નવી દિલ્હી: નાણા મંત્રાલયના (Ministry of Finance) ડેટા એન્ટ્રી ઓપરેટરની જાસૂસી અને અન્ય દેશોમાં ગોપનીય ડેટા મોકલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે નાણા મંત્રાલયના એક કર્મચારીની ધરપકડ કરી છે. આ કર્મચારીનું નામ સુમિત હોવાની જાણકારી મળી છે અને તે નાણા મંત્રાલયમાં કોન્ટ્રાક્ટ પર તૈનાત હતો. કહેવાય છે કે સુમિત પૈસાના બદલામાં વિદેશમાં ડેટા લીક કરતો હતો.સુમિતની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સર્ચ દરમિયાન આરોપી પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેનો ઉપયોગ તે નાણા મંત્રાલય સાથે જોડાયેલી ગુપ્ત માહિતી લીક કરવા માટે કરે છે.
- સર્ચ દરમિયાન આરોપી પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો
- આરોપી નાણા મંત્રાલયમાં કોન્ટ્રાક્ટ પર તૈનાત હતો
જાણકારી મુજબ ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આ મામલાની વધુ માહિતી સામે આવી નથી કે તેઓ નાણા મંત્રાલયમાં ક્યારે કામ કરતા હતા અને કેટલા દેશોને તેમણે ગુપ્ત માહિતી આપી છે. આ મામલો નાણા મંત્રાલય સાથે જોડાયેલો હોવાથી પોલીસ મામલાની વિગતવાર તપાસ કર્યા બાદ જ આ અંગે નિવેદન આપવા માંગે છે.
જાણો ઓફિશિયલ સિક્રેટ એક્ટ શું છે?
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923 સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને લાગુ પડે છે. આ કાયદા હેઠળ, કોઈપણ વ્યક્તિ જે જાસૂસીમાં સામેલ હશે, દેશદ્રોહી ગતિવિધિઓમાં સક્રિય રહેશે અને દેશનું ગૌરવ ઠેસ પહોંચે તેવું કામ કરશે, તો સત્તાવાર ગુપ્ત કાયદો લાગુ થશે. મોટી વાત એ છે કે આ કાયદામાં ક્યાંય સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું નથી કે ‘ગુપ્ત’ શું છે. જેના કારણે ઘણી વખત જ્યારે આ કાયદા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે વિવાદ પણ જોવા મળે છે.