મિઠાઇવાળા સહાયક મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ ઠક્કર (હલવાવાળા)એ જણાવ્યું હતું કે, દેશમાં માત્ર સુરત (Surat) અને અમદાવાદ (Ahmadabad)માં દૂધના માવામાંથી મિઠાઇ (Sweet) બનાવવાની મોનોપોલી ચાલતી આવી છે. દૂધ અને દૂધની પ્રોડક્ટ (Milk products)ના ભાવ વધતા (Price hike) બરફી – પેંડા સહિતની મિઠાઇઓ અને કેકના ભાવમાં કિલોએ 20 રૂપિયાનો વધારો થયો છે. ક્રીમ મિલ્કમાંથી બનતી મિઠાઇઓ અને માત્ર દૂધમાંથી બનતી બંગાળી મિઠાઇના ભાવમાં સુરતી મિઠાઇ કરતાં ભાવો વધુ જોવા મળી રહ્યા છે. બરફીનો નવો ભાવ 480, પેંડા 460 અને રસગુલ્લા સહિતની દૂધ અને દૂધના માવાનો જેમાં વધુ ઉપયોગ થયો હોય તેવી મિઠાઇનો ભાવ 500 રૂપિયે કિલો થયો છે.
સુરત: પેટ્રોલ ડિઝલના ભાવ વધવાની સાથે દૂધ અને દૂધની પ્રોડક્ટ તથા ખાદ્ય તેલના ભાવો એક જ વર્ષમાં આસમાને પહોંચતા મિઠાઇ, ફરસાણ અને દૂધની બનાવટની આઇટમના ભાવોમાં 10થી 25 ટકાનો વધારો નોંધાયો છે. કોન્ફેડેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે ભારતમાં ઇમ્પોર્ટ થતું પામોલીન તેલ મોંઘુ થતાં આ તેલમાંથી બનતું ફરસાણ કિલોએ 20થી 25 રૂપિયા મોંઘુ થયું છે. જ્યારે સિંગતેલ, કપાસિયા, મક્કાઇ, સુરજમુખી સહિતનું ખાદ્ય તેલ મોંઘુ થતા તેમાંથી બનતું ફરસાણ કિલોએ 15થી 20 રૂપિયા મોંઘુ થયુ છે. 2019માં સિંગતેલનો ભાવ 15 લિટરનો 1200 રૂપિયા હતો. જે 2020-21માં 2400થી 2500 રૂપિયા થયો છે. તેને લીધે 2019માં 320થી 330 રૂપિયે કિલો વેચાતું ફરસાણ 400થી 450 રૂપિયે કિલો થયું છે. સુરતી સરસિયા ખાજાનો ભાવ 420 રૂપિયે કિલો થયો છે. નમકીનના ભાવમાં પણ વધારો થયો છે. અમુલ ડેરીએ લિટરે 2 રૂપિયાનો ભાવવધારો કરતા અમુલ ગોલ્ડ અને શક્તિ દૂધની કિંમતો વધી છે તેને લીધે 60 રૂપિયે કિલો વેચાતું પંજાબી દહી 75 રૂપિયે થયું છે. શિખંડ, ચીઝ, માખણ સહિતની પ્રોડક્ટમાં 10થી 15 ટકાનો ભાવવધારો થયો છે.
આ પ્રોડક્ટના ભાવો વધ્યા (કિલો પ્રમાણે)
પ્રોડક્ટ જૂનો ભાવ નવો ભાવ
બરફી 460 480
પેંડા 440 460
રસગુલ્લા 460 500
સરસિયા ખાજા 400 420
ફરસાણ 350થી400 400થી 450