મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં એક ચોંકાવનારી સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. અહીં એક સરકારી કર્મચારીને વોટ્સએપ પર લગ્નનું આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું હતું. આમંત્રણ સાથે એક PDF ફાઇલ પણ જોડાયેલી હતી. જેને પીડિતે સાચું માન્યું અને ક્લિક કરી દીધું. પરંતુ જેમ જ તેણે ફાઇલ ખોલી તેના બેંક ખાતામાંથી લગભગ 1.90 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા.
આ આમંત્રણ એક અજાણ્યા નંબર પરથી મોકલવામાં આવ્યું હતું. તેમાં તા.30 ઓગસ્ટના રોજ યોજાનારા લગ્નમાં આવવાની વિનંતી સાથે લખાણ હતું કે “પ્રેમ એ ચાવી છે જે ખુશીના દરવાજા ખોલે છે કૃપા કરીને લગ્નમાં આવજો.” આ મેસેજ જોઈને સરકારી કર્મચારીને કોઈ શંકા ન જાગી અને તેણે ફાઇલ ઓપન કરી દીધી હતી.
જો કે ત્યાર પછી ખબર પડી કે આ PDF ફાઇલ હકીકતમાં APK ફાઇલ હતી. APK એટલે કે એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ જેનો ઉપયોગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે થાય છે. સાયબર ગુનેગારો એ જ રીતે આ APK ફાઇલને લગ્ન કાર્ડના સ્વરૂપમાં મોકલીને પીડિતના ફોનમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઇલ ખોલતાની સાથે જ હેકર્સને ફોનની અંદરનો તમામ ડેટા અને બેંકિંગ વિગતો મળી ગઈ હતી. તેના આધારે તેમણે તરત જ પીડિતના ખાતામાંથી લગભગ 1,90,000 રૂપિયા ઉપાડી લીધા હતા.
પીડિત સરકારી કર્મચારી તરત જ હિંગોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. હાલમાં સાયબર સેલ આ મામલે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
વિશેષ વાત એ છે કે આ પ્રકારની છેતરપિંડીનો ટ્રેન્ડ નવો નથી. ગયા વર્ષે પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જ્યાં લોકોને વોટ્સએપ પર લગ્નના આમંત્રણ કાર્ડ કે આકર્ષક ઑફર્સના નામે APK ફાઇલો મોકલીને ઠગાઈ કરવામાં આવી હતી.
સાયબર સેલે લોકોને ચેતવણી આપી છે કે અજાણ્યા નંબર પરથી આવેલ લિંક્સ અથવા PDF કે APK ફાઇલ્સ ક્યારેય ખોલવી નહીં. આવી ફાઇલ્સમાં મોટેભાગે હેકિંગ સોફ્ટવેર છુપાયેલો હોય છે. જેની પર ક્લિક કરતાં જ સીધો તમારા બેંક એકાઉન્ટ સુધી પહોંચી શકે છે.