાંપલુસીની ભીખ બદલ મળ્યો છે.

Most Popular

To Top