કોચી : ઇન્ડિયન પ્રીમિયપર લીગ (આઇપીએલ)ની આવતીકાલે શુક્રવારે અહીં યોજાનારા મીની ઓક્શનમાં (Mini Auction) જ્યારે બેન સ્ટોક્સ, સેમ કરન, કેમરન ગ્રીન અને મયંક અગ્રવાલ જેવા ખેલાડીઓ (Players) સહિતના ક્રિકેટરના મર્યાદિત પુલની હરાજી થશે ત્યારે 10 ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે આ ખેલાડીઓને ખરીદવા માટે જોરદાર ખેંચતાણ થવાની સંભાવના છે. બપોરે 2.30 વાગ્યાથી શરૂ થનારી હરાજીમાં 123 ઇન્ટરનેશનલ ખેલાડીઓ સહિત કુલ 405 જેટલા ખેલાડીઓ સામેલ થશે જેમાંથી 30 વિદેશી સહિત વધુમાં વધુ 87 ખાલી જગ્યા 10 ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ભરવામાં આવશે.
2022ના ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલા સેમ કરન પર આ મીની ઓક્શનમાં મોટી બોલી લાગે તે નક્કી છે. માત્ર 24 વર્ષના સેમ કરન પર ફ્રેન્ચાઇઝીઓ લાંબા ગાળાનું રોકાણ કરવા માગે તો તેમાં કોઇ નવાઇ નથી. 2019માં પંજાબ કિંગ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે તેના માટે ચડસાચડસી ચાલી હતી અને અંતે સીએસકેએ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 2022માં પીઠની ઇજાને કારણે મેગા ઓક્શનમાં સામેલ ન થયેલા કરનને આ મીની ઓક્શનમાં 2 કરોડની બેઝ પ્રાઇસમાં મૂકાયો છે.
આ મીની ઓક્શનમાં સૌથી પહેલી બોલી બેટ્સમેનો પર લાગશે. તે પછી ઓલરાઉન્ડર્સનો વારો આવશે. સ્ટોક્સ અને કરનની સાથે જ તેમના ઇંગ્લીશ ટીમના સાથી અને 1.5 કરોડની બેઝ પ્રાઇસ ધરાવનાર હેરી બ્રુકને પણ મોટી રકમ મળવાની સંભાવના છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પર પણ તમામ ફ્રેન્ચાઇઝીની નજર રહેશે. સનરાઇઝર્સે રિલીઝ કરેલા કેન વિલિયમ્સન અને નિકોલસ પૂરન માટે પણ કેટલીક ટીમ વચ્ચે હરીફાઇ થવાની સંભાવના છે. આ ઉપરાંત જો રૂટ, શાકિબ અલ હસન, રાઇલી રુસો, મયંક અગ્રવાલ, જોશુઆ લિટલ પણ ફ્રેન્ચાઇઝીની રડારમાં રહેશે.
આઇપીએલ મીની ઓક્શનમાં 2021માં ક્રિસ મોરિસ પર સૌથી વધુ બોલી લાગી હતી
આઇપીએલ મીની ઓક્શનની જો વાત કરવામાં આવે તો તેમાં સૌથી મોટી બોલી 2021માં ક્રિસ મોરિસ પર લાગી હતી. તે સમયે રાજસ્થાન રોયલ્સે મોરિસને 16.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મોરિસ પર લાગેલી આ બોલી આજની તારીખ સુધી મીની ઓક્શનની સૌથી મોટી બોલી રહી છે.