એમ્બ્યુલન્સ ખાડામાં પડતાં જ શરૂ થયો શ્વાસ, ‘મૃત’ ગણાયેલી મહિલાનો ચમત્કારી બચાવ
ઉત્તર પ્રદેશમાં એક આશ્ચર્યજનક અને ચમત્કારિક ઘટના સામે આવી છે. ડોક્ટરો દ્વારા ‘બ્રેઈન ડેડ’ જાહેર કરાયેલી એક મહિલા એમ્બ્યુલન્સમાં લઈ જતા સમયે રસ્તાના ખાડાના ઝટકાથી અચાનક ફરી શ્વાસ લેવા લાગી. આ ઘટના પરિવાર માટે દુઃખમાંથી ખુશીમાં ફેરવાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ આ ઘટના બરેલી-હરિદ્વાર નેશનલ હાઇવે-74 પર બની હતી. અહીં એક ખાડાએ વિનિતા શુક્લા નામની મહિલાના જીવનમાં ચમત્કાર સર્જ્યો.
વિનિતા શુક્લા 22 ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં કામ કરતી વખતે અચાનક બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેમને સારવાર માટે બરેલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેમને ‘બ્રેઈન ડેડ’ જાહેર કરી દીધી હતી. પરિવારને કહેવામાં આવ્યું હતું કે હવે તેમના બચવાની કોઈ આશા નથી.
આ સમાચારથી પરિવાર તૂટી ગયો હતો. 24 ફેબ્રુઆરીએ પરિવારજનો તેમને અંતિમવિધિ માટે ઘરે લઈ જઈ રહ્યા હતા. વિનિતાના પતિ કુલદીપ કુમાર શુક્લાએ જણાવ્યું કે તે સમયે તેમની પત્ની શ્વાસ લઈ રહી નહોતી અને માત્ર ખૂબ નબળો ધબકારો હતો. પરંતુ રસ્તામાં એક એવી ઘટના બની જેને પરિવાર ચમત્કાર કહી રહ્યો છે. હાફિઝગંજ નજીક એમ્બ્યુલન્સ એક મોટા ખાડામાંથી પસાર થઈ, જોરદાર ઝટકો લાગ્યો, ઝટકા બાદ વિનિતાએ અચાનક સામાન્ય રીતે શ્વાસ લેવો શરૂ કર્યો.
આ જોતા પરિવારજનો આશ્ચર્યચકિત થઈ ગયા. કુલદીપે તરત જ અંતિમવિધિની તમામ તૈયારી બંધ કરાવી અને વિનિતાને પિલીભીતની ન્યુરોસિટી હોસ્પિટલમાં લઈ ગયા.
હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે યોગ્ય તપાસ, નિદાન અને સારવાર બાદ વિનિતાની સ્થિતિમાં સુધારો થયો. એક દિવસ બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા.
વિનિતા પિલીભીતના ન્યાયિક કોર્ટમાં નોકરી કરતી હતી. બરેલી હોસ્પિટલમાં જ્યારે તેમની તપાસ કરવામાં આવી ત્યારે તેઓ સંપૂર્ણપણે પ્રતિસાદ આપતી નહોતી અને બ્રેઈનસ્ટેમ રિફ્લેક્સ પણ નહોતાં જોવા મળ્યા. આ ઘટનાને વિનિતાના પતિએ “મૃત્યુ પર જીત” તરીકે વર્ણવી છે. પરિવાર માટે આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી, જ્યાં રસ્તાનો એક સામાન્ય ખાડો જિંદગી બચાવવાનું કારણ બની ગયો.